ઘર વપરાશના એલપીજી સિલિન્ડરના ભાવમાં ૩.૫૦ પૈસાનો વધારો થયો

36

મોંઘવારીનો માર સહન કરી રહેલી જનતા પર વધુ એક મોંઘવારીની થપાટ : આજથી ૧૯ કિલોવાળા ગેસ સિલિન્ડરનો ભાવ દિલ્હીમાં ૨૩૫૪, કોલકાતામાં ૨૪૫૪, મુંબઈમાં ૨૩૦૬ રૂપિયા અને ચેન્નાઈમાં ૨૫૦૭ રૂપિયા હશે
નવી દિલ્હી,તા.૧૯
સતત મોંઘવારીનો માર સહન કરી રહેલી જનતા પર વધુ એક મોંઘવારીની થપાટ પડી છે. ગૃહિણીઓના ઘરના બજેટને વધુ ખોરવી નાખે તેવા આ સમાચાર છે. એકવાર ફરીથી રાંધણ ગેસના ભાવમાં વધારો થયો છે. આ ભાવવધારા બાદ હવે ગેસનો ભાવ ૧૦૦૦ રૂપિયાને પાર જતો રહ્યો છે. ઘરેલુ એલપીજી સિલિન્ડરના ભાવમાં ૩.૫૦ પૈસાનો વધારો થયો છે. આજે ભાવમાં વધારો થતા હવે ગેસ સિલિન્ડરનો ભાવ ૧૦૦૦ને પાર ગયો છે. સમગ્ર દેશમાં હવે ઘરેલુ એલપીજી સિલિન્ડરનો ભાવ ૧૦૦૦ ઉપર થયો છે. આ સાથે મેટ્રો શહેરોમાં દિલ્હી, મુંબઈમાં ૧૪.૨ કિલો રાંધણ ગેસના બાટલાના ભાવ ૧૦૦૩ રૂપિયા, કોલકાતામાં ૧૦૨૯ રૂપિયા તથા ચેન્નાઈમાં ૧૦૧૮.૫૦ રૂપિયા થઈ ગયો છે. ઘરેલુ એલપીજી ગેસમાં વધારાની સાથે કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં પણ ૮ રૂપિયાનો વધારો થયો છે. આજથી ૧૯ કિલોવાળા ગેસ સિલિન્ડરનો ભાવ દિલ્હીમાં ૨૩૫૪ રૂપિયા, કોલકાતામાં ૨૪૫૪ રૂપિયા, મુંબઈમાં ૨૩૦૬ રૂપિયા અને ચેન્નાઈમાં ૨૫૦૭ રૂપિયા હશે. નોંધનીય છે કે આ અગાઉ ૭મી મેના રોજ ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં ૫૦ રૂપિયાનો વધારો થયો હતો. ત્યારબાદ ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવ ૯૯૯.૫૦ રૂપિયા સુધી પહોંચી ગયો હતો. આ અગાઉ કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ૧૦૨ રૂપિયાનો વધારો કરાયો હતો. આ વર્ષે એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં અનેકવાર વધારો થયો છે. ૧ એપ્રિલના રોજ ૧૯ કિલોવાળા કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ૨૫૦ રૂપિયાનો વધારો થયો હતો. ત્યારે તેની કિમત ૨૨૫૩ થઈ હતી. તે પહેલા ૧ માર્ચના રોજ ૧૦૫ રૂપિયાનો વધારો થયો હતો. એટલે ગત મહિનાથી ગેસ સિલિન્ડરના ભાવમાં વધારાનો સિલસિલો સતત ચાલુ છે.

Previous articleસમાજના નિર્માણમાં સભ્યતા, પરંપરા, સંસ્કાર મહત્વના : મોદી
Next articleઆઈએસઆઈના બે જાસૂસની અમૃતસરથી ધરપકડ કરી લેવાઈ