ભાવનગરમાં ઉનાળાના સમયે બજારમાં સક્કરટેટી અને તરબૂચની પુષ્કળ આવક, ભાવમાં ઘટાડો થતા લોકો મન મુકીને ખરીદી કરી રહ્યા છે

65

ભાવનગરમાં દરરોજ 10 થી 12 ટ્રક ભરીને સક્કરટેટી-તરબૂચની આવક થતી હોવાનું અનુમાન
રાજ્યની સાથોસાથ ભાવનગર શહેર-જિલ્લામાં હાલ ઉનાળાની સીઝન મધ્યમાં પહોંચી છે. એવાં સમયે ભાવનગરમાં ઉનાળાના અમૃત ફળો પૈકી એવાં સક્કરટેટી તથા તરબૂચની પુષ્કળ પ્રમાણમાં આવક થઈ રહી છે.

ભાવનગર શહેર-જિલ્લામાં ફળો વેચાણ માટે આવી રહ્યાં છે. શહેરમાં છેલ્લા દસ દિવસથી તરબૂચ, સક્કરટેટીની વિપુલ આવક થતાં ભાવમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે. જેને કારણે ગરીબ વર્ગના પરિવારો પણ સક્કરટેટી, તરબૂચની મનભરીને જયાફત માણી રહ્યાં છે. આ ગ્રીષ્મફળનું વાવેતર થી લઈને ખેતી ખૂબ સરળ હોય છે આથી દર વર્ષે વધુને વધુ ખેડૂતો આ ખેતીમાં જોડાઈ રહ્યાં છે. ભાવનગરમાં ઉનાળાના આરંભે સક્કરટેટી, તરબૂચનો કિલોગ્રામનો ભાવ 50 થી 60 જેવો હતો, પરંતુ હાલમાં ઘટીને 20 થી 30 રૂપિયા જેટલો થયો છે. તરબૂચ, સક્કરટેટીના શોખીનો દરરોજ આ ફળોની મન મૂકીને ખરીદી કરી રહ્યા છે. તરબૂચમા ત્રણ વેરાયટી જયારે સક્કરટેટીમાં બે જાત ઉપલબ્ધ છે. ભાવનગરમાં દરરોજ 10 થી 12 ટ્રક ભરીને સક્કરટેટી-તરબૂચની આવક હોવાનું એક અગ્રણી વેપારીએ જણાવ્યું હતું.
દર વર્ષે ભાવનગર શહેર-જિલ્લામાં લોકોની જરૂરિયાત-માંગને ધ્યાનમાં રાખીને શહેરના ખ્યાતનામ ફળ-ફળાદીના વેપારીઓ દરેક સિઝનના ફળો ભાવનગર જિલ્લા ઉપરાંત અન્ય જિલ્લા ઓ સહિત પરપ્રાંતમાંથી આયાત કરી બજારમાં વેચાણ માટે મૂકે છે આજે દેશમાં પ્રત્યેક રાજ્યોમાં રોડ-રસ્તાઓ સારા બનવાની સાથે ટ્રાન્સપોર્ટેશન સરળ બનતા કોઈ પણ રાજ્યના અંતરિયાળ વિસ્તારોમાં પાકતી ખેત પેદાશો ફળફળાદિ સહિતની ખાદ્ય સામગ્રી ઝડપી પરિવહનને પગલે દેશના કોઈ પણ ક્ષેત્રો-રાજ્યો શહેરમાં મોકલી શકાય છે. આ પરિવર્તન છેલ્લા એક દસકાથી જ આવ્યું છે ત્યારે દેશના કોઈ પણ ખૂંણે પાકતી ખેત જણસ તથા ફ્રૂટ ભાવનગર શહેરથી લઈને અંતરિયાળ ગામડાઓમાં પણ પહોંચી રહ્યું છે.

Previous articleપેગાસસ જાસૂસી કેસની તપાસ કરતી કમિટીનો કાર્યકાળ વધારાયો
Next articleરેલવે સ્ટેશન સામે દરજીની વાડી પાસે સ્ટ્રીટ લાઇટના અજવાળે જુગાર રમતા 12 જુગારીઓ ઝડપાયા