સાંસદ શક્તિસિંહ ગોહિલના હસ્તે નવા સ્થળે નવા ઉત્સાહ સાથે જિલ્લા કોંગ્રેસ કાર્યાલયનું ઉદ્દઘાટન

70

શક્તિસિંહે ભાજપની રીતિ-નીતિની આકરી ટીકાઓ કરી કોંગ્રેસના સંગઠનને મજબુત બનાવવા હાકલ કરી
ભાવનગર જિલ્લા કોંગ્રેસના નવા કાર્યાલય કે જે સંસ્કાર મંડળ નિર્મળ પ્લાઝામાં ખોલાયું છે જેનું ગઇકાલે રવિવારે રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલના વરદ હસ્તે ઉદ્દઘાટન કરાયું હતું જેમાં શહેર જિલ્લા કોંગ્રેસના આગેવાનો, કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં. આ કાર્યક્રમમાં શક્તિસિંહ ગોહિલે ગુજરાત સરકારની રીતિ-નીતિને આડેહાથ લઇ અનેક નિર્ણયોની ટીકા કરી હતી જેમાં ખાસ કરીને હાલના સંજોગોમાં વધતા જતા પેટ્રોલ-ડિઝલ, ગેસ સહિતની ચીજવસ્તુના વધતા ભાવો સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો તેમજ તેમણે વધુમાં જણાવ્યું હતું કે, નવયુવાનો કોંગ્રેસમાં જોડાય અને કોંગ્રેસ પક્ષનું સંગઠન વધુ મજબુત બનાવવા હાંકલ કરી હતી. ભાજપ સરકારની ટીકા કરતા તેમણે જણાવ્યું હતું કે, ચૂંટણીઓ આવતા ચીજવસ્તુઓના ભાવમાં અમુક અંશે ઘટાડો કરાય છે પરંતુ આ પહેલા જે બેફામ ભાવ વધારો કરાયો હોય તે વિશે વિચારાતું નથી તેમજ ખેડૂતોની અનેક મુશ્કેલીઓ સામે પણ તેમણે રોષ વ્યક્ત કર્યો હતો. તેમજ ભરતી પરીક્ષાઓ તેમજ અન્ય પરીક્ષાઓમાં જે પ્રમાણે પેપર લીક થાય છે તેનાથી શિક્ષીત યુવાનો મુશ્કેલીમાં મુકાય છે. આવા બનાવોમાં સરકારે ઉંડી તપાસ હાથ ધરી જવાબદારો સામે પગલા લેવા જોઇએ તેમ પણ તેમણે જણાવ્યું હતું. હાલની બેરોજગારી અને ફિક્સ પગારના કર્મચારીઓનું થતું શોષણ બાબતે પણ તેમણે સરકારની આકરી ટીકા કરી હતી. આ કાર્યક્રમની આભારવિધી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ રાજેન્દ્રસિંહ (રાજભા) ગોહિલે કરી હતી. આ કાર્યક્રમમાં ધારાસભ્ય કનુભાઇ બારૈયા, પ્રવિણભાઇ રાઠોડ, પૂર્વ ધારાસભ્ય દિલીપસિંહ ગોહિલ, ડો.કનુભાઇ કળસરીયા, કરશનભાઇ વેગડ, મેહુરભાઇ લવતુકા, નાનુભાઇ વાઘાણી, વલ્લભભાઇ કટારીયા સહિતના કોંગી આગેવાનો, કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતાં.