મેડીકલમાં પોસ્ટ ગ્રેજયુએટ કરતા જુનિયર ડોકટર માટે નવા શપથ-આઇ શપથ!!! (બખડ જંતર)

41

આજના યુવાનોમાં ગુરુજનો પ્રત્યે ભારોભાર ભકિતભાવ, આદર, શ્રધ્ધા, અનુપાલન નથી! તમે પણ મારી સાથે સંમત થશો. અપિતું, તમે સદ્યયુવાન હશો તો તુરંત બોલશો કે શું બખાળો કાઢ્યો છે, ડોસાડગરા ( બુઢા હોગા તેરા બાપ-ફિલ્મનું નામ લખ્યું છે. બીજું કશું ઇંગિત કે ગર્ભિત નથી.)લવારા કરે છે. યુવાનોથી જલે છે!!
ભૂતકાળમાં પરંપરાગત ગુરૂકૂળ પધ્ધતિથી શિક્ષણ આપવામાં આવતું હતું. જયાં વિદ્યાર્થીઓને પુસ્તકોથી શિક્ષણ આપવામાં આવતુ હતું. ધનુર્વિદ્યા, ઘોડેસવારી, તલવારબાજી વગેરે શીખવાડવામાં આવતું હતું. ગુરરૂળના ઓરડા, ચોગાનની સફાઇ, કૂવેથી પાણી ભરવું, ઇંધણા ( લોકગીતમાં જ છોકરી ઇંધણા વીણવા જાય છે.) લેવા જવું જેવા શરીર કસાય તેવા કામો કરવાના રહેતા હતા! વિદ્યાર્થીઓને આવા કામો કરવા સામે વાંધો, વિરોધ કે આપતિ ન હતી!! ખુદ કૃષ્ણ ભગવાન સાંદીપનિ ઋષિના આશ્રમમાં અધ્યયન કરતા હતા ત્યારે આ પ્રકારના કામો હોંશે હોંશે કરતા હતા. એકવાર જંગલમાં પરમ મિત્ર સુદામા સાથે લાકડા લેવા ગયેલાં, દરમિયાન વરસાદ વરસતાં શિષ્યોને શોધવા સાંદિપની ઋષિ નીકળેલા. યજ્ઞમાં હાડકા નાંખનાર રાક્ષસોને હણવા માટે વિશ્વામિત્ર ઋષિ અવેતન આઉટ સોર્સિંગ પદ્ધતિએ રામ ભગવાને લઇ ગયેલા . જયાં રામે ગુરૂ તરીકે વિશ્વામિત્રની સેવા કરેલી.
અમે ધૂડી નિશાળમાં ( તાલુકા શાળા નં-૩ જૂના બસ બસસ્ટેન્ડ, નગરપીલિકા લામે) અમરેલીમાં ભણતા ત્યારે સરોજ ટિચર વોશ રૂમમાં જાય ત્યારે અમને તેવું પાકિટ સાચવવાઆપતા તો અમે ઘન્ય ધન્ય થઇ જતા હતા!!અમને તમામ વિદ્યાર્થી કરતા ટિચરના વિશ્વાસુ ગણે છે તે બાબતે પોરસાતા હતા!અમને આ કામમાં નાનમ કે લાંછન લાગતું ન હતું.
અમે દક્ષિણામૂર્તિ કુમાર મંદિરમાં પાંચ થી સાત ધોરણ ફી ચુકવીને ભણેલ હતા. છતાં વર્ગના વારા પ્રમાણે શાળાનું કમ્પાઉન્ડ સફાઇ કામદારની જેમ વાળતા હતા.ઇવન શૌચાલયની સફાઇ કરતા હતા!!
અમદાવાદ સિવિલમાં પોસ્ટ ગ્રેજ્યુએશન ફર્સ્‌ટ યર રેસિડન્ટ (જુનિયર) તરીકે ફરજ બજાવતા ડૉક્ટર્સના માથે દર્દીઓની સારવાર ઉપરાંત વિભાગના સિનિયર અને એચઓડી ડૉક્ટર્સના ઘરના શાકભાજી ખરીદવા, બેન્કમાં જવું, એચઓડી કે સિનિયરની પત્નીને લેવા-મૂકવા જવા જેવા અંગત કામો પણ કરવા પડે છે. સિવિલમાં ૮૦થી વધુ યુનિટમાં ૨૫૦ જેટલા જુનિયર ડોક્ટર છે.
પોસ્ટ ગ્રેજ્યુએશન ફર્સ્‌ટ યરના વિદ્યાર્થીઓ પાસે ૨૪ કલાક મજૂરોની જેમ વોર્ડમાં કામ કરાવાય છે. સિનિયર્સ અને એચઓડી તેમના પર્સનલ કામો કરાવે છે. વિદ્યાર્થીઓને એક પણ વીકલી ઓફ અપાતો નથી.
સિવિલમાં રોજ સરેરાશ ૨૫૦૦ દર્દીની ઓપીડી છે. ખાસ કરીને ટ્રોમા સેન્ટરમાં દર્દીઓ આવે તેમની ગંભીરતાને ધ્યાને રાખી પ્રાયોરિટી અપાય છે. દર્દીની સાથે ટોળેટોળા આવી જાય છે, પણ સિક્યુરિટી તેમને રોકતી નથી. મા કાર્ડને લગતી કામગીરી કરવાની જવાબદારી રેસિડન્ટ ડોક્ટરની નથી છતાં તેમની પાસેથી કામ લેવામાં આવે છે.
વર્કલોડ અને સ્ટ્રેસના કારણે માનસિક પ્રોબલમ થાય છે. ખાસ કરીને સિવિલમાં દર્દીઓ અને ડૉક્ટરોની સંખ્યાનો રેશિયો જળવાતો ના હોવાથી વિદ્યાર્થીઓ ડ્રિપેશનમાં આવે છે. ઘણી વખત ફેકલ્ટીના પ્રેશરના કારણે પણ વિદ્યાર્થીઓ સ્ટ્રેસ અનુભવતા હોય છે.
બોલો કોઇ દમ છે? તમે વડીલને પગે લાગો એટલે ચાંપલુસી નથી. કોઇનું ટાપુટૈયું કરવું એ ગુલામી નથી. વાસ્તવમાં જીવન ઘડતર છે. વ્યક્તિત્વ વિકાસ છે. આપણી સંસ્કૃતિમાં સેવાનું મહત્વ છે.સિનિયરના એકાદ કામો કરશો તો મોટા સાહેબ પરીક્ષામાં ઉદારતા દાખવશે. મોટા સાહેબના ઘરનું શાકપાંદડું લેવા જુનિયર જશે તો કોથમીર અને મેથી કે ગુવાર અને ચોળી વચ્ચેનો ભેદ ખબર પડશે. જુનિયર લગ્ન કરી ઘર શરૂં કરશે ત્યારે શાકભાજી ખરીદવાનાં પણ સર્જરી કરવા જેટલી જ કે તેનાથી વધુ હથોટી આવશે. માત્ર ડોકટર બનીને મેંગા બનવું પસંદ છે કે ઓલ રાઉન્ડર બનવું છે?
જુનિસર મોટા સાહેબની ઘરવાળીને લઇ જવાનું કામ કરવાથી બેન સાથે ઓળખાણ થવાથી મોટા સાહેબ પાસેથી ફેવર કરાવવા માટે બેનની સિફારીશ કરાવવાથી સાહેબ ના પાડી શકશે નહીં!!!લગ્ન બાદ ઘરવાળીને લેવા મુકવા જવાનું થશે તો પણ ફરિયાદ કરી શકશો? હિટલરના હુકમની તામિર કરવાની હોય! સુપ્રિમ કોર્ટનો હુકમ તાબાની કોર્ટ રદ કરી શકે નહીં !!!
ડોકટર તરીકે દર્દીની સારવાર કરવી, તેના કેસપેપરમાં જરૂરી નોટ લખવી એ પ્રાયમરી કામ છે!! એની ફરિયાદ ન હોય. આવતી કાલે ખાનગી દવાખાનું ખોલશે તો વધુ દર્દી તપાસ્યા હશે તો દર્દીની સારવાર કરી શકશે. નહીંતર કંકોડા તપાસીશ ??
બૃહદ અર્થમાં આપણે ઇશ્વરના બોન્ડેડ લેબરર છીએ!!
ખરેખર આ બધું વર્તમાન શિક્ષણપ્રથાની વિફળતા છે. હવે પીજી કરતા ડોકટરોની હીપોક્રેટસ શપથ નહીં પણ આવા શપથ અપાવો.
સિનિયરને ભગવાન માનીશ. મનમંદિરમાં તેની મૂર્તિની સ્થાપના કરીશ. અહર્નિશ તેમની પૂજા અર્ચના કરીશ. તેમનો પડયો બોલ ઉઠાવીશ. તેમનો એક પણ બોલ ઉથાપીશ નહીં. સાહેબે કહેશે તો ઝાડું કાઢીશ.( કોણ જ્ઞાની ઝૈલસિંહનું નામ બોલ્યું? ખબરદાર કોઈએ વાયડાઈ કરી છે તો?)અરે શેષાન સાહેબની જેમ શૌચાલય( શેષાન સાહેબ ઘરના ઓર્ડર પર જ ધ્યાન આપતા હતા !)પણ સાફ કરીશ. સાહેબ ઓફલાઈન કે ઓનલાઇન ન ભણાવે છતાં ગુરુદક્ષિણા પેટે અંગુઠો માંગે તો હિચકચાહટ વિના અંગૂઠો દાન કરીશ!!!જરૂર પડયે મારી ચામડી પણ ઉતારી દઇશ કે સરકલમ કરી દઇશ!!!!

– ભરત વૈષ્ણવ

Previous articleન્યુઝીલેન્ડ ક્રિકેટ ટીમના કેપ્ટન કેન વિલિયમસન પિતા બન્યો
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે