ઉંચડી નજીક છકડો અને બાઈકનો અકસ્માત થતા બેના મોત : ઇજાગ્રસ્ત પૈકી ત્રણ ગંભીર

63

ભાવનગર જિલ્લાનો તળાજા મહુવા હાઈવે છેલ્લા કેટલાક સમયથી ગોજારો બની રહ્યો હોય તેમ વાંરવાર અકસ્માતના બનાવો બની રહ્યા છે અને લોકો મોતને ભેટી રહ્યા છે. ત્યારે આજે તળાજા ગોપનાથ રોડ પર ઉંચડી નજીક વધુ એક છકડો અને બાઈકનો ધડાકાભેર અકસ્માત થયો હતો જેમાં ઘટનાસ્થળે એકનું તેમજ હોસ્પીટલમાં સારવાર દરમિયાન એક વ્યક્તિનું મળી કુલ ૨ વ્યક્તિઓના મોત થયા હતા.

અને કેટલાક શ્રમિકોને ઈજા થવા પામી હતી. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ તળાજા ગોપનાથ રોડ પર ઉંચડી નજીક આજે સવારે શ્રમીકોને ભરી આંબળાથી તળાજા જઈ રહેલો છકડો રિક્ષા અને ઝાંઝમેરથી આવી રહેલ બાઈકનું સામસામી ધડાકાભેર અકસ્માત થયો હતો જેમાં બાઈક ચાલક ઝાંઝમેરના રહિશ ગિરીશભાઈ સવજીભાઈ ચૌહાણ ઉ.વ.૪૫ને તથા તેની પુત્રી અસ્મિતાબેન ગિરીશભાઈ ચૌહાણ ઉ.વ.૧૮ને ગંભીર ઈજા થયેલ. આ ઉપરાંત છકડો રિક્ષામાં રહેલ કમુબેન ભૂપતભાઈ મકવાણા ઉ.વ.૪૫ સહિત કેટલાક શ્રમિકોને ગંભીર ઈજા થતા તેઓને તાત્કાલીક તળાજાની સદ્‌વિચાર હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયેલ. જ્યાં હોસ્પિટલ પહોચતા જ બાઈક ચાલક ગિરીશભાઈ સવજીભાઈ ચૌહાણનું મોત નિપજ્યુ હતું. જ્યારે તેની પુત્રી અસ્મિતાબેન તેમજ છકડોમાં બેસેલ શ્રમિકોને ગંભીર હાલતે સારવાર માટે દાખલ કરાયેલ જ્યાં સારવાર દરમિયાન કમુબેન ભૂપતભાઈ મકવાણા ઉ.વ.૪૫ રહે આંમળા નામની મહિલાનું પણ મોત થયું હતું. હજુ ત્રણેક વ્યક્તિઓ ગંભીર હાલતે સારવેર લઈ રહ્યા છે. બનાવ અંગે જાણ થતા તુરંત જ આજુબાજના ગામના લોકો અને પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોચી ગયા હતા. અને ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવા સહિતની કામગીરી કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે તળાજા પંથકમાં છકડો રીક્ષા ચાલકોનો ખુબજ ત્રાસ હોય અને છેલ્લા ટુંક સમયમાં જ ત્રણેક જેટલા રોડ અકસ્માતો થયા છે ત્યારે સત્વરે તંત્ર દ્વારા છકડો રિક્ષા માટે નિયમોનું પાલન કરાવવા લોકોની માંગ ઉઠવા પામી છે.

Previous articleજાપાનની કંપનીઓને ભારતમાં રોકાણની તક શોધવા મોદીનું આહ્વાન
Next articleચિત્રા જીઆઇડીસીમાંથી બે રિક્ષામાં લવાતો દોઢ લાખનો રેશનિંગનો જથ્થો કરાયો સીઝ