જાપાનની કંપનીઓને ભારતમાં રોકાણની તક શોધવા મોદીનું આહ્વાન

36

ભારતીય વડાપ્રધાને જાપાનના અનેક ટોચના બિઝનેસમેનની પણ મુલાકાત લીધી : સુઝુકી મોટર કોર્પોરેશનના ચેરમેને મોદીની કામગીરીની પ્રશંસા કરી
ટોક્યો, તા.૨૩
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ક્વાડ શિખર સંમેલનમાં સહભાગી બનવા માટે જાપાનના પ્રવાસે છે. આ દરમિયાન તેમણે જાપાનના અનેક ટોચના બિઝનેસમેનની પણ મુલાકાત લીધી હતી. વડાપ્રધાન મોદીએ જાપાનીઝ કંપનીઓને ભારતમાં રોકાણની તક શોધવા માટે પણ વિનંતી કરી હતી. આ મીટિંગ દરમિયાન સુઝુકી મોટર કોર્પોરેશનના ચેરમેને વડાપ્રધાન મોદીની કામગીરીની ભારે પ્રશંસા કરી હતી. સુઝુકી મોટર કોર્પોરેશનના ચેરમેન અને પ્રેસિડેન્ટ તોશિહિરો સુઝુકીએ જણાવ્યું કે, વડાપ્રધાન મોદી જે સુધારા કરી રહ્યા છે તે ભારતને મોડર્ન લેન્ડસ્કેપમાં બદલી રહ્યા છે. તેમણે જણાવ્યું કે, જાપાનીઝ કંપનીઓ વડાપ્રધાન મોદીની આત્મનિર્ભરતાની મુહિમને સપોર્ટ કરી રહી છે. વડાપ્રધાન મોદીએ તોશિહિરો સુઝુકી ઉપરાંત સુઝુકી મોટર કોર્પોરેશનના સીનિયર એડવાઈઝર ઓસામુ સુઝુકી, સોફ્ટબેંક ગ્રુપ કોર્પોરેશનના બોર્ડ ડાયરેક્ટર માસાયોશી સોન અને યૂનિક્લોના પ્રેસિડેન્ટ અને સીઈઓ તાદાશિ યાનાઈની પણ મુલાકાત લીધી હતી. સોફ્ટબેંક ગ્રુપ કોર્પોરેશનના બોર્ડ ડાયરેક્ટર માસાયોશી સોને પણ વડાપ્રધાન મોદી અને ભારતની ખૂબ જ પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું કે, ભારત ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યું છે. ભારતમાં દરરોજ નવા સ્ટાર્ટઅપ બની રહ્યા છે અને નવા યુનિકોર્ન તૈયાર થઈ રહ્યા છે. મને લાગે છે કે, ભારતનું ભવિષ્ય ઉજ્જવળ છે. વડાપ્રધાન મોદી ભારતની સફળતા માટે પ્રતિબદ્ધ છે. તેઓ સ્ટાર્ટઅપ્સ અને યુનિકોર્નને સપોર્ટ કરી રહ્યા છે. આ સાથે જ તેઓ ભારતને વિશ્વભરમાં ટેક સેન્ટર બનાવી રહ્યા છે. ઓસામુ સુઝુકી સાથેની મુલાકાત દરમિયાન વડાપ્રધાન મોદીએ તેમના ભારત સાથેના જોડાણ અને તેમના યોગદાનોને યાદ કર્યા હતા. તેમણે ભારતમાં ઓટો ઈન્ડસ્ટ્રીને બદલવાની ભૂમિકા ભજવનારા તરીકે સુઝુકી મોટર્સની પણ પ્રશંસા કરી હતી. વડાપ્રધાન મોદીએ ઓટોમોબાઈલ અને ઓટો કોમ્પોનેન્ટ સેક્ટરમાં ઉત્પાદન સાથે સંકળાયેલી પ્રોત્સાહન યોજના અંતર્ગત સુઝુકી મોટર ગુજરાત પ્રાઈવેટ લિમિટેડ અને મારૂતિ સુઝુકી ઈન્ડિયા લિમિટેડની અરજીની પસંદગી મામલે પણ આનંદ વ્યક્ત કર્યો હતો. વડાપ્રધાન મોદી અને ઓસામુ સુઝુકીએ ભારતમાં રોકાણ કરવાની તકો અંગે પણ ચર્ચા કરી હતી. આ દરમિયાન સસ્ટેનેબલ ગ્રોથનો લક્ષ્ય હાંસલ કરવા માટે ભારતમાં ઈલેક્ટ્રિક વ્હીકલ અને બેટરીનો પ્રોડક્શન પ્લાન્ટ લગાવવા અને રિસાઈક્લિંગ સેન્ટર શરૂ કરવા મુદ્દે ખાસ ભાર આપવામાં આવ્યો હતો. તેમણે જાપાન-ઈન્ડિયા ઈન્સ્ટિટ્યુટ્‌સ ઓફ મેન્યુફેક્ચરિંગ અને જાપાનીઝ એન્ડોડ કોર્સીઝ દ્વારા સ્કિલ ડેવલપમેન્ટ સહિત ભારતમાં સ્થાનિક ઈનોવેશન સિસ્ટમ તૈયાર કરવાની રણનીતિઓ અંગે ચર્ચા કરી હતી. યુનિક્લોના ચેરમેન, પ્રેસિડેન્ટ અને સીઈઓ તાદાશિ યાનાઈએ વડાપ્રધાન મોદી સાથેની મુલાકાત બાદ ભારતની પ્રશંસા કરી હતી. વડાપ્રધાન કાર્યાલયે આ મુલાકાત અંગે જણાવ્યું કે, ’તાદાશિ યાનાઈએ ભારતીયોમાં રહેલી ઉદ્યમ શરૂ કરવા માટેની ભૂખની પ્રશંસા કરી હતી. વડાપ્રધાન મોદીએ તેમને પીએમ-મિત્ર યોજનામાં સહભાગી બનવા માટે કહ્યું જે ટેક્સટાઈલ સેક્ટરને મજબૂતી પ્રદાન કરવા માટે શરૂ કરવામાં આવી છે.’
મોદીનું ભારતીય સમુદાયના લોકોએ ભવ્ય સ્વાગત કર્યું
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોમવારે જાપાનની રાજધાની ટોક્યો પહોંચ્યા છે. જ્યાં મંગળવારે ક્વાડ શિખર સંમેલનમાં સામેલ થશે. જાપાન પહોંચ્યા પછી પીએમ મોદીએ ટિ્‌વટ કર્યું કે ટોક્યોમાં ઉતરી ચૂક્યો છું. આ યાત્રા દરમિયાન ક્વાડ શિખર સંમેલન સહિત વિભિન્ન કાર્યક્રમોમાં ભાગ લઇશ. આ સિવાય ક્વાડ નેતાઓ સાથે મુલાકાત થશે. ક્વાડ શિખર સંમેલનમાં અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેન, ઓસ્ટ્રેલિયાના નવા ચૂંટાયેલા પ્રધાનમંત્રી એન્થની અલ્બનીજ અને જાપાનના પ્રધાનમંત્રી ફુમિયો ફિશિદા પણ સામેલ થશે. ટોક્યો પહોંચવા પર ભારતીય સમુદાયના લોકોએ પીએમ મોદીનું ગર્મજોશીથી સ્વાગત કર્યું હતું. જાપાનમાં રહેતા ભારતીય લોકોએ પીએમ મોદીને જોઈને જય શ્રી રામ ના નારા લગાવ્યા હતા અને તેમને ‘ભારત માં કા શેર’ બતાવીને સંબોધિત કર્યા હતા. પ્રધાનમંત્રી ટોક્યો પહોંચ્યા તેનો વીડિયો જાહેર કર્યો છે. જેમાં જોવા મળી રહ્યું છે કે કેટલાક લોકો પોસ્ટર્સ લઇને ઉભા છે જેમાં લખ્યું છે કે ‘જો ૩૭૦ કો મિટાએ વો ટોક્યો આયે હૈ’. પીએમ મોદીએ ભારતીય પ્રવાસીઓ અને સ્થાનિક લોકો સાથે વાત કરી હતી. એક બાળક સાથે તેમણે વાત કરી હતી અને પૂછ્યું કે વાહ હિન્દી ક્યાંથી શીખી? તમે ઘણી સારી હિન્દી બોલો છો? જાપાની ઉદ્યોગપતિઓ સાથે પ્રધાનમંત્રીની વ્યસ્તતાઓ પર એક સંક્ષિપ્ત જાણકારી આપતા જાપાનમાં ભારતના રાજદૂત સંજય કુમાર વર્માએ કહ્યું કે ટોક્યો નવી દિલ્હીમાં અવસરો વિશે ઉત્સાહિત છે. પીએમ મોદી અને જાપાની સમકક્ષ ફુમિયો ફિશિદા ભારતમાં સાર્વજનિક, ખાનગી અને વિત્ત પોષણના માધ્યમથી પાંચ ટ્રિલયન જાપાની યેન નિવેશની મહત્વકાંક્ષા છે. આ પહેલા માર્ચ ૨૦૨૨માં જાપાનના પ્રધાનમંત્રી ફુમિયો ફિશિદા ૧૪માં ભારત-જાપાન વાર્ષિક શિખર સંમેલનમાં ભાગ લેવા માટે ભારત આવ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેન અને ક્વાડના અન્ય નેતાઓ ૨૪ મે ના રોજ ટોક્યોમાં થનાર શિખર સંમેલનમાં હિંદ-પ્રશાંત ક્ષેત્રના પડકારો અને તકોની સાથે-સાથે અન્ય વૈશ્વિક મુદ્દા પર વિચાર-વિમર્શ કરવાની આશા છે. શિખર સંમેલનમાં સામેલ થવા માટે પીએમ મોદી જાપાનના પ્રવાસે છે. વિદેશ સચિવ વિનય મોહન કાત્રાએ કહ્યું કે આગામી શિખર સંમેલન નેતાઓના ક્વાડ સ્ટ્રક્ચર અંતર્ગત અત્યાર સુધી થયેલી પ્રગતિનું નિરીક્ષણ કરવા અને ભવિષ્ય માટે માર્ગદર્શન કરવાની તક પ્રદાન કરશે. ક્વાડ સહયોગ ભેગા મૂલ્યો અને લોકતંત્રના સિદ્ધાંતો, આંતરરાષ્ટ્રીય કાનૂન, નિયમ આધારિત આંતરરાષ્ટ્રીય વ્યવસ્થા સાથે-સાથે સ્વતંત્ર, ખુલ્લા અને સમાવેશી હિંદ-પ્રશાંતના દ્રષ્ટિકોણને આગળ વધારે છે.

Previous articleઆરબીઆઈએ જૂનમાં વ્યાજદર વધારો કરવાના સંકેત આપ્યા
Next articleઉંચડી નજીક છકડો અને બાઈકનો અકસ્માત થતા બેના મોત : ઇજાગ્રસ્ત પૈકી ત્રણ ગંભીર