એલિયાન્ઝ ઈન્સ્યોરન્સને ૬ અબજ ડોલરનો સૌથી મોટો દંડ

31

એલિયાન્ઝને તેના યુએસ એસેટ મેનેજમેન્ટ યુનિટમાં કોરોનાની શરૂઆતમાં બહાર આવેલી છેતરપિંડીના કેસને કારણે રૂ. ૪૬,૦૦૦ કરોડથી વધુનો દંડ ફટકારાયો
નવી દિલ્હી,તા.૨૫
ગ્રાહકોને ગેરમાર્ગે દોરી ખોટા રોકાણ કરાવવાના એક કેસમાં વિશ્વની ટોચની ઈન્સ્યોરન્સ કંપની પર ૬ અબજ ડોલર એટલે કે રૂ. ૪૬,૦૦૦ કરોડનો દંડ ફટકારવામાં આવ્યો છે, જે અત્યાર સુધીના ઇતિહાસમાં કોઇ પણ વીમા કંપનીને થયેલો સૌથી મોટો દંડ છે. યુરોપીયન વીમા અને નાણાકીય સેવા પ્રદાતા એલિયાન્ઝને તેના યુએસ એસેટ મેનેજમેન્ટ યુનિટ (એજીઆઈ યુએસ)માં કોરોના મહામારીની શરૂઆતમાં બહાર આવેલી છેતરપિંડીના કેસને કારણે ૬ અબજ ડોલરથી વધુનો દંડ ફટકારવામાં આવ્યો છે. આવકની દ્રષ્ટિએ એલિયાન્ઝ વિશ્વની ચોથા ક્રમની સૌથી મોટી અને નેટ પ્રીમિયમની દ્રષ્ટિએ સાતમી અને કુલ એસેટ્‌સની દ્રષ્ટિએ દુનિયાની સૌથી મોટી કંપની છે. આ એલિયાન્ઝ કંપની ભારતમાં બજાજ કંપની સાથે જોડાણ ધરાવે છે. યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ એન્ડ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશન (એસઈસી) સાથેની એલિયાન્ઝ પતાવટને કોર્પોરેટ ઈતિહાસની સૌથી મોટી ડીલ ગણવામાં આવે છે. એલિયાન્ઝ અને તેના ત્રણ ભૂતપૂર્વ સિનિયર પોર્ટફોલિયો મેનેજર સામે આરોપો ઘડનાર એસઈસીએ જણાવ્યું કે એલિયાન્ઝ એક વ્યાપક સ્તરની છેતરપિંડી યોજના સાથે સંકળાયેલ હતા. તેણે સ્ટ્રક્ચર્ડ આલ્ફા તરીકે ઓળખાતી જટિલ ઓપ્શન્સ ટ્રેડિંગ સ્ટ્રેટજીના ગંભીર મસમોટા નુકસાનના જોખમને છુપાવ્યું હતું. માર્ચ, ૨૦૨૦ના કોરોના મહામારી સમયના માર્કેટ ક્રેશમાં આ છેતરપિંડીનો પર્દાફાશ થયો હતો. આ માર્કેટ કડાકામાં એલિયાન્ઝે આ સ્ટ્રેટજીમાં અબજો ડોલર ગુમાવ્યા હતા. સ્ટ્રક્ચર્ડ આલ્ફા રોકાણોની જોખમી પ્રકૃતિને ઓછી કરવા માટે ઈન્વેસ્ટર ડોક્યુમેન્ટો ફરીથી લખવામાં આવ્યા હતા. મેનહટ્ટનની ફેડરલ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં દાખલ કરાયેલી એસઈસીની ફરિયાદમાં આરોપ છે કે સ્ટ્રક્ચર્ડ આલ્ફાના મુખ્ય પોર્ટફોલિયો મેનેજર ગ્રેગોઇર ટુર્નાન્ટે સ્ટ્રક્ચર્ડ આલ્ફામાં અંદાજે ૧૧ અબજ ડોલરનું રોકાણ કરનારા ઈન્વેસ્ટરોને ગેરમાર્ગે દોરવા માટે મલ્ટીયર સ્કીમ ઘડી હતી અને પ્રતિવાદીઓને ૫૫ કરોડ ડોલરથી વધુની ચૂકવણી કરી હતી. કાર્યવાહી બાદ એલિયાન્ઝ યુએસ એસેટ મેનેજમેન્ટ યુનિટે એસઈસી સાથે કેસની પતાવટ કરવા ૧ અબજ ડોલર આસપાસની રકમ ચૂકવવાની અને તેની પેરન્ટ કંપની એલિયાન્ઝ સાથે મળીને આ છેતરપિંડીનો ભોગ બનનારને ૫ અબજ ડોલરની માતબર રકમ ચૂકવવા સંમત થયા હતા. એલિયાન્ઝના આ કૌભાંડનો ભોગ બનનારા કુલ ૧૧૪ સંસ્થાકીય રોકાણકારોમાં શિક્ષકો, પાદરીઓ, બસ ડ્રાઇવરો અને એન્જિનિયરો માટેના પેન્શન ફંડોનો સમાવેશ થાય છે.
રસપ્રદ વાત એ છે કે એલિયાન્ઝે ૨૦૨૨ના પ્રથમ ત્રિમાસિકગાળામાં કુલ ૩.૨ અબજ યુરોનો ઓપરેટિંગ નફો કર્યો હતો.

Previous articleયુએસની સ્કૂલમાં ફાયરિંગમાં ૧૮ છાત્રોે સહિત ૨૧નાં મોત
Next articleયાસીન મલિકને ટેરર ફંડિગ કેસમાં આજીવન કેદની સજા