પ્રજ્ઞાચક્ષુઓની સંગીત કલાનાં સર્વાંગી વિકાસ અર્થે યોજાયેલ દ્વિ-દિવસીય સુગમ સંગીત શિબિર સંપન્ન

37

રાજ્યનાં જાણીતા તજજ્ઞ સૌમિલ મુનશી, શ્યામલ મુનશી અને આરતી મુનશીએ સંગીતનાં વિવિધ મુદ્દાઓ જેવા કે સંગીતના પ્રકાર, સુગમસંગીતનો ઉદ્ભવ- સ્થાન, લાક્ષણિકતા, શાસ્ત્રીય, સુગમ અને લોકસંગીતનાં તફાવત પર દ્વિ-દિવસીય શિબિરમાં ૩૫ થી વધુ પ્રજ્ઞાચક્ષુઓને સમજુતી આપી સંગીતનાં અવનવા પ્રયોગો દ્વારા સૌ કોઈને મંત્રમુગ્ધ કર્યા હતા. ગીત, ગઝલ અને ફિલ્મી સંગીતનાં ઉદાહરણો સાથે સંગીતનાં વિવિધ રસ અને રાગ-રાગીણીમાં યોજાયેલ આ કાર્ય શિબિર અનોખી શિબિર બની ગઈ હતી. સમસારા શિપિંગ પ્રા.લી મુંબઈનાં આર્થીક સહયોગથી યોજાયેલ સુગમ સંગીત શિબિરમાં ભાગ લેનાર શિબિરાર્થીઓને સંબોધતા સંસ્થાના જનરલ સેક્રેટરી શ્રી લાભુભાઈ સોનાણીએ જણાવ્યું હતું કે જુદાજુદા વિષય પર સ્કીલ ડેવલપમેન્ટ સેન્ટર અંતર્ગત વર્ષ દરમિયાન આ પ્રકારનાં ૩૦ થી વધુ વર્કશોપનું આયોજન કરવામાં આવશે. શિક્ષણ, સ્પર્ધાત્મક પરીક્ષોઓ, સંગીત અને ધંધા-રોજગાર માટે યોજાનાર વર્કશોપમાં રાજ્યનાં નેત્રહીન વ્યક્તિઓને વિનામૂલ્યે તાલીમ આપવામાં આવશે. એટલુજ નહીં તેમને પગભર બનાવવા માર્ગદર્શન અને જરૂરી સહાય કરવામાં આવશે. શિબિરનું ઉદ્‌ઘાટન ગુજરાતી ભાષાનાં કવિ અને જાણીતા સાહિત્ય વિવેચક વિનોદ જોશીએ દિપ પ્રગટાવી કર્યું હતું. સુગમ સંગીત શિબિરને સફળ બનાવવા સંસ્થાનાં કર્મવીરો અને કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી.