અમેરિકાની ઘટનામાં મૃતકોને ૨૧ હજાર ડોલરની સહાય મોકલતા પૂ.મોરારીબાપુ

39

ગત બે દિવસ પહેલા ટેક્સાસ રાજ્યની શાળામાં ગોળીબારની ઘટના બની જેમાં અમેરિકામાં ફરી વખત ગન કલ્ચરનું ઘાતક પરિણામ જોવા મળ્યું છે. ટેક્સાસની એલિમેન્ટરી સ્કૂલમાં ૧૮ વર્ષિય યુવકે નિર્દયતાપૂર્વક ગોળીબાર કરીને ૧૯ બાળક અને ૨ શિક્ષકોની હત્યા કરી હતી. આ બનાવમાં પૂ. બાપુએ સંવેદના દર્શાવી પ્રત્યેક મૃતકના પરિવારને ભારતીય ચલણ મુજબ રૂ.૭૬ હજાર સહાય મોકલી છે. છેલ્લા કેટલાય વર્ષોથી બાપુ શસ્ત્ર વિહીન સમાજ નો વિચાર આપણી સમક્ષ મૂકતા આવ્યા છે. ફરી એક વખત વિશ્વમાં ગન કલ્ચર બેકાબૂ બનતા આટલી કરૂણ ઘટના બનવા પામી છે. એ સંજોગોમાં બાપુ દ્વારા શસ્ત્ર વિહીન સમાજનો વિચાર મૂકવામાં આવે છે જે વધુને વધુ પ્રસ્તુત થતો દેખાય છે. અમેરિકાની આ ઘટનામાં માર્યા ગયેલા બાળકો અને શિક્ષકો પ્રત્યે અત્યંત ઊંડી સંવેદના બાપુએ નેપાળનાં જનકપુર ખાતે ચાલી રહેલી રામકથા દરમિયાન વ્યક્ત કરી છે. કથા દરમ્યાન બાપુએ અપીલ કરી જેના પ્રતિસાદરૂપે રામકથાના અમેરિકા સ્થિત શ્રોતાઓ દ્વારા પ્રત્યેક મૃતકના પરિવારજનોને ૧૦૦૦ ડોલરની સહાય પણ પહોંચાડવામાં આવી છે. આમ કુલ ૨૧ હજાર ડોલરની સહાય મોકલાઈ છે. ફરી એક વખત બાપુએ તમામ મૃતકો પ્રત્યે તેમની સંવેદનાઓ વ્યક્ત કરી તેના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે.ઉલ્લેખનીય છે કે, દેશમાં કોઈ પણ મોટી દુર્ઘટના કે બનાવોમાં પૂ. બાપુ દ્વારા સંવેદના રૂપે તત્કાલ રૂ. ૫ હજારની રકમ હનુમાનજીની પ્રસાદી રૂપે પહોંચાડવામાં આવે છે. ત્યારે આ પરંપરા આજે દેશ ઉપરાંત વિદેશમાં પણ આગળ વધારી પૂ. બાપુએ સદભાવના પ્રગટાવી હતી. ૨૧ હજાર ડોલરની સહાયથી અમેરિકામાં હતભાગીઓના પ્રત્યેક પરિવારને ભારતીય ચલણ પ્રમાણે રૂ.૭૬ હજારની આર્થિક મદદ મોકલાઈ છે.

Previous articleમ્યુ.કારોબારી બેઠકમાં ૨૫ ઠરાવો રજુ
Next articleવીજ કાપના કારણે સવા લાખ લોકોનું પાણી વિતરણ ખોરંભે