કરણની પાર્ટીમાં તૂટ્યા રાની અને ઐશ્વર્યાનાં અબોલા!

27

મુંબઈ,તા.૨૮
૨૫ મેએ કરણ જોહરનો ૫૦મો જન્મદિવસ હતો. આ પ્રસંગે કરણ જોહરે ગ્રાન્ડ બર્થ ડે પાર્ટીનું આયોજન કર્યું હતું. જેમાં બોલિવુડના સિતારાઓ ઉમટી પડ્યા હતા. કરણ જોહરની બર્થ ડે પાર્ટીના કેટલાય વિડીયો અને તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. કરણની પાર્ટી ધમાકેદાર રહી સાથે જ કેટલીય યાદગાર ક્ષણની સાક્ષી બની હતી. કરણની પાર્ટીમાં બોલિવુડના સ્ટાર્સથી માંડીને સાઉથના કલાકારો અને સ્ટારકિડ્‌સ સામેલ થયા હતા. આ પાર્ટીમાં કેટલાક એક્સ-લવર્સ પણ અથડાઈ ગયા હતા તો કેટલાક કલાકારોએ જૂની કડવાશ ભૂલાવીને નવી શરૂઆત કરી હતી. કરણ જોહરની બર્થ ડે પાર્ટીની અંદરની તસવીરો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે. જેમાં ૯૦ના દશકાની પોપ્યુલર અભિનેત્રીઓ રાની મુખર્જી, પ્રીતિ ઝિંટા, ઐશ્વર્યા રાય જોવા મળે છે. પ્રીતિ ઝિંટાએ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર પાર્ટીની કેટલીક તસવીરો શેર કરી છે. જેમાં એક સેલ્ફીમાં કરીના કપૂર ખાન, પ્રીતિ ઝિંટા, ઐશ્વર્યા રાય બચ્ચન અને રાની મુખર્જી જોવા મળે છે. આ ફોટો બહુવિધ કારણોસર ખાસ છે. એક તો ચારેય અભિનેત્રીઓ ખૂબ ખુશ અને ગ્લેમરસ અવતારમાં દેખાઈ રહી છે. એક જ ફ્રેમમાં રાની અને ઐશ્વર્યા લગભગ ૧૯ વર્ષ બાદ જોવા મળ્યા છે. ૧૯ વર્ષ પહેલા એટલે કે ૨૦૦૩માં ફિલ્મ ’ચલતે ચલતે’ના સેટ પર જે થયું તેની અસર રાની અને ઐશ્વર્યાની મિત્રતા પર પડી હતી. ’ચલતે ચલતે’ના સેટ પર સલમાન ખાને હોબાળો મચાવ્યો હતો જેના કારણે ફિલ્મમાંથી ઐશ્વર્યાને કાઢી મૂકવામાં આવી હતી. અને રાની મુખર્જીને લેવાઈ હતી. રિપોર્ટ્‌સ પ્રમાણે, ઐશ્વર્યાને આ વાતથી ખૂબ દુઃખ થયું હતું કે તેના બદલે રાનીને ફિલ્મમાં કાસ્ટ કરાઈ છે. પહેલા તો ખટાશ માત્ર ઐશ્વર્યા તરફથી હતી. પરંતુ જ્યારે અભિષેકના લગ્ન ઐશ્વર્યા સાથે થયા ત્યારે બંને એક્ટ્રેસ વચ્ચે કડવાશ આવી ગઈ અને તેમની દોસ્તી તૂટી ગઈ. હકીકતે, રાની અભિષેકને ખૂબ પસંદ કરતી હતી અને તેમના અફેરની ચર્ચાઓ પણ થઈ હતી. જયા બચ્ચન પણ રાની મુખર્જીને પોતાના ઘરની પુત્રવધૂ બનાવા માગતા હતા. પરંતુ ફિલ્મ ’બ્લેક’માં રાની મુખર્જી અને અમિતાભ બચ્ચને વચ્ચે થયેલા કિસિંગ સીન બાદ જયા બચ્ચન રાની પર ભડક્યાં હતાં. ત્યારથી એ બંને વચ્ચેના સંબંધમાં પણ ખટાશ આવી હતી. બાદમાં અભિષેક બચ્ચન અને ઐશ્વર્યાએ રાનીને પોતાના લગ્નમાં ના બોલાવ્યા તેનું તેને દુઃખ થયું હતું. આ વાત તેણે એક ઈન્ટરવ્યૂમાં પણ કહી હતી. જોકે, હવે કરણ જોહરની પાર્ટીમાં ઐશ્વર્યા અને રાની મુખર્જી જૂના મતભેદો ભૂલાવીને સાથે પોઝ આપતી જોવા મળી હતી. તસવીર પરથી તો એવું જ લાગે છે કે બંને વચ્ચે હવે સંબંધો સુધરી ગયા છે.