આત્મનિર્ભર ગુજરાતના નિર્માણમાં ભાવનગરની પાલીતાણાની આદપુરની મહિલાઓનું આગવું પ્રદાન

49

પોતાના હુન્નર અને કલા કૌશલ્યથી વર્ષઃ ૨૨ લાખનું ટર્નઓવર કરે છે : ૧૦૦ મહિલાઓને ઘરઆંગણે જ રોજગારી ઉભી કરી : ગુજરાતની પારંપારિક કલા એવી ભરત કામ અને પેઈન્ટીંગ કલાને ઉજાગર કરતું મહિલાને આત્મનિર્ભર બનાવતું કાર્ય : વડાપ્રધાનના પ્લાસ્ટિક મુક્ત અભિયાનને ટેકો આપતાં પેઇંટિંગ વાળી થેલીઓ અને બટવાઓનું નિર્માણ કાર્ય
ભારતની મોટી વસતિને ધ્યાનમાં રાખીને સરકાર માટે જે મોટા પ્રશ્નો ઉભા થાય છે. તેમાં રોજગાર એક મહત્વનો મુદ્દો છે. ભારતના વૈવિધ્યને ધ્યાનમાં લઇને દરેકને ઘરઆંગણે રોજગારીના અવસર મળે તે જરૂરી છે. આ જરૂરીયાતને પારખીને ભારતના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સ્વદેશી વસ્તુઓ અપનાવવાં અને ભારતમાં વસ્તુઓ નિર્મિત કરીને ભારતને આત્મનિર્ભર બનાવવાં માટે હાકલ કરી છે. ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ પણ આત્મનિર્ભર ભારત દ્વારા આત્મનિર્ભર ગુજરાતની નેમ દોહરાવતાં રહ્યાં છે. તેને ભાવનગરની પાલીતાણાની મહિલાઓ વાસ્તવમાં ચરિતાર્થ કરી રહી છે.

પાલીતાણાની આદપુરની મહિલાઓ પોતાના હુન્નર અને કલા કૌશલ્યની આવડતના જોરે આજે આત્મનિર્ભર બની છે અને વર્ષ રૂા. ૨૨ લાખનું ટર્નઓવર કરે છે. ભાવનગર જિલ્લાના આદપુર ગામે શેત્રુંજય યુવક મંડળ કાર્યરત છે. જે ગામની મહિલાઓને આગળ વધવાં માટે પ્રેરિત કરે છે. આદપુર ગામની મહિલાઓમાં કપડાં પર કલરથી ડિઝાઇન કરવાની કુશળતાને પારખીને કોરોના કાળમાં પ્રાયોગિક ધોરણે આ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. પરંતુ આજે નાના પાયે શરૂ થયેલું આ કાર્ય વિશાળ કાર્ય બની ગયું છે. આ અંગે ગામની મહિલાઓ જણાવે છે કે, કોરોના કાળમાં કંઇ કામ હતું નહીં. આદપુર ગામમાં ખેતી કામએ એક જ વ્યવસાય હતો કે જેના દ્વારા રોજગારી મળતી હતી. પરંતુ શેત્રુંજય યુવક મંડળ દ્વારા અમને આ અંગે જાણકારી આપવામાં આવી અને તે અંગેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આજે કપડાની થેલી, બટવાં પર કલરકામ કરીને ગામની ૧૦૦ મહિલાઓ દરરોજ ૪૦૦ થી ૫૦૦ રૂપિયા ઘર બેઠાં કમાય છે. આ મહિલાઓમાં નાની દિકરીઓથી માંડીને મોટી ઉંમરની મહિલાઓ પણ હોશેંહોશે કાર્ય કરીને પોતાની કલાને આ કાપડ પર ઉતારી રહી છે. આ સાથે કાપડની કલાને કારણે પ્લાસ્ટિકનો વપરાશ ઘટશે. જેથી દેશને પ્લાસ્ટિક મુક્ત બનાવવાના અભિયાનને પણ વેગ મળશે. શેત્રુંજી યુવક મંડળ દ્વારા આદપુરમાં આ સફળતા જોઇને હવે પાલીતાણાના અન્ય ગામોમાં તેનું ફલક વિસ્તારવાં માંગે છે.
આદપુર ગામે ૧૦૦ મહિલાને રોજગાર આપી આત્મનિર્ભર બનાવ્યાં બાદ આ યુવક મંડળ પોતાની તમામ બનાવટના વેચાણથી ઉભો થતો નફો પણ આ મહિલાના કલ્યાણ માટે વાપરશે. જેનાથી ગામડા ગામની આ મહિલાઓનું જીવન ધોરણ ઉંચું આવશે. આદપુર ગામમાં આ કાર્યને આગળ વધારવાં માટે મિલોનીબહેન સહિત શેત્રુંજી યુવક મંડળની બહેનો પોતાની સેવા આપી રહી છે. આ કાર્યને વધુ વેગ આપવાં હર્ષભાઈ શાહ, મુંબઇ દ્વારા જરૂરી નાણાકીય વ્યવસ્થા કરવામાં સહભાગી બન્યાં છે. પાલીતાણાની મહિલાઓ દ્વારા નિર્મિત આ એન્ટિક વસ્તુઓ ઓનલાઇન મોટા પ્રમાણમાં વેચાય છે. તેથી દિનબદીન આ કાર્ય વધતું જઇ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, આદિનાથ દાદાના પવિત્ર યાત્રા ધામમાં આ યુવક મંડળ યુવા વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપવાં, વસ્ત્રદાન આપવાં, આંગણવાડીના કૂપોષિત બાળકોને સુપોષિત કરવા સહિતની પ્રવૃત્તિઓ કરીને સેવાની સુવાસ ફેલાવતું રહ્યું છે. આમ, આત્મનિર્ભર ભારતથી આત્મનિર્ભર ગુજરાતના નિર્માણ માટે પોતાની કલા દ્વારા ગુજરાતની પોતીકી કલાને જીવંત રાખવાં સાથે પોતે આર્થિક રીતે આત્મનિર્ભર બનવાં સાથે રાજ્યના વિકાસમાં એક રીતે તેનું યોગદાન આપી રહી છે.

Previous articleભાવનગરમાં શહેરમાં સતત બીજા દિવસે એક કોરોનાનો નવા કેસ નોંધાયો
Next articleજળ જીવન મીશન યોજના થકી ભાવનગરના ઘોઘા તાલુકાના વાવડી ગામના પગ પખાળતું નર્મદાનું નીર