થોરામાં ધન્નું ઘન્નું સમજજો સાહેબ!!!! (બખડ જંતર)

16

પ્રશ્ર પૂછવો એ મૂળભૂત મનોવૃત્તિ છે. પ્રશ્ર કરવાથી શોધખોળ થાય છે. સફરજન રોજ ઝાડ પરથી ખરતા હતા. બીજા કોઇને સવાલ ન થયો. તેઓએ ઘટનાને સહજતાથી સ્વીકારી લીધી. પરંતુ, આઇઝેક ન્યુટનને સવાલ થયો કે સફરજન ઉપર કેમ ન ગયું અને નીચે પડ્યું? એમાંથી ગુરુત્વાકર્ષણનો નિયમ મળ્યો. પેનેસિલિનની શોધ પણ આવી રીતે થઇ હતી.
હવે સવાલ એ થાય કે પ્રશ્ર ક્યારે કરવો ? આમાં બધા ગોથું ખાઇ જાય છે! ગોરધન ઘરે મોડો આવે એટલે વીરાંગના સવાલબાઇ એકે-૪૭ ની ઝડપે સવાલોની બૌછાર કરી દે! અલી બાઇ આટલી અથરાઈ સારી નહીં. થાક્યો પાક્યો આવ્યો છે. જરા શ્વાસ લેવા દે. પછી પોપટની પેઠે બધુ ભસી નાંખશે!!!
આપણે ત્યાં ઋષિમુનિઓએ વેદ, ઉપનિષદ વગેરે ગ્રંથોની રચના કરી છે. પ્રશ્રોપનિષદ તે પૈકીનો એક ગ્રંથ છે. તેમાં પ્રશ્રો કરવા કે ન કરવા તે અંગે કોઇ ચેપ્ટર છે કે કેમ તે રામ જાણે!!
આપણે ત્યાં પૂછતાં પંડિત થવાય તેવી માન્યતા છે. પણ અમદાવાદમાં કોઇને કોઇના સરનામા વિશે પૂછો તો છાપેલો સ્ટાન્ડર્ડ જવાબ મળે કે આગળ પૂછો! આગળ જાવને પૂછી લો!!
બાળકો માસૂમ હોય છે. કોઇના બાળક હોય તો પ્રભુને પ્યારા હોય છે.( આપણા તો આપણી જેમ શૈતાન સ્વરૂપ હોયને, ખરૂં કે નહીં??બાળકોના સવાલો સરળ નથી હોતા. તમને માથું ખંજવાળવું પડે કે નખ કચડવા પડે તેવા અઘરા હોય છે. વામન બાળકોના પ્રશ્રો વિરાટ હોય છે!!
નેતા લોગ રોડ શો કરવા, ખાતમૂહુર્ત કરવા, લોકાર્પણ કરવા,ડોક ત્રાંસી કરી હાથ લાંબા ટુંકા કરી ભાષણ ભરડવા સદૈવ તત્પર હોય છે.રાય બહાદુર જેવા નેતાજી પત્રકાર પરિષદ કે ઇન્ટરવ્યુ જેવા નિર્દોષ ,પ્રાકૃતિક પ્રશ્રોથી દૂર ભાગતા હોય છે. અલબત, મેચ ફિકસિંગ જેવા ઇન્ટરવ્યુ એન્જોય કરતા હોય છે. ચાંપલું એન્કરિંગ કરતા બાળાઓ તમે કયું એનર્જી ડ્રીંક પીવો છો કે કેરી કાપીને કે ઘોળીને ખાવ છો એવા જાસૂસ કરમચંદની બાધા જેવી સેક્રેટરી કીટી જેવા સિલ્કી સિલિ સવાલો પૂછીને ટીઆરપી વધારે છે. કેમ કે, નેશન વોન્ટસ ટુ નો!!
લોકસભા, વિધાનસભામાં પ્રશ્રકાળ હોય છે, જે એક કલાકનો હોય છે. જેમાં ભરપૂર આક્ષેપો, ધમાચકડી, ઉતેજના અને નાટકીયતા હોય છે. વિધાનસભાના ફલોર પર ગાળાગાળી કરતાં માનનીય સભ્યશ્રીઓ વિરામમાં પાપડીની એક ડીશમાં પાપડી, ફૂલવાડી કે ચોળાફળી ઝાપટતાં હોય છે. પગારવધારાની દરખાસ્ત પ્રશ્ર કે નાનકડું પ્રશ્રનુડું વિના સર્વાનુમતે મંજૂર થતી હોય છે!!
કેટલાક લોકો પત્રકાર કે ઘરવાળી ન હોવા છતાં ગમે ત્યાં ગમે તેને ન ગમે તેવા પ્રશ્રનો પૂછતાં હોય છે. હીરોઇનને મોંઢામોંઢ ઉંમર પૂછી લે. સાલું તેને હીરોઇન જોડે ઘરડવું હોય કે લીવ ઇન કરાર ન કરવાનો હોય!!
મને લાગે છે કે કેવા સવાલો પૂછવા જોઇએ તેની ટીપ આપવી જરૂરી છે.
-જવાબ આપી શકાય તેવા સવાલો પૂછવા .
-અઘરા સવાલ પૂછી સામેનો માણસ છટપટાય તેનો અહિંસક આનંદ લેવો.
-ગુગલી કે બાઉન્સર જેવા સવાલો પૂછવા.
કેરી કાપીને કે ચુસીને ખાવ છો એવા સવાલો પૂછવા.
– સાહેબ જાપાનની મુલાકાતમાં છવાઈ ગયા. અગાઉના સાહેબોને કેમ ભાવ મળતો નથી તેવો સવાલ અવશ્ય પૂછવો.
પેટ્રોલ, ડિઝલ, તેલ, ટમેટા, ડુંગળી, સિલિન્ડરના ભાવવધારા માટે પ્રધાન સેવક કે પ્રધાનોને સવાલો ન કરવા. કેમ કે, આ બધું વૈશ્વિક બીના છે અને ચૂંટણી સિવાય બજારને અધિન હોય છે!!
– ઉપર દર્શાવેલ સવાલ વિપક્ષને પૂછવો. અર્થતંત્રની દુર્દશા માટે, ભાવવધારા માટે રાષ્ટ્રદ્રોહની વિપક્ષ જવાબદાર છે એ છદ્મ સત્ય આત્મસાત કરવું અને કરાવવું.
ભાઉને ગેસના બાટલાના હજાર રૂપિયા કેમ તેવો વાહિયાત સવાલ ન કરવો. એના કરતાં આગામી ચૂંટણીમાં કેટલા નેતાને આપણા વાડામા લાવવા એક નંબરી -બે નંબરી નાણાકીય આયોજન છે તેમ પૂછવું.આવા સવાલને બદલે ભળતાસળતા સવાલો પૂછવા બદલ માઇક છીનવાઇ જાય તો અમારી કોઇ જવાબદારી રહેશે નહીં તેની નોંધ લેવી!!!
થોરામાં ધન્નું ઘન્નું સમજજો સાહેબ!!!!

– ભરત વૈષ્ણવ

Previous articleકેએલ રાહુલને ઈજા થતા ઋષભ પંત ટીમ ઈન્ડિયાનું નેતૃત્વ કરશે
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે