શહેરમાં કોરોના ટેસ્ટિંગ વધારાયા, મેલેરિયાના ટેસ્ટ પણ શરૂ કરાયા

47

રાજયના અનેક શહેરોમાં દિન-પ્રતિદિન કોરોનાના કેસ વધતા જતા ભાવનગર કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા પણ કોરોના સંદર્ભના રેપિડ અને આર ટી પી સી આર ટેસ્ટમાં વધારો કર્યો છે. બે ચાર દિવસ પૂર્વે જે ૫૦થી ૧૦૦ની સંખ્યા માટે જ કરવામાં આવતા હતા તે છેલ્લા બે દિવસથી ૧૪૦ જેટલા ટેસ્ટ કરાય છે. ભાવનગરના આરોગ્ય વિભાગે હેલ્થ સેનેટરોમાં આર.ટી.પી.સી.આર. અને રેપિડ ટેસ્ટમાં વધારો કર્યો છે બુધવારે રેપિડના ૩ અને આર.ટી.પી.સી.આર.ના ૧૩૯ મળી કુલ ૧૪૨ ટેસ્ટ કરાયા હતા જ્યારે ગુરુવારે રેપિડના ૮ અને આર.ટી.પી.સી.આર.ના ૧૨૬ મળી કુલ ૧૩૪ કરાયા હતા. જોકે, લોકોમાં જાગૃતિનો પણ અભાવ જોવા મળે છે. તેમજ બહારગામથી આવતા લોકોનું પણ ટેસ્ટિંગ કરવામાં આવતું નથી. અથવા તો એસ.ટી.સ્ટેશન કે રેલ્વે સ્ટેશન પર પણ મુસાફરોના ટેસ્ટ કરાતા નથી. આગામી ચોમાસાની સિઝનને કારણે અત્યારથી જ મેલેરિયાના ટેસ્ટ પણ શરૂ કરાતા ગુરુવારે મેલેરિયા સંદર્ભના કુલ ૩૧૫ ટેસ્ટ કરાયા હતા. ભાવનગર આરોગ્ય વિભાગ હસ્તકના કુલ ૧૫ હેલ્થ સેન્ટર પર કોરોનાના ટેસ્ટ કરવામાં આવે છે. પરંતુ તે પૈકી બોરતળાવ, કાળીયાબીડ, સિદસર અને રૂવા યુ.સી.એચ.સી. પર છેલ્લા બે દિવસથી એક પણ કોરોનાનો ટેસ્ટ કરાયો નથી. જોકે કોરોના કેસમાં થઈ રહેલા વધારાના પગલે લોકોમાં પણ ધીમે ધીમે જાગૃતિ આવી રહી છે.

Previous articleજિલ્લામાં ભીમ અગિયારસના બહાને જુગાર રમતા ૧૧૯ પત્તેબાજ ઝડપાયા
Next articleભાવનગરમાં શહેર આજે બે કોરોનાનો નવા કેસ નોંધાયો