પ્રવેશોત્સવ પૂર્વે જ સિહોરના કાટોડીયા પ્રા.શાળાને તાળાબંધી !

15

શિક્ષણમંત્રીના જિલ્લામાં એક જ જર્જરીત ઓરડામાં ચાલતી શાળાની મરામત કરાવવા તથા નવી શાળાની સરપંચ દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી થઇ રહેલી માંગણીની અવગણના થતા ગ્રામજનો વિફર્યા : તંત્ર તરફથી ખાતરી મળતા તાળા ખોલાયા
છેલ્લા ત્રણ દિવસથી ભાવનગર શહેર અને જિલ્લામાં સરકાર દ્વારા શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે અને ઠેર-ઠેર મંત્રીઓ તથા અધિકારીઓ દ્વારા બાળકોને શાળા પ્રવેશોત્સવ કરાવાઇ રહ્યો છે અને ઢોલ-નગારા સાથે બાળકોને શાળામાં પ્રવેશ આપી શૈક્ષણિક સાધનોનું વિતરણ પણ કરવામાં આવી રહ્યું છે ત્યારે ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના કાટોડીયા ગામની પ્રાથમિક શાળામાં વિપરીત પરિસ્થિતિ ઉભી થવા પામેલ અને પ્રવેશોત્સવ પૂર્વે જ ગ્રામજનોએ શાળાની મરામતની પડતર માંગણીને લઇ તાળાબંધી કરી દેવાતા ચકચાર મચી જવા પામી હતી. આખરે તંત્રની સમજાવટ અને મરામતની ખાતરી બાદ તાળા ખોલાયા હતા અને પ્રવેશોત્સવ ઉજવાયો હતો. રાજ્યભરની સાથોસાથ ભાવનગર શહેર અને જિલ્લામાં પણ સરકાર દ્વારા ત્રિ-દિવસીય શાળા પ્રવેશોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે જેના આજે અંતિમ દિવસે સિહોર તાલુકાના કાટોડીયા ગામે આવેલી પ્રા.શાળામાં પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજવામાં આવેલ પરંતુ કાટોડીયા ગામે માત્ર એક જ ઓરડામાં કે જે પણ જર્જરીત થઇ ગયો છે અને કોઇપણ સમયે દુર્ઘટના સર્જાય તેવી દહેશત છે તેવી શાળામાં પ્રવેશોત્સવ ઉજવાનાર હોય ગ્રામજનોએ પ્રવેશોત્સવ પૂર્વે જ એકઠા થઇ શાળાને તાળાબંધી કરી દીધી હતી. આ અંગેની જાણ થતા તંત્ર દોડતું થયું હતું. ગામના મહિલા સરપંચ સેજલબા ભવદિપસિંહ ગોહિલ દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી શાળાને મરામત કરવા અને નવી શાળા બનાવવાની તંત્ર સમક્ષ માંગણી કરવામાં આવી રહી છે છતાં તંત્ર દ્વારા તેની અવગણના કરાઇ રહી છે અને બાળકો જર્જરીત શાળામાં અભ્યાસ કરી રહ્યા છે. ચોમાસા દરમિયાન કોઇ દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ ? તેવી પણ ગ્રામજનોમાં માંગ ઉઠેલ. દરમિયાન આજે પ્રવેશોત્સવ ઉજવાય તે પૂર્વે જ શાળાને તાળાબંધી કરી દેવાઇ હતી બાદ ટીપીઓ સહિત શિક્ષણ વિભાગના અધિકારીઓ ગામમાં પહોંચ્યા હતા અને ગ્રામજનોને વહેલીતકે શાળાનું કામકાજ શરૂ કરવા સહિત યોગ્ય કરવાની બાહેધરી આપતા શાળાને તાળા ખોલાયા હતા અને પ્રવેશોત્સવ ઉજવાયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યના શિક્ષણમંત્રી જીતુભાઇ વાઘાણીના જિલ્લાની સરકારી શાળાની જ આવી દશા હોય લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે.

Previous articleપ્રદેશ ભાજપના મીડિયા કન્વીનર ડો. યગ્નેશભાઈ દવેની ઉપસ્થિતિમાં પ્રેસ કોન્ફરન્સનું આયોજન
Next articleશેત્રુંજી ડેમમાં ૨૦૩૦ ક્યુસેક પાણીની આવક, સપાટી ૨૧,૦૩ ફૂટે પહોંચી