શેત્રુંજી ડેમમાં ૨૦૩૦ ક્યુસેક પાણીની આવક, સપાટી ૨૧,૦૩ ફૂટે પહોંચી

27

અમરેલી અને બગસરા પંથકમાં ગઇકાલે રાત્રે પડેલા વરસાદના પગલે મધરાતથી પાણીની શરૂ થઇ આવક : વરસાદના પ્રથમ રાઉન્ડમાં જ નવા નીર આવતા પ્રસરેલી આનંદની લાગણી
ભાવનગરની જીવાદોરી શેત્રુંજી ડેમમાં વરસાદના પ્રથમ રાઉન્ડમાં જ પાણીની આવક શરૂ થતાં આનંદની લાગણી પ્રસરી છે. ગઈકાલે રાત્રે લગભગ બાર વાગ્યાથી શેત્રુંજી ડેમમાં ઉપરવાસમાંથી ૨૦૩૦ ક્યુસેક પાણીની આવક શરૂ થઇ છે અને આજે શનિવારે બપોરે ડેમની સપાટી ૨૧ ફૂટ અને ત્રણ ઇંચ નોંધાઈ છે. ઉલ્લેખનીય છે કે પાલીતાણામાં આવેલ શેત્રુંજી ડેમ સૌરાષ્ટ્રનો સૌથી મોટો ડેમ હોવાનું ગૌરવ ધરાવે છે. શેત્રુંજી ડેમની સપાટી સીઝનના પ્રારંભે ૨૦ ફૂટ અને ૧૧ ઇંચ હતી. ગત તારીખ ૨૩મી જૂનના વહેલી સવારથી શેત્રુંજી ડેમમાં પાણીની આવક શરૂ થઇ હતી. ઉપરવાસમાં તેમજ ડેમના સ્ત્રાવ વિસ્તારમાં સારા વરસાદના પગલે ધીમીધારે આવક શરૂ રહેવા પામેલ. જોકે, પાણીની આવક બંધ થયા બાદ ગત રાત્રે લગભગ ૧૨ વાગ્યાથી પાણીની આવક વધુ એક વખત શરૂ થવા પામી છે. શેત્રુંજી ડેમ પર ફરજ બજાવતા સિંચાઈ અધિકારી આશિષ બાલધિયા પાસેથી ઉપલબ્ધ વિગતો મુજબ ગઈ કાલે અમરેલી અને બગસરા પંથકમાં ભારે વરસાદના પગલે શેત્રુજી નદીમાં પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે અને ડેમમાં ગત રાતથી ૨૦૩૦ પાણીની આવક શરૂ થઈ છે, હાલ ડેમની સપાટી ૨૧ ફૂટ ત્રણ ઇંચ પર પહોંચી હોવાનું તેમણે જણાવ્યું હતું. આમ સીઝનમાં અત્યાર સુધીમાં ૪ ઈંચ પાણીની નવી આવક નોંધાઇ છે.

Previous articleપ્રવેશોત્સવ પૂર્વે જ સિહોરના કાટોડીયા પ્રા.શાળાને તાળાબંધી !
Next articleરથયાત્રા સંદર્ભે મહાપાલિકામાં મેયરના અધ્યક્ષસ્થાને મળી એકતા સમિતિની બેઠક