ઇશાન કિશન શ્રેષ્ઠ ટી ૨૦ રેન્કિંગે પહોંચ્યો, દિનેશ કાર્તિકે ૧૦૮ સ્થાનનો ’જમ્પ’ લગાવ્યો

4

નવીદિલ્હી,તા.૨૫
ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે ખેલાડીઓની ટી ૨૦ રેન્કિંગ જાહેર કરી છે. જેમાં ટીમ ઈન્ડિયાના યુવા ઓપનર ઈશાન કિશને પોતાની કારકિર્દીની સર્વશ્રેષ્ઠ રેન્કિંગ હાંસલ કરી છે. ઈશાન એક ક્રમની છલાંગ લગાવીને છઠ્ઠા નંબર પર પહોંચી ગયો છે.જ્યારે, વિકેટકીપર બેટ્‌સમેન દિનેશ કાર્તિકે ૧૦૮ સ્થાનની લાંબી છલાંગ લગાવી છે. તે હવે ૮૭માં નંબરે પહોંચી ગયો છે. તમને જણાવી દઈએ કે ટી ૨૦ બેટ્‌સમેનોની રેન્કિંગમાં ટોપ-૧૦માં માત્ર એક ભારતીય છે. તે ઈશાન કિશન છે. ટી ૨૦ બેટ્‌સમેનોની રેન્કિંગમાં પાકિસ્તાનનો કેપ્ટન બાબર આઝમ નંબર વન અને પાકિસ્તાનનો મોહમ્મદ રિઝવાન બીજા નંબર પર છે. ભારતીય ઓપનર ઈશાને પાંચ મેચની ટી ૨૦ શ્રેણીમાં ૪૧.૨૦ની શાનદાર સરેરાશથી સૌથી વધુ ૨૦૬ રન બનાવ્યા. આનાથી ઈશાનને ટી૨૦ રેન્કિંગમાં ફાયદો થયો છે. ગત અઠવાડિયે ઇશાને આઇસીસી ટી૨૦ રેન્કિંગમાં ૬૮ સ્થાનની છલાંગ લગાવી હતી. ઈશાને આ જમ્પ સાથે ટોપ-૧૦માં જગ્યા બનાવી લીધી હતી. ઈશાને તાજેતરમાં જ દક્ષિણ આફ્રિકા સામે ઘર આંગણે પાંચ ટી ૨૦ મેચોની શ્રેણી રમી હતી, જેમાં તેણે શાનદાર પ્રદર્શન કર્યું હતું. ઈશાને આ શ્રેણીમાં બે અર્ધસદી ફટકારી હતી. તેણે શ્રેણીની પ્રથમ ટી ૨૦માં ૭૬ રન બનાવ્યા હતા જ્યારે ત્રીજી મેચમાં ૫૪ રન બનાવ્યા હતા. જ્યારે, ટી૨૦ ફોર્મેટના બોલિંગ અને ઓલરાઉન્ડરની રેન્કિંગમાં કોઈ પણ ભારતીય ટોપ-૧૦માં નથી. બોલરોમાં ઓસ્ટ્રેલિયાનો જોશ હેઝલવુડ ટોપ પર છે. જ્યારે ઓલરાઉન્ડરોની રેન્કિંગમાં અફઘાનિસ્તાનનો મોહમ્મદ નબી નંબર-૧ પર યથાવત છે.તમને જણાવી દઈએ કે દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધ ટી૨૦ સીરીઝની શરૂઆત પહેલા ઈશાન કિશન ટી૨૦ રેન્કિંગમાં ૭૫માં નંબર પર હતો. પરંતુ શ્રેણીની પ્રથમ ત્રણ મેચમાં તેણે શાનદાર પ્રદર્શન કર્યું અને ૬૮ સ્થાનની છલાંગ લગાવીને સાતમા નંબરે પહોંચી ગયો.

Previous articleસાઉથ અભિનેત્રી અનુષ્કા શેટ્ટી પાસે છે મોંઘી કારનું કલેક્શન
Next articleઅંતે ઘીના ઠામમાં ઘી પડી ગયું!! (બખડ જંતર)