રાજ્યોને જીએસટીમાં વળતરની મુદત વધારીને માર્ચ-૨૬ કરાઈ

4

આ સેસ સિગારેટ, તંબાકુની બનાવટ, ઠંડા પીણા, વાહનો જેવી ચીજો ઉપર અલગ અલગ દરે લાદવામાં આવે છે
નવી દિલ્હી, તા.૨૫
ગુડ્‌સ એન્ડ સર્વિસ ટેકસ (જીએસટી) માં રાજ્ય સરકારને સંભવિત ટેક્સની આવકમાં ઘટાડો થાય તો તેને વળતર આપવા માટે કેટલીક ચીજો ઉપર વળતર સેસ (કોમ્પેનસેશન સેસ) લાદવામાં આવેલી છે. વળતર અને સેસની મુદ્દત તા. ૩૦ જૂન ૨૦૨૨ના રોજ પૂર્ણ થતી હતી. શુક્રવારે મોડી રાત્રે કેન્દ્ર સરકારે જાહેરનામું બહાર પાડી હવે આ સેસની મુદ્દત તા. ૩૦ જૂનથી વધારી તા. ૩૧ માર્ચ ૨૦૨૬ કરી છે. સીધા શબ્દોમાં કહીએ તો સેસ ૨૦૨૬ સુધી ચાલુ રહેતા રાજ્ય સરકારોને વળતર પણ નવી મુદ્દત સુધી ચાલુ રહેશે. આ સેસ સિગારેટ, તંબાકુની બનાવટ, ઠંડા પીણા, વાહનો જેવી ચીજો ઉપર અલગ અલગ દરે લાદવામાં આવે છે. આ સેસ હવે ચાલુ જ રહેશે.જીએસટી એ વપરાશ આધારિત ટેક્સ છે એટલે ઉત્પાદન નહિ પણ જ્યાં ચીજનો વપરાશ થાય ત્યાં ટેકસ લાદવામાં આવે છે. આ નવી કર પ્રણાલી અમલમાં આવી ત્યારે ગુજરાત, મહારાષ્ટ્ર, તમિલનાડુ, કર્ણાટક જેવા ઉત્પાદક રાજ્યોને અગાઉની કર વ્યવસ્થા સામે નવા કરની ઓછી આવક અને તેના લીધે નુકસાન થાય એવો ડર હતો. આ માટે રજ્યોને નુકસાનનું વળતર આપવા માટે અમલના પ્રથમ પાંચ વર્ષ માટે વળતરની જોગવાઇ જીએસટી કાયદામાં કરવામાં આવી હતી. આ વળતરની મુદ્દત હવે જૂન ૨૦૨૨ સામે વધારી માર્ચ ૨૦૨૬ કરવામાં આવી છે. નવી કર પ્રણાલી અમલમાં આવી ત્યારે રાજ્યોના અને કેન્દ્રના કરની આવકમાં ધારણા કરતાં ઓછી વૃદ્ધિ જોવા મળી રહી છે. અર્થતંત્ર મંદ પડવું, મહામારીમાં અર્થતંત્ર મંદીમાં જતું રહ્યું એવા કારણોસર આ વૃદ્ધિ નરમ રહી છે. રાજ્ય સરકારોની માંગણી હતી કે કેન્દ્ર સરકાર વળતર આપવાની મુદ્દતમાં વધારો કરે અને એમ લાગી રહ્યું છે કે કેન્દ્ર સરકારે આ માંગ સ્વીકારી છે.

Previous articleગુજરાતના રમખાણોને હંમેશા રાજકીય ચશ્માથી જોવામાં આવ્યા
Next articleરવિવારની રજાની મજા સાથે સાયકલની સવારીનો આનંદ