મહુવાનાં માળવાવ ગામનાં અસ્મિતાબેને સખી મંડળ બનાવી પોતે અને પોતાના જેવી અન્ય બહેનોને પગભર બનાવી

25

રાજ્ય સરકાર દ્વારા મહિલાઓને પગભર થવા માટે સખી મંડળ થકી એક પ્લેટફોર્મ પુરૂ પાડ્યું : મહિલાઓ હવે યાચક બની રહેવાં માંગતી નથી : સખીમંડળ ચલાવતાં અસ્મિતાબેન
આજના જમાનામાં મહિલાઓ ફકત ઘર કામમાં જ નહીં પરંતુ ઘરની બહાર નિકળી પૈસા કમાતાં પણ જાણે છે. આજની મહિલાઓ ઘરકામથી લઇ અવકાશી યાનમાં પણ જઇ પોતાની કામગીરી બજાવે છે. આજની મહિલાઓ પુરૂષની સાથે ખભો મેળવી અને કામ કરી શકે તેનાં માટે ગુજરાત સરકાર હરહંમેશ મહિલાઓની સુરક્ષા, સન્માન અને મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપવામાં અડીખમ રહેતી હોય છે. રાજ્ય સરકાર દ્વારા સખી મંડળની યોજના બહાર પાડવામાં આવી છે. આ યોજના એટલે મહિલા સશક્તિકરણનું આગવું ઉદાહરણ…. અંતરીયાળ ગામની મહિલાઓને કૌશલ્યની તાલીમ આપી તેમને પગભર બનાવી આર્થિક સધ્ધરતા આપવામાં સખી મંડળ એક મહત્વની યોજના સાબિત થઇ છે. ભાવનગર જિલ્લાનાં છેવાડાનાં તાલુકા મહુવાનું એક અંતરીયાળ ગામ એટલે માળવાવ… આ ગામનાં વતનીશ્રી અસ્મિતાબેન પોતે સખી મંડળ ચલાવે છે. તેઓ જણાવે છે કે, માળવાવ ગામમાં નારી વિકાસ ગ્રામ સંગઠન ઉભું કરવામાં આવેલ છે. જેમાં ૧૧૦ જેટલી બહેનો દ્વારા જુદા-જુદા ૧૧ જેટલાં સખીમંડળો ચાલી રહ્યાં છે. આ બહેનો દ્વારા પોતાની નાની-નાની બચતો કરી તેમજ આંતરિક ધિરાણ લઇ જરૂરીયાતલક્ષી ચીજવસ્તુઓ લેવામાં આવે છે. મંડળ તેમજ ગ્રામ સંગઠનમાંથી લોન લઇ પગભર થવાં માટે અનેક નાના-મોટા કામ કરે છે. જેમાં મુખ્યત્વે સીલાઇ કામ, કાપડની દુકાન, રેડિમેટ કપડાની દુકાન, બ્યુટીપાર્લર, ડેરી, કરીયાણાની દુકાન જેવાં નાના-મોટા ધંધાઓ કરી પોતે પગભર થઇ અને આર્થિક રીતે સધ્ધર થવાં કાર્યરત છે. તેઓ દ્વારા અનેક નાની મોટી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. જેનાથી તેઓની આવક વધવાં સાથે આત્મનિર્ભર બની શકે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, શરૂઆતમાં ગામમાં ૨ સઅી મંડળો ચાલતાં હતાં. આ સખીમંડળોની બહેનોથી અન્ય બહેનોએ પ્રેરણા લીધી અને આજે ગામમાં ૧૧ જેટલાં સખીમંડળો ચાલી રહ્યાં છે. આ મંડળોની બહેનો દ્વારા ૧૫ હજાર જેટલું રીવોલ્વિંગ ફંડ ઉભું કરવામાં આવ્યું છે. તેમજ રાજ્ય સરકાર દ્વારા પણ રૂા. ૭ લાખ જેટલી ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. આ ગ્રાન્ટની રકમ થકી બહેનો પોતાની આવક ઉપાર્જનમાં જરૂરી સાધનો મેળવવા તેનો ઉપયોગ કરી ઉપરાંત તેઓના ઘરનાં સામાજિક પ્રસંગોમાં પણ પુરૂષ સમોવડી બનીને ટેકો આપે છે. તેમણે જણાવ્યું કે, ગામમાં સખીમંડળો દ્વારા મિટિંગનું પણ આયોજન કરવામાં આવે છે અને તેમાં બહેનોને નવા વિચાર અંગેના કાર્યોને કેવી રીતે અમલમાં મૂકવા તે અંગેની પણ ચર્ચાઓ કરવામાં આવે છે. ગુજરાત સરકારે છેલ્લા ૨૦ વર્ષમાં અનેક આવી ઉપલબ્ધિઓ મેળવી છે. આવી ઉપલબ્ધિઓ પૈકીની એક એવી સખીમંડળ દ્વારા આજે રાજ્યનાં છેવાડાનાં તળે રહેલ બહેનો માટે આત્મનિર્ભર થવાનો માર્ગ ખુલી ગયો છે. હવે તે યાચક નહીં આપવાની સ્થિતિમાં આવી રહી છે. સખીમંડળથી પોતે અને પોતાના જેવી અનેક મહિલાઓ આજે રાજ્યમાં પગભર થઇ છે. પોતે જ કમાતી હોય તેનું ગૌરવ અનોખું હોય છે. પોતે આર્થિક રીતે સધ્ધર બનવાં સાથે તેઓ કુટુંબને પણ આગળ લઇ જવાં તથા બાળકોને સારી કારકિર્દી આપવાં માટે સક્ષમ બની છે.

Previous articleભાવનગર જિલ્લા પંચાયતમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.એ.કે.તાવિયાડનો ભવ્ય વિદાયમાન યોજાયો
Next articleરાજયના યુવાઓને સરકારી સેવામાં જોડવા રાજય સરકાર પ્રતિબધ્ધ : બ્રિજેશ મેરજા