ભાવનગર જિલ્લા પંચાયતમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.એ.કે.તાવિયાડનો ભવ્ય વિદાયમાન યોજાયો

5

કલેકટર, જિલ્લા વિકાસ અધિકારીની વિશેષ ઉપસ્થિતિમાં આરોગ્યની તમામ કેડરના કર્મયોગીઓ ઉપસ્થિત રહ્યાં, કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લાના અધિકારીગણ અને તમામ કેડરના આગેવાનો દ્વારા ડો.તાવિયાડની કામગીરીની પ્રશંસા કરાઈ
સરકારમાં બદલી-બઢતી, પ્રમોશન એક નિત્યક્રમ હોય છે, પરંતુ એવાં પણ કર્મચારીઓ અને અધિકારીઓ હોય છે કે, જેઓ તેમના સેવા કાળના સ્થળે એવાં કાર્યો કરીને જતાં હોય છે કે લોકો તેનું હંમેશા સ્મરણ કરતાં હોય છે. કોરોના કાળ દરમિયાન ભાવનગર જિલ્લા પંચાયતના મુખ્ય આરોગ્ય અધિકારી તરીકેની યશસ્વી કામગીરી કરનાર ડો. એ.કે. તાવિયાડ આવાં જ એક અધિકારી છે. જેઓની તાજેતરમાં ભાવનગર થી ગોધરા ખાતે બદલી થતાં તેમનો ભવ્ય વિદાયમાન સમારોહ યોજવામાં આવ્યો હતો. ભાવનગર જિલ્લા પંચાયતના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.એ.કે.તાવિયાડની ભાવનગર થી પંચમહાલ ટી.બી અધિકારી તરીકે બદલી થતાં ભાવનગર આરોગ્ય શાખાની તમામ કેડર દ્વારા આર.કે. રેસ્ટોરન્ટ, વરતેજ ખાતે ભવ્ય વિદાયમાન સમારોહ યોજાયો હતો. આ વિદાયમાન સમારોહમાં જિલ્લા કલેકટર યોગેશ નિરગુડે, જિલ્લા વિકાસ અધિકારી ડો. પ્રશાંત જિલોવા વિશેષરૂપે ઉપસ્થિત રહ્યાં હતાં.. પંચાયતની આરોગ્ય વિભાગની તમામ કેડરના કર્મયોગીઓએ કોરોના કાળમાં તમામ કર્મચારી- અધિકારીને સાથે રાખીને તેમણે ટીમવર્કથી કરેલાં કાર્યોની પ્રશંશા કરી હતી. આરોગ્ય વિભાગની તમામ ગામના આગેવાનો દ્વારા તેમની સાથે વિતાવેલ પળોને યાદ કરીને તેમના કાર્યકાળ દરમિયાનનો સમય હસીખુશીથી પૂર્ણ થયો હતો એના સંસ્મરણો તાજા કર્યા હતાં. ઉપસ્થિત સૌ અધિકારીઓ- કર્મચારીઓએ તેમણે ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવી હતી.જિલ્લા પંચાયતના પટાંગણમાં પણ આરોગ્ય શાખા દ્વારા સતત પુષ્પવર્ષા અને કેક કાપીને એમની કર્તવ્યનિષ્ઠા માટે અનોખો ભાવ વ્યક્ત કરાયો હતો.