ખુદાબક્ષ મુસાફરી (બખડ જંતર)

9

લગભગ બોતેર- તોતેરની સાલની વાત હશે. સ્મરણમંજૂષા અદ્ભૂત અલાબલા છે.વીણાના તાર પર મુલાયમ કરાંગુલિઓ ફેરવીએ અને સુમધુર સુરાવલિ સર્જાય તેમ અતીતના અંધકારને ટેરવાથી ફંફોસીએ એટલે માલપૂઆ જેવી મજેદાર વાનગી નિષ્પન્ન થાય થાય અને થાય જ!!
ભગલો. સાચું નામ સ્કૂલના ચોપડામાં . ભુયંગચંદ્ર. માસ્તરો ભગલો કહી બોલાવે. એ સમયે શાળા એ ચોઈસનો વિષય ન હતી. પહેલાં કે બીજા ધોરણમાં ભણતા ઢાંઢાને ટીંગાટોળી કરી નિહાળે ખદેડવા પડે. નાક, આંખ અને હદય વગર ચોમાસે વહેતા હોય! કસાઈખાને ઢોર લઈ જતા હોય એવી ક્શ્મકશ હોય. પેલો હાથપગ પછાડતો , ધૂળમાં રગદાળોતો હોય. માંહ્યલો વનવગડે ભ્રમણ કરવા ઇચ્છુક હોય.!! નિહાળે હોંશભેર જવાની ઈચ્છા થાય તેવું પ્રોત્સાહક વાતાવરણ કયા હતું?
કાળા કોટ અને ધાતિયાધારી માસ્તરો , નામ મુલાયમ હોય પણ “સોટી વાગે ચમચમને વિધા આવે રૂમઝુમ “ નું હાર્દ સંપૂર્ણપણે આત્મસાત કરી તેનું ચુસ્તપણે અમલ કરવામાં અગ્રેસર હતા. આવા માસ્તરો સપનામાં આવે તો પણ છોકરાઓને ચડીમાં ચોમાસું થઈ જતું!!જો કે માસ્તરોનો એક્લાનો વાંક હતો એવું કહીએ તો બાયસ્ડ સ્ટેટમેન્ટ લાગશે એમ નિશંકપણે કહેવું જ રહ્યું ! અમસ્તી તાળી પણ એક હાથે કયાં પડે છે? ખરૂં કે નહીં?છોકરાઓ વનેચર જેવા આવે. માસ્તરની ખુરશી પર કુવેચ ( અડકવાથી અસહય ખંજવાળ આવે એવી વનસ્પતિ)લગાવે, બ્લેકબોર્ડમાં માસ્તરના ઠઠ્ઠા ચિત્રો દોરે .એ પણ અરૂચિરર. ઊઠ્‌યા હોય એમ જ નાહ્યા ધોયા વિના, વાળ ઓળ્યા વિના નખ કાપ્યા વિના ઉઘાડાપગે હાલ્યા આવે. આમાં વિધા કોને અને કેવી રીતે ચડે? માસ્તરો શિક્ષણની નવી તરાહ કે કશું નવું જાણ્યા વિના ધકેલ પંચ દોઢસો ધકેલે રાખે. અધ્યયન અને અધ્યાપન કિસ ચિડિયા નામ હૈ? એટલા પ્રોફેશનલ કે નિહાળ છૂટવાનો બેલ પડે કે બોલતા વાક્યના બીજા થબ્દો કે અક્ષરો ગળફો ગળતા હોય તેમ ગળી જાય.!!
નેહાળમાં જાતજાતની વેજા આવે. તોફાનો પણ નવતર. કેટલાક તો વનેચર એસટી બસ ઉભી રહે કે પાછળની સીડી પર ચડી જાય અને ડ્રાઈવર બ્રેક મારે એટલે વિમાનની જેમ સેઈફ લેન્ડીંગ કરી સહીસલામત ઉતરી જાય. આવું (દુ) સાહસ જોઈ મીણબત્તીની ફડફડતી જ્યોતિમાં જેમ જીવડા જૌહર કરે તેમ બીજા વાંદરા પણ ઝંપલાવે. આમ, તો ભગલાએ છ સાત મહીના વિચાર્યું. પછી ભેંસના શિંગડામાં માથું નાખવા જેવું કામ કર્યું!!
અમરેલી શહેરમાં રાજ હોટલ જાણીતી. નાના બસ સ્ટેશનની બાજુમાં આવેલી. હોટલ તો નામની ચા-કોફી મળે. નાનખટાઈ, ભિસ્કૂટ ખારી શીંગ જેવી અરચૂરણ-પરચૂરણ આઈટમ મળી રહે. કોફીની શીશી કે પેકેટ ન હોય. કોફીની ગોળ ટીકડીઓ મળતી તેના ભૂકકો કરી દૂધમાં નાખવાનો!! બધી બસો રાજકમલ હોટલે ઊભી રહે. ત્યાંથી ઉપડી સીધી સરકારી દવાખાનીની કંપાઉન્ડ વોલ પૂરી થાય એટલે વળાંક લઈ તારવાડીની ટાંકી બાજુ વળીને જેસીંગપરા તરફ જાય. સરકારી દવાખાનાની વોલના વળાંકે વચ્ચોવચ હનુમાનજીની દેરા હતી . જે રોડ ડીવાઈડરની ગરજ સારે. રોડની ડાબી બાજુ ધારાસભ્ય દ્વારકાદાસ પટેલ- દકુબાપાનું મકાન. બારણા અને લોખંડની જાળીમાં લીલો કલર કરેલો. ભગલો રાજકમલ હોટલે ઉભી બસની સીડીના બે પગથિયા ચડી ગયો. હાથથી સીડી મજબુતીથી પકડી. બસે હળવા ઘરઘરાટથી ટેઈક ઓફ કર્યું .ભગલાનો માંહ્યલો રોમાંચ, આલ્હાદકતામાં ગરક થઈરહ્યો હતો. ટ્રાંસ- સમાધિમાં હોય એવો અવર્ણનીય આનંદ. ભગવાને હનુમાનજી દેરીએ વળાંક લેતા વખતે બ્રેક મારતા બસ ધીમી થાય એટલે બસભિનિસ્ક્રમણ કરવાનું હતું. આગળ બે- ચાર વાહનો હશે એટલે ડ્રાઈવર અચાનક શોર્ટબ્રેક લગાવી. ભગલો બસની સીડી પર. એને આગળ કશું દેખાય નહી. બસ ધીમી પડી એટલે અ બાપડો ઉતરવા લાગ્યો અને બસની સ્પીડ વધી. તેના હાથ અડબડાયા. સીડીનો દાંડો છૂટી ગયો. ભગલો ન્યુટનના સફરજનની માફક ધડામ દઈને પડ્યો.ભગલો થોડો ઘસડાયો.ઉંધા માથે રોડ પર પડ્યો. બંને ગોઠણ છોલાયો. હાથની હથેળી છોલાઈ. આંખમાં આંસુઓના મોકતિક સરવા માંડ્યા. દફતર એટલે કાપડની થેલીમાં બાળપોથી ધોરણ ૩ , ગુજરાતી ગણિતની વેરવિખેર થયેલી ચોપડી, સ્લેટ પેન વગેરે ભેગું કરી ઘર તરફ રવાના થયો. કહે છે કે આપણી પહેલાં આપણા કર્મો કે કૃત્યો પાંખ લગાવી પહેલાં પહોંચે છે.તમે ચાલીને સફર કરો ને તે વિમાનવેગે ટ્રાવેલિંગ કરે. પછી શું થાય?
ભગલાની માએ ભગલાનું ભવ્ય સ્વાગત સાવરણી, ચપ્પલ , ધોલધપાટથી કર્યું. પડયા પર પાટુ તે આનું નામ. એ વખતે ધનૂરના ઈંન્જીકસન, એન્ટીસેપ્ટીક ક્રીમ કે સોફરામાઈસીન ટયુબ જેવી કોઈ લકઝરી નહી. દવાખાને તો ગંભીર બિમારીમાં જવાનું . કાંટો લાગે તો કાંટો કાઢી ગોળ ,હળદર, મીઠું ગરમ કરી એક કપડાંમાં રાખી પગે પાટો બાંધી દેવાનો. આને ડોશી વૈદામાં ગોળનો ચપકો દીધો તેમ કહેવાય. પેટમાં દુખતું હોય તો દૂંટીએ ગોળ ચુનાનું ફાયું મારવાનું,ભગલાની માએ રૂ બાળીને ઘા પર લગાડયું. અકસીર ડોશીવૈદું કામે લાગ્યું. ઘા રૂધાઇ ગયો.ભીંગડું વળી ગયું. પણ પણ ભગલાના હ્‌દય પર લાગેલો ઘા આજે પણ રુઝાયો નથી. હવે તો એ રોડ પર હનુમાનજીની દેરી કે દકુબાપાનો બંગલો છે કે પણ ખબર નથી. જ્યારે કોઈ બસ સડસડાટ નીકળે ને બસની સીડી દેખાય એટલે ભગલાના માનસપટલ પર ફિલ્મની રીલની જેમ રિયલ પ્રસંગ દ્રશ્યમાન થાય છે અને આંખમાં ફૂલ પર ઝાંકળ બાજે એમ અશ્રુ બાજે છે ને ભગલો લાકડી લઈને જનાવર તગેડીએ તેમ શર્ટની બાંયથી અશ્રુ લૂથી નાંખે છે!!!

– ભરત વૈષ્ણવ

Previous articleકેપ્ટન રોહિત શર્મા કોરોના સંક્રમિત,BCCIની મેડિકલ ટીમ સંભાળ લઈ રહી છે
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે