ભોઈ સમાજના લોકો ખેંચશે ભગવાનનો રથ

9

જગન્નાથજીની રથયાત્રાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. મોટાભાગની તમામ તૈયારીઓ પુર્ણ થઈ ચુકી છે ત્યારે ભગવાનના રથને નગરમાં ફેરવવાની પરંપરાગત જવાબદારી ભોઈ સમાજ નિભાવી રહ્યું છે. આ વર્ષે પણ ભોઈ સમાજ ભગવાનનો રથ ખેંચી જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્રજીને નગરચર્યાં કરાવશે. આ માટેની તમામ તૈયારીઓ ભોઈ સમાજ દ્વારા પુર્ણ કરી દેવામાં આવી છે. જગન્નાથપુરીમાં ભગવાનના રથ ભોઈ સમાજ દ્વારા ખેંચવામાં આવે છે તે પરંપરા પ્રમાણે ભાવનગરમાં પણ ઘોઘા-ભાવનગર રાજપુત ભોઈ સમાજ દ્વારા ભગવાન જગન્નાથજીનો રથ ખેંચીને ભગવાનને નગરચર્યા કરાવવાની સેવા આપવામાં આપે છે. વર્ષ ૨૦૧૦થી ભાવનગરની રથયાત્રામાં રથ જોડાયો ત્યારથી આ સેવા ભોઈ સમાજ દ્વારા આપવામાં આવે છે. આ અગાઉ ભોઈ સમાજનું એક બેન્ડ હતું જેના સથવારે રથયાત્રા નિકળતી હતી. એ પછી રથ આવ્યા બાદ ભોઈ સમાજ દ્વારા પહિંન્દ વિધી બાદ તમામ સભ્યોને તિલક કર્યાં પછી રથ ખેંચવાનો શરૂ કરવામાં આવે છે અને સમગ્ર રૂટમાં નિકળે છે. મુળ ઘોઘાના ગામના વતની હાલમાં ભાવનગરમાં સ્થાયી થયેલા ભોઈ સમાજના ૨૦૦ સભ્યો દ્વારા સેવા આપવામાં આવે છે.
૩૦ થી ૩૫ સભ્યોની ૫ ટીમો દ્વારા વારા ફરતી રથ ખેંચવામાં આવે છે. એક મહિનામાં ૪ મીટિંગો કરી તમામ સભ્યોની અનુકુળતાઓ જાણી સમય સમગ્ર ટાઈમ ટેબલ ગોઠવવામા આવે છે. તેમની ટીમમાં ૧૦ થી ૫૦ વર્ષની વય જુથના સભ્યો છે જે રથ ખેંચવાની સેવા આપે છે.