ભાવ વધારાની ખાલી ખાલી ખીટપીટ કરનારને શ્રીલંકા ખદેડી મુકો!! (બખડ જંતર)

4

આપણા લોકો અધૂરિયા અને ઉતાવળિયા છે. વગર વિચાર્યે કોઇને કોઇ પ્રતિક્રિયા આપે છે. મનોવિજ્ઞાનમાં પ્રતિચાર અને ઉપચારનો સિધ્ધાંત જાણવા જેવો છે. દીવાની જયોત પ્રતિચાર છે. દીવાની જયોતને હાથ અડકતાં હાથ દાઝી જવાથી પાછો ખેંચવો એ પ્રતિચાર છે. આ બાબત હાલમાં પણ અમલમાં છે. દરરોજ પેટ્રોલ-ડિઝલમાં માત્ર એંશી પૈસા વધે એ પ્રતિચાર છે. ભાવવધારા સામે કકળાટ કે વલવલાટ એ પ્રતિચાર છે.
આપણી પ્રજા વૃક્ષ પરથી બોર પડે અને સસલું આભ તૂટી પડ્યું એમ ભાગવા લાગે છે. એવું જ આપણી પ્રજાનું છે. કોમર્શિયલ ગેસમાં કેવળ બસો પચાસ રૂપરડી વધે, ટોલ ટેકસમાં પ૦% વઘારો કરે લીંબુના ભાવમાં ૧૫૦% નો વધારો થાય એમાં ધનોતપનોત નીકળી ગયું હોય કે ધરતી રસાતાળ ગઇ હોય તેમ પુણ્ય પ્રકોપ ઠાલવે!! ભાવ વધે નહીં તો અર્થતંત્ર સંકોચાઇ જાય. તમે તો એવું ઇચ્છો કે ખિસ્સુ ભરીને રૂપિયા લઇ બજારમાં જાવ અને ટ્રક ભરીને ચીજવસ્તુ લઇને ઘરે જાવ. આને શાહમૃગી કે શેખચલ્લી ફિનોમન કહેવાય!!તમારે માત્ર તમારો સ્વાર્થ વિચારવાનો?વાતોના વડાનાં વસુંધૈવ કુંટુંબકમની કરવાના અને વેપારી ભાઇઓના ક્ષેમકુશળનો વિચાર કરવાનો જ નહીં??
ચીજવસ્તુના ભાવ વધારવા સરકારને પસંદ કયાં હોય છે? સરકાર માઇ બાપની મજબુરી છે કે ખુરશી પર બેઠા પછી ટ્રસ્ટીભાવે પ્રજાના ઉત્કર્ષનું સંરક્ષણ , સંગોપન અને સંવર્ધન કરવાનું!!મા કે વૈદ જ સંતાનને કડવું ઔષધ પિવડાવે છે!! પ્રજા સિમેટ્રિક રહે, ઝીરો ફિગર રહે આવનાર વાવાઝોડા સામે સજ્જ કરવા માટે કેળવણી આપવા આ બધું કરવું પડે છે! ચૂંટણી સમયે જનતા જનાર્દન કહેનાર સરકાર ભાવવઘારાની અગનઝાળમાં ધકેલે ખરી??
આપણે ત્યાં વિરોધ કરનારને દેશદ્રોહી કે રાષ્ટ્રદ્રોહી જાહેર કરવાની ફેકટરીઓ ધમધમે છે. આ ફેકટરીમાં રાષ્ટ્રપ્રેમી કે રાષ્ટ્રભકત જાહેર કરવાના કામ કરે છે. વિરોધીને બોરીયા બિસ્તરા બાંધી પાકિસ્તાન દવાના ફરમાન ફતવા કરનારી કંપની પેટ્રોલ ભાવ વધારાનો વિરોધ કરનારને અફઘાનિસ્તાનમાં પેટ્રોલ સસ્તું હોઇ ત્યાં જવાની હિદાયત આપે છે!! મેરા દેશ બદલ રહા હૈ.
શ્રીલંકા સોહામણો દ્વિપ સમુહ છે. શ્રીલંકા એક ટાપુ દેશ છે. જે દક્ષિણ એશિયામાં ભારતના દક્ષિણ કિનારેથી ૩૧ કિલોમીટરની દૂરી પર સ્થિત છે. તેની વસ્તી અંદાજે ૨.૨ કરોડ લોકોની છે. તેની ભૌગોલિક સ્થિતિ ને લીધે કે જે મુખ્ય સમુદ્રી માર્ગોમાં આવે છે, શ્રીલંકા પશ્ચિમ એશિયા તેમજ દક્ષિણ પૂર્વ એશિયા વચ્ચે મહત્ત્વની કડી છે. પૌરાણિક કાળથી શ્રીલંકા બૌદ્ધ ધર્મનું અને સંસ્કૃતિક કેંદ્ર રહ્યું છે. સિન્હાલી લોકો અહિંયાના મુખ્ય રહેવાસીઓ છે, એને તામિળ મુળના લોકો કે જેઓ મુખ્યત્વે દેશના ઉત્તર ભાગમાં વસેલા છે. તેઓ શ્રીલંકાની સૌથી મોટી લઘુમતિ કોમ છે. શ્રીલંકાની બીજી કોમોમાં મુર, બુર્ગર, કાફિર તેમજ મલયનો સમાવેશ થાય છે. તેના ચા, કોફી, નારિયળ તથા રબરના ઉત્પાદન માટે પ્રચલિત શ્રીલંકા એક પ્રગતિશીલ અને આધુનિક અર્થતંત્ર ધરાવે છે. દક્ષિણ એશિયામાં તેની માથાદીઠ આવક સૌથી વધારે છે. ત્યાંના ઉષ્ણકટિબંધ વનો, સમુદ્રી તટ અને કુદરતી દેખાવના સૌંદર્યને લીધે શ્રીલંકા દુનિયાભરના સહેલાણીઓમાં લોકપ્રિય છે. આ દેશમાં સૌથી મુખ્ય આવક ટુરિઝમ ક્ષેત્રે એટલે કે પ્રવાસ દ્વારા થાય છે. યુરોપથી મોટી સંખ્યામાં મુસાફરો અહીં જોવા મળે છે.
શ્રીલંકાનો ઉલ્લેખ તો પ્રાચીન સમય થી જાણવા મળે છે. રામાયણ જેવા પૌરાણીક ગ્રંથ માં તેને “લંકા” ના નામથી વીગતે વર્ણવવામાં આવ્યું છે. ત્યાર પછી સમ્રાટ અશોક ના શીલાલેખો માં પણ તેના ઉલ્લેખો જોવા મળે છે. આગાઉ સિલોનના નામે ઓળખાતા શ્રીલંકાને સૌ પ્રથમ કબજે લેનાર પોર્ટુગીઝ હતા. ઇ.સ.૧૫૦૧ માં તેમણે શ્રીલંકાના અમુક પ્રદેશો હસ્તગત કર્યા.ઇ.સ.૧૬૫૮માં ડચ સામ્રાજ્ય ત્યાં પહોંચ્યુ અને ત્યાર પછી ૧૭૯૬ માં અંગ્રેજોએ તો આખા ટાપુ પર શાસન સ્થાપ્યું. ત્યાંની મુળ સિંહાલી પ્રજાએ ક્યારેય સ્વતંત્રતા માટે માંગણી કરી ન હતી, છતાં ભારત આઝાદ થયા પછી ૧૯૪૮ માં શ્રીલંકા પણ આઝાદ થયું.
લંકામાં બે રાજધાની છે. શ્રી જયવર્દનપુરા કોટે, મેટ્રો વસ્તી ૨,૨૩૪,૨૮૯ (વહીવટી રાજધાની) છે. કોલંબો, મેટ્રો વસ્તી ૫,૬૪૮,૦૦૦ (વ્યાપારી મૂડી) છે.
રામાયણમાં પણ ઉલ્લેખ આવે છે કે રાવણ વિમાનમાં ઊડતો હતો. રામે પણ પુષ્પક વિમાનમાં પ્રવાસ કર્યો હતો. રાવણ વિદ્વાન હોવા ઉપરાંત પ્રજાકલ્યાણના કાર્યો કરનારો રાજા હતો. પ્રજાની સુખાકારી માટે કુબેરના ધનભંડારનો ઉપયોગ કરતો હતો અને જ્ઞાનવિજ્ઞાનના પ્રસારમાં માનતો હતો. રાવણની એ ઇમેજને ધ્યાનમાં રાખીને ઉપગ્રહનું નામ રાવણ-૧ રખાયું છે. શ્રીલંકા જ એવો દેશ હતો અને તેનો પ્રાચીન રાજા એવો હતો, જે વિમાનમાં ઊડતો હતો. આજે શ્રીલંકાએ હવે આકાશમાં પોતાનો ઉપગ્રહ પણ ઉડાડ્યો એવું ગૌરવ જોડી શકાય તે માટે પણ રાવણ-૧ એવું નામ ઉપગ્રહને આપવામાં આવ્યું છે તેવું કારણ અતાર્કિક પણ લાગતું ન હતું.
રામાયણ પ્રાચીન ગ્રંથ છે અને તેમાં શ્રીલંકા અને રાવણ એટલા જ અગત્યના છે. તેના કારણે રામાયણ કાળ જેટલા પ્રાચીન ઇતિહાસ તરફ દૃષ્ટિ દોડાવાનું શરૂ થયું હતું અને તેમાં રાવણને હિરો તરીકે દર્શાવાતો હતો. રાવણ મહાનાયક અને મહાવીર હતો, પરંતુ તેના ભાઈ વિભિષણે દગો કર્યો એટલે જ તે હાર્યો. દગા વિના રામ પણ રાવણને હરાવી શકે તેમ નહોતા. હેલા હેવુલા સંસ્થા રાવણને નાયક તરીકે આગળ કરતી આવી છે. રાવણને મહાન દર્શાવતા નાટકો, ગીતો, કાવ્યો, કથાઓ લખાતા રહ્યા છે.
રામાયણ પહેલું પુસ્તક છે જેમાં શ્રીલંકાનુંવિસ્તારપૂર્વક વર્ણન કરવામાં આવ્ય.વર્ષ ૧૯૭૨ સુધી શ્રીલંકાનું નામ સિલોન હતું જેને બદલીને લંકા કરી દેવામાં આવ્યું અને વર્ષ ૧૯૭૮ માં તેની આગળ સન્માન જનક શબ્દ શ્રી લગાવીને શ્રીલંકા કરી દીધું.
શ્રીલંકા એક જટિલ ધાર્મિક લેન્ડસ્કેપ છે. આશરે ૭૦% લોકો થરવાડા બૌદ્ધ (મુખ્યત્વે વંશીય સિંહાલી) છે, જ્યારે મોટા ભાગનાં તમિલ હિન્દુ છે, શ્રીલંકાના ૧૫% લોકોનું પ્રતિનિધિત્વ કરે છે. અન્ય ૭.૬% મુસ્લિમો છે, ખાસ કરીને મલય અને મૂર સમુદાયો, મુખ્યત્વે સુન્ની ઇસ્લામમાં શફીની શાળામાં છે. છેલ્લે, આશરે ૬.૨% શ્રીલંકાના ખ્રિસ્તીઓ છે; તેમાંથી ૮૮% કેથોલિક અને ૧૨% પ્રોટેસ્ટન્ટ છે. શ્રીલંકા રામ- રાવણની લડાઈને કારણે મશહૂર છે. નવ ગ્રહ અને દેવતા રાવણની કૃપાદ્રષ્ટિ પામવા તત્પર રહેતા.અપ્રતિમ લંકા સોનાની હતી.જેને હનુમાનજીએ સળગાવી હતી. વાસ્તવમાં રાવણનો દર્પ, અભિમાન, અહંકારને ફૂંકી મારેલ હતો.
આપણે રેડિયો સિલોનને લીધે લંકાને યાદ કરીએ છીએ . બિનાના ગીતમાલા લાખો સંગીતપ્રેમીનો આરાધ્ય કાર્યક્રમ હતો. અમીન સાયાનીનો અદ્ભૂત એન્કરિંગ પાવર બિનાકા ગીતમાલાની સફળતાનું ઓપન સિક્રેટ હતું. શ્રીલંકાને સર્વપ્રથમ મહિલા પ્રધાનમંત્રીના રૂપમાં સિરિમાવો બંડારનાયક મળેલ હતા!
શ્રીલંકામાં અર્થતંત્ર ઊંધે માથે પછડાયું છે.ભાવો કૂદકે ને ભૂસ્કે વધી રહ્યા છે. નાનકડા ટાપુને ન જાણે કોની નજર લાગી છે??મિલ્ક પાવડરનો કિલ્લોનો ભાવ બે હજાર રૂપિયા છે!! ચીન સહિત અનેક દેશોના ભારે દેવા હેઠળ દબાયેલા આ દેશ લગભગ નાદાર જાહેર થવાના આરે આવી ગયો છે અને લોકો માટે જીવન નિર્વાહ કરવો મુશ્કેલ બની રહ્યો છે. અહીં સામાન્ય વસ્તુઓના ભાવ સાતમા આસમાને પહોંચી ગયા છે. દેશની સેન્ટ્રલ બેંકે શ્રીલંકાના રૂપિયા (ન્દ્ભઇ)ની નવી કિંમત ૧ યુએસ ડોલર દીઠ રૂ. ૨૩૦ની મંજૂરી આપ્યા બાદ શુક્રવારે શ્રીલંકામાં કેટલીક આવશ્યક ચીજવસ્તુઓના ભાવમાં નોંધપાત્ર વધારો નોંધાયો હતો. સિન્હુઆ ન્યૂઝ એજન્સીના અહેવાલ પ્રમાણે શુક્રવારે, ઓલ સિલોન બેકરી ઓનર્સ એસોસિએશને બ્રેડ પેકેટની કિંમતમાં ૩૦ ન્દ્ભઇનો વધારો કર્યો અને હવે બ્રેડ પેકેટની નવી કિંમત ૧૧૦ થી ૧૩૦ શ્રીલંકન રૂપિયાની વચ્ચે છે. દેશની સૌથી મોટી ઘઉંની આયાતકાર પ્રિમાએ એક કિલો ઘઉંના લોટની કિંમતમાં ૩૫ ન્દ્ભઇનો વધારો કર્યો છે!!
પેટ્રોલની કિંમત પ્રતિ લીટર ૨૫૪ રૂપિયાઃ
દેશની બીજી સૌથી મોટી છૂટક ઇંધણ વિતરક કંપની લંકા ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશને ગુરુવારે મધ્યરાત્રિએ ડીઝલના વેચાણ ભાવમાં ૭૫ ન્દ્ભઇ પ્રતિ લિટર અને પેટ્રોલના ભાવમાં ૫૦ ન્દ્ભઇ પ્રતિ લિટરનો વધારો કર્યો છે. થ્રી વ્હીલર અને બસ માલિકોના સંગઠને ઇંધણ સબસિડીની માંગણી કરી છે, એવો દાવો કર્યો છે કે, લંકા ઇન્ડિયા ઓઇલ કોર્પોરેશન દ્વારા ઇંધણના ભાવમાં વધારો થવાથી ભાડામાં ભારે વધારો થશે. ઓલ સિલોન પ્રાઈવેટ બસ ઓનર્સ એસોસિએશનના અધ્યક્ષ અંજના પ્રિયંજીતે ચેતવણી આપી હતી કે ઓછામાં ઓછું બસ ભાડું ૩૦ થી ૩૫ ન્દ્ભઇની વચ્ચે રહેશે. આને ધ્યાનમાં રાખીને, તેમણે સરકારને ખાનગી બસ માલિકો માટે ડીઝલ સબસિડી આપવા વિનંતી કરી છે. એક કપ ચાના ૧૦૦ રૂપિયા પણ કેટલો જથ્થો એ લખ્યું નથી,ગેસનો બાટલો માત્ર ૪૧૧૯( આપણે હજાર રૂપરડીની કકળાટ કરીએ છીએ!)ચોખાના ૫૦૦ રૂપિયા ભાવ છે!મોંધવારી ૧૭%ને પાર( આપણે ત્યાં ૬ કે ૭ % છે)લંકાના ૩૧૮ રૂપિયા બરાબર એક અમેરિકન ડોલર છે!દિવસના ૧૦ કલાક વીજ કાપ છે!! લોકો લાઇનમાં ઉભા રહે પણ મોંઘા ભાવની વસ્તુ ખરીદ તરી શકતા નથી!!આને ભાવ વધારો કહેવાય!
દરરોજ પેટ્રોલમાં એંશી પૈસા , કોમર્શિયલ સિલિન્ડરમાં બસો પચાસ, ડીએપી ખાતરમાં દોઢસો, એનએપી ખાતરમાં અઢીસો , પીએનજીમાં એકસો દસ કે લીંબુમાં બસોનો ભાવ વધારો તો ચણા મમરા કહેવાય કે સેવમમરા કહેવાય!!
ખાલી ખાલી ભાવ વધારાની ખીટપીટ કરો છો? બધાને શ્રીલંકા તગેડી -ખદેડી મુકો એટલે ખો ભૂલી જાય!!

– ભરત વૈષ્ણવ