રાજુ રદીનું મોં ગરમ પવન જેવું થઇ ગયું!!! (બખડ જંતર)

2

“આનું શું કરવું?” રાજુ રદી બરાબર અકળાયો હતો. સવાલ પૂછતી વખતે સારેગમ સપ્તકની જેમ સૂર આરોહમાં ઊંચે ગયો હતો!
“ શેનું ? પાછી કોઇ છોકરીએ ઇન્કારનો કાંકરીચાળો કર્યો?” મેં રાજુની દુખતી નસ પર હાથ મુકયો!
“ ના ના એવું નથી.” રાજુ રદીએ કહ્યું.
“ રાજુ. રાષ્ટ્રપતિની ચૂંટણીનો મુદો ઉકેલાઈ ગયો છે” મેં કહ્યું
“એની કયાં ના છે!” રાજુએ કંટાળાથી કહ્યું.
“ મહારાષ્ટ્રનો મુદો ઉકેલાઈ ગયો.” મે કહ્યું.
“ મને ખબર છે.” રાજુએ મોં ફુંગરાવી જવાબ આપ્યો.
“યુક્રેન અને રશિયાનું યુધ્ધ હવે ચાંદલિયા લડાઇ થઇ ગયું છે!” મે કહ્યું.
“સમજ્યા હવે” રાજુનો ફિક્કો પ્રતિભાવ.
“રાજુ અગ્નિવીર યોજનાનો અણસમજુઓ વિરોધ કર્યો છતાં બે લાખથી વધુ ફોર્મ ભરાયા “ મેં સાંપ્રત પ્રવાહની વાત કરી.
તમને ખબર છે કે અમિતાભ અભિનિત “ અગ્નિપથ” ફિલ્મ બચ્ચાંને ડાયલોગ ડિલિવરીમાં ફેરફાર કરતાં પિટાઇ ગઇ હતી!” રાજુ રદી ધારણા કરતાં વધુ ઉગ્ર થયો.
“ ગિરધરભાઇ.હું પાકિસ્તાનની વાત કરૂં છું “ રાજુએ કહ્યું .
“પાકિસ્તાનની વાત ના કરીશ. તેનો જન્મ રોગ ચોઘડિયાંમાં નડતર નક્ષત્રમાં થયો છે!! આપણી સાથે આઝાદ થવા છતાં લશ્કરી શાસકોની લોખંડી એડી નીચે કચડાયું છે.” મેં ઇતિહાસનું દોહન કર્યું!
“ગિરધરભાઇ . પાક વાસ્તવમાં નાપાક છે.આપણા હાથે ત્રણ વાર ખોખરું કર્યુ છે છતાં આતંકવાદીઓ આપણા કાશ્મીરમાં મોકલે રાખે છે. પ્રોકસી વોર કરે છે છતાં થાકતું નથી.”મેં કહ્યું.
“ રાજુ. પાકિસ્તાનમાં પેટ્રોલ, ડીઝલના ભાવ ભડકે બળે છે.ખાવા ખીચડું નથી. અને એક હજાર વરસ લડવાનું પૂંછડું પકડીને બેઠા છે.” મેં કહ્યું.
“ શિયાળ અને ગધેડો કોઇ ખેતરમાં શેરડી ખાવા ગયેલા. શેરડી ખાધા પછી ગધેડાને ગાવાનું મન થયું.શિયાળાની નિરવ રાત હતી . ગધ્ધાભાઇએ બેસૂરા સૂરે હોંચી હોંચી ગાવા માંડ્યું. શિયાંળ જીવ બચાવવા વાડીના છીંડામાંથી ભાગી ગયું . ખેતરના માલિકે ગધેડાને મારી મારીને ધોઇ નાંખ્યું. આવું જ કાંઇક પાકિસ્તાનનું છે. કોઇ પણ આંતરરાષ્ટ્રીય મંચ પરથી પાકિસ્તાન કાશ્મીરનો બેસૂરો અને કર્કશ રાગ આલાપવાની કુટેવ છોડતું નથી!!!રાજુએ અફસોસ જાહેર કર્યો.
“ રાજુ. પાકિસ્તાન ભારતને તમામ મોરચે નડે છે, લડે છે, હારે છે. એટલે રડે છે!! પણ પાકિસ્તાન તરફના પવન પણ વેરી બન્યા છે. આ વર્ષે ચોમાસુ ધીમી ગતિએ આગળ વધી રહ્યું છે. સામાન્યપણે અત્યાર સુધીમાં કાશ્મીરમાં દસ્તક આપનારું ચોમાસુ ૧૨ દિવસથી યુપી-બિહારની હદ પર જ અટક્યું છે. તે ૧૭ જૂનના રોજ મઉ જિલ્લા પાસે પહોંચ્યું હતું, પરંતુ પાકિસ્તાનથી રાજસ્થાનના રણ થઇને આવતા ગરમ પવનને કારણે અટક્યું છે. આ પહેલા કર્ણાટકમાં પણ આ જ સ્થિતિ જોવા મળી છે, જ્યાં ચોમાસુ ૧૦ દિવસ સુધી અટક્યું હતું.” મેં કહ્યું
“હેં હેં હેં હેંએ” આમ ઉદગાર કરતા રાજુ રદીનું પાકિસ્તાનના રણમાંથી ફૂંકાતા ગરમ પવન જેવું મોં થઇ ગયું!!

– ભરત વૈષ્ણવ