છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૧૭,૦૯૨ દર્દીઓ નોંધાયા

6

છેલ્લા ૨૪ કલાકમાં નવા કેસમાં તોતિંગ ઉછાળો : અત્યાર સુધીમાં કોરોનાથી ૫,૨૫,૧૬૮ લોકોએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યો છે, હાલ દેશમાં ૧,૦૯,૫૬૮ કોરોના દર્દીઓ સારવાર હેઠળ છે
નવી દિલ્હી,તા.૨
દેશમાં હાલ કોરોનાના કેસમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં દેશભરમાંથી કોરોનાના ૧૭ હજારથી વધુ નવા કેસ નોંધાયા છે. જ્યારે એક દિવસમાં ૨૯ દર્દીઓના કોરોનાથી મોત થયા છે. એક્ટિવ કેસની સંખ્યા હવે એક લાખને પાર જતી રહી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે સવારે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા ૨૪ કલાકમાં દેશભરમાંથી કોરોનાના નવા ૧૭,૦૯૨ દર્દીઓ નોંધાયા છે. દેશમાં ઝડપથી વધી રહેલા કેસે એકવાર ફરીથી લોકોની ચિંતા વધારી છે. ગઈ કાલે શુક્રવારે કોરોનાના નવા ૧૭,૦૭૦ કેસ નોંધાયા હતા. એક દિવસમાં કોરોનાથી ૨૯ દર્દીઓના મોત થયા છે. અત્યાર સુધીમાં કોરોનાથી ૫,૨૫,૧૬૮ લોકોએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યો છે. હાલ દેશમાં ૧,૦૯,૫૬૮ કોરોના દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે ૪,૨૮,૫૧,૫૯૦ લોકોએ અત્યાર સુધીમાં કોરોનાને માત આપવામાં સફળતા મેળવી છે. દેશમાં કોરોનાનો ડેઈલી પોઝિટિવિટી રેટ હાલ ૪.૧૪ ટકા છે. મહારાષ્ટ્રમાં શુક્રવારે કોરોના વાયરસના સંક્રમણના ૩૨૪૯ નવા કેસ નોંધાયા. જે એક દિવસ અગાઉ કરતા ૪૦૦ ઓછા હતા. જ્યારે ૪ દર્દીઓએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યા. દિલ્હીમાં કોરોનાના ૮૧૩ નવા કેસ નોંધાયા છે. રાજધાનીમાં સંક્રમણ દર ૫.૩૦ ટકા છે. કોરોનાએ ૩ લોકોનો ભોગ લીધો. કોરોનાના કેસ એકવાર ફરીથી વધી રહ્યા છે. ચોથી લહેરનું જોખમ તોળાઈ રહ્યું છે. સાત ઓગસ્ટ ૨૦૨૦ના રોજ સંક્રમિતોની સંખ્યા ૨૦ લાખ, ૨૩ ઓગસ્ટ ૨૦૨૦ના રોજ ૩૦ લાખ અને પાંચ સપ્ટેમ્બર ૨૦૨૦ના રોજ ૪૦ લાખથી વધુ થઈ ગઈ હતી. સંક્રમણના કુલ કેસ ૧૬ સપ્ટેમ્બર ૨૦૨૦ના રોજ ૫૦ લાખ, ૨૮ સપ્ટેમ્બર ૨૦૨૦ના રોજ ૬૦ લાખ, ૧૧ ઓક્ટોબર ૨૦૨૦ના રોજ ૭૦ લાખ, ૨૯ ઓક્ટોબર ૨૦૨ના રોજ ૮૦ લાખ અને ૨૦ નવેમ્બરના રોજ ૯૦ લાખને પાર જતી રહી હતી. દેશમાં ૧૯ ડિસેમ્બર ૨૦૨૦ના રોજ સંક્રમણના કેસ એક કરોડને પાર ગયા હતા. ગત વર્ષે ચાર મેના રોજ સંક્રમિતોની સંખ્યા બે કરોડ અને ૨૩ જૂન ૨૦૨૧ના રોજ ત્રણ કરોડને પાર પહોંચી ગઈ હતી. આ વર્ષ ૨૫ જાન્યુઆરીના રોજ કેસ ચાર કરોડને પાર ગઈ હતી.