આસામમાં પૂર પીડિતોને આપવામાં આવનારી રાહત સામગ્રીની ખરીદીમાં કૌભાંડ સામે આવ્યું

6

હું રાજ્યના અધિક મુખ્ય સચિવને પણ આ સમગ્ર ઘટનામાં તપાસ કરવાનો પણ આદેશ આપી રહ્યો છું.ઃ મુખ્યમંત્રી
ગોવાહાટી,તા.૨
આસામમાં પૂર પીડિતોને આપવામાં આવનારી રાહત સામગ્રીની ખરીદીમાં કૌભાંડનો મામલો સામે આવ્યો છે. આશ્ચર્યની વાત એ છે કે આ કૌભાંડ પોતે મુખ્યમંત્રી હિમાંતા બિસ્વા સરમાએ પકડ્યું છે. સરકારને રાહત સામગ્રી વેચતા કોન્ટ્રાક્ટરોની અટકાયતના આદેશ આપવામાં આવ્યા છે. સાથે જ અધિક મુખ્ય સચિવને આ સમગ્ર ઘટનાની તપાસ કરવાનો આદેશ આપ્યો છે. રાજ્યમાં પૂરની સ્થિતિ પર, મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ વીડિયો કોન્ફરન્સ દ્વારા પૂરથી પ્રભાવિત દરેક જિલ્લાના ડેપ્યુટી કમિશ્નરોની સાથે વાતચીત કરી. લગભગ અડધો કલાક ચાલેલી મીટિંગ પછી મુખ્યમંત્રીએ બરપેટા જિલ્લાના ડેપ્યુટી કમિશ્નરને બોલાવ્યા.વીડિયો કોન્ફરન્સ દરમિયાન જ હિમંતા બિસ્વા સરમાએ સૌની સામે રાહત કાર્યમાં થઈ રહેલા કૌભાંડનો ભાંડો ફોડ્યો મુખ્યમંત્રીએ જણાવ્યું કે બરપેટામાં બજારથી ઓછા ભાવોમાં રાહતનું અનાજ ખરીદવામાં આવ્યું હોવાની સૂચના મળી છે. અત્યાર સુધી પૂરથી અસરગ્રસ્ત ગ્રામજનોને થોડી જ રાહત સામગ્રી આપીને વધુ બિલ બનાવવામાં આવતું હતું. આ વખતે શહેરી વિસ્તારમાં જ્યારે પાણી ભરાયું અને તેઓને રાહતની જરૂરત હતી, ત્યારે આ કૌભાંડનો ખુલાસો થયો છે. તેમણે અધિકારીઓને કહ્યું, તમે જ્યારે રાહત સામગ્રી ખરીદવા માટે ટેન્ડર મંગાવ્યા તેના પર કેટલાક કોન્ટ્રાક્ટરોએ ચોખા, તેલ જેવી રાહત સામગ્રીઓ પર બજારથી ઓછા ભાવ આપ્યા. હું પોતે જ્યારે બરપેટામાં બારપેટામાં પૂરની સ્થિતિ જાણવા માટે ત્યાં ગયો હતો ત્યારે આ કૌભાંડ વિશે મને ખબર પડી. હું પણ વિચારમાં પડી ગયો કે ઓછા ભાવમાં કઈ રીતે કોઈ સામાન આપી શકે છે ? આ એક કૌભાંડ ગામમાં થયા કરતું હતું. અમને ખબર પડી કે ગામમાં રાહત માટે એક વખતનો સામાન આપીને સાત વખતના સામાનનું બિલ બનાવવામાં આવી રહ્યું છે, કારણકે આ વખતે બરપેટા ગામમાં પણ લોકો પુરથી પ્રભાવિત થયા છે, ત્યારે અમને આ વાત વિશે ખબર પડી. હવે જ્યારે રાહત સામગ્રી ખરીદવાની જરૂરત છે તો તમામ કોન્ટ્રાક્ટરોએ પોતાના ફોન બંધ કરી દીધા છે. હું આ તમામની ધરપકડનો આદેશ આપી રહ્યો છું, હું રાજ્યના અધિક મુખ્ય સચિવને પણ આ સમગ્ર ઘટનામાં તપાસ કરવાનો પણ આદેશ આપી રહ્યો છું. આસામમાં હજુ પણ પૂરથી ૨૬ જિલ્લાઓ પ્રભાવિત છે. આ જિલ્લાઓમાં લગભગ ૩૧ લાખ લોકો આપત્તિની તબાહીનો સામનો કરી રહ્યા છે. અત્યાર સુધીમાં આસામમાં પૂરના કારણે ૧૩૩ લોકોના મોત થઇ ગયા, જ્યારે ૧૮ લોકોના મોત ભૂસ્ખલનને કારણે થયા છે. ફક્ત છેલ્લા ૨૪ કલાકમાં ૧૨ લોકોના મોત થયા છે. વહીવટીતંત્ર તરફથી સ્થિતિમાં સુધારાની વાત પણ કરવામાં આવી રહી છે.