ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

6

NDRFની ટીમોને સૌરાષ્ટ્ર સહિતના ભાગોમાં મોકલાઈ :હવામાન વિભાગે પોરબંદર, ભાવનગર, જૂનાગઢ, જામનગર, વલસાડ, નવસારીમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી
ગાંધીનગર, તા.૩
આખા ગુજરાતમાં ચોમાસું એક્ટિવ થઈ ગયું છે આ સાથે સૌરાષ્ટ્ર તથા ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. જેમાં સુરત, તાપી, નવસારી, દમણ તથા બનાસકાંઠામાં તોફાની વરસાદની આગાહી છે. જ્યારે આ સિવાય આગામી અઠવાડિયાની શરુઆતમાં પણ ભારે વરસાદ રહેવાની આગાહી છે. અંબાલાલ પટેલે આગામી દિવસોમાં રાજ્યમાં અતિભારે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે. તેમણે ભારે વરસાદની સાથે નદી-નાળા છલકાશે તેમ પણ જણાવ્યું છે. ઉપરવાસમાં થનારા ભારે વરસાદના લીધે નર્મદા અને તાપી નદીનું જળસ્તર વધશે તેમ તેઓ જણાવી રહ્યા છે. હવામાન વિભાગે પોરબંદર, ભાવનગર, જૂનાગઢ, જામનગર, વલસાડ, નવસારીમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. આ આગાહીને ધ્યાનમાં રાખીને NDRFની ટીમોને રાજ્યમાં ઉતારવામાં આવી છે. જેમાં રાજ્યના સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ટીમો મોકલવામાં આવી છે. NDRFની ૧૦ ટીકડીઓને હાલ ગુજરાત અને રાજસ્થાનમાં વરસાદની આગાહીને જોતા ઉતારવામાં આવી છે, જેમાંથી વડોરાથી ૫ ટીમોને અલગ-અલગ જગ્યાઓ પર રવાના કરવામાં આવી છે, ત્રણ ટીમો રાજકોટ જ્યારે એક ટીમ સુરત મોકલવામાં આવી છે. આ સિવાય એક ટીમને બનાસકાંઠા મોકલવામાં આવી છે. આ પહેલાથી ગીર સોમનાથ, નવસારી અને આણંદમાં એક-એક ટીમ રવાના કરવામાં આવી હતી. ભારે વરસાદ અને પૂર જેવી સ્થિતમાં સ્થાનિકોને મદદરૂપ થઈ શકે તે માટે આ ટીમોને અત્યાધુનિક સાધનો સાથે ડિપ્લોટ કરવામાં આવી છે. આ ટીમોને અલગ-અલગ જગ્યા પર મૂકવામાં આવી છે અને રાજ્ય સરકારના આદેશના આધારે ટીમો કામગીરી કરશે. હવામાનની ખાનગી વેબસાઈટ વિન્ડીની આગાહી પ્રમાણે અમદાવાદ શહેર સહિત રાજ્યના મધ્યભાગમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. આ પછી એટલે કે ૧૦ તારીખની આસપાસ અમદાવાદ સહિત રાજ્યભારમાં ભારે વરસાદ થવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.રાજ્યના ઘણાં ભાગોમાં અતિભારે વરસાદ થવાની સંભાવના છે, અમદાવાદના કેટલાક ભાગોમાં હજુ ઓછો વરસાદ રહેશે. પરંતુ ધીમે-ધીમે વરસાદનું જોર વધી રહ્યું છે. વરસાદની વધુ એક સિસ્ટમ સક્રિય થતા આગામી તારીખ ૧૦-૧૫ જુલાઈ વચ્ચે ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના છે. જેમાં આણંદ, વડોદરા, અમદાવાદ, દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ થશે. ૧૦-૧૫ તારીખ દરમિયાન કચ્છમાં અતિભારે વરસાદની આગાહી છે. આ ભારે વરસાદના લીધે નદી, નાળા છલકાશે તેવી પણ સંભાવના અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. ભારે વરસાદના કારણે નર્મદા અને તાપી નદીના જળસ્તરમાં વધારો થશે તેવું અંબાલાલ પટેલ જણાવી રહ્યા છે.

Previous articleબિહારમાં વરસાદી ઘટનાઓમાં ૧૯નાં મોત, આસામમાં સ્થિતિ વધુ વણસી, લોકો પરેશાન
Next articleહત્યા કેસનો આરોપી ટ્રેનિંગ માટે પાકિસ્તાન ગયો હતો