ડાન્સ રિયાલિટી શો ઝલક દિખલા જા માધુરી જજ કરશે

2

મુંબઈ, તા.૪
સેલિબ્રિટી ડાન્સ રિયાલિટી શો ઝલક દિખલા જા આશરે પાંચ વર્ષ બાદ સ્મોલ સ્ક્રીન પર કમબેક કરવાનો છે. શોની આગામી સીઝનમાં જજ તરીકે કાજોલ ખુરશી સંભાળશે તેવી ચર્ચા થઈ રહી હતી અને તે ટીવી પર જોવા માટે ચાહકો પણ આતુર હતા. જો કે, લેટેસ્ટ ખબર પ્રમાણે કાજોલ સપ્ટેમ્બરથી શરૂ થવા જઈ રહેલા ’ઝલક દિખલા જા ૧૦’નો ભાગ બનવાની નથી. કાજોલના સ્થાને માધુરી દીક્ષિતનું નામ ફાઈનલ થયું છે. શું કાજોલે કોઈ કારણથી શો કરવાની ના પાડી? લાગે છે તો તેવું જ. જણાવી દઈએ કે, ’જલક દિખલા જા’ની નવમી સીઝન વર્ષ ૨૦૧૭માં આવી હતી. વર્ષ ૨૦૧૪ સુધી માધુરી દીક્ષિત ડાન્સ રિયાલિટી શોનો ભાગ હતી, ત્યારબાદ શાહિદ કપૂર અને જેક્લીન ફર્નાન્ડિસ જજ તરીકે દેખાયા હતા. પરંતુ આ સીઝનમાં હવે શાહિદ કે જેક્લીન પણ નહીં જોવા મળે. માધુરી દીક્ષિત સાથેની ડીલ થોડા દિવસ પહેલા જ ફાઈનલ થઈ હોવાનું જાણવા મળ્યું છે. ’તેના માટે, ઘરે પરત આવવા જેવું છે. તેણે જેટલી પણ સીઝન જજ કરી તેને પૂરતો ન્યાય આપ્યો હતો અને સારું કામ કર્યું હતું. આ વખતે પણ અપવાદ નહીં બને તેવી આશા રાખવામાં આવી રહી છે. જજ તરીકે કાજોલને જોવી પણ એટલું જ રોમાંચક રહ્યું હોત, પરંતુ કેટલીક બાબતો તમે ધારો છે તે પ્રમાણે થતી નથી. ’ઝલક દિખલા જા’માં ડ્રામા શરૂ થવા તરફ અમે જોઈ રહ્યા છીએ. હજી બે મહિનાની વાર છે’, તેમ સૂત્રોએ જણાવ્યું હતું. આ ડાન્સ રિયાલિટી શો નેશનલ ટેલિવિઝન પર ઘણો પોપ્યુલર રહ્યો છે. માધુરી દીક્ષિતની એન્ટ્રીથી ક્રૂ પણ ઉત્સાહિત છે અને શોની તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે. વર્ક ફ્રંટની વાત કરીએ તો, માધુરી દીક્ષિત ખૂબ જલ્દી ફિલ્મ ’મેરે પાસ મા હૈ’માં જોવા મળશે. જેનું મોટાભાગનું શૂટિંગ તેણે ગુજરાતમાં કર્યું હતું. છેલ્લે તે ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થયેલી સીરિઝ ’ફેમ ગેમ’માં જોવા મળી હતી. બીજી તરફ કાજોલની વાત કરીએ તો, તે ૨૦૨૦માં રિલીઝ થયેલી ફિલ્મ ’તાન્હાજીઃ ધ અનસંગ વોરિયર’માં અજય દેવગણ અને સૈફ અલી ખાન સાથે દેખાઈ હતી. જેમાં તેણે સાવિત્રીબાઈનું પાત્ર ભજવ્યું હતું.