બાળકોમાં લોકશાહીના મૂલ્યો દ્રઢ કરવાનો પાલિતાણાની પાડેરીયા પ્રાથમિક શાળાનો પ્રયાસ

10

ચૂંટણી પ્રક્રિયાને ઘર આંગણે સમજાવવાનો એક નાનકડો પ્રયાસ
ભારત એ વિશ્વમાં સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ છે. ભારતના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ તાજેતરમાં જી-૭ દેશોના યોજાયેલા સંમેલનમાં ભારતની પુખ્ત લોકશાહી અને તેનાં પરિણામો વિશે વાત કરી હતી તે દર્શાવે છે કે, લોકશાહીનું જગતમાં કેટલું મહત્વ છે. જે દેશોમાં લોકશાહી નથી તે દેશોમાં નાગરિકોની શું હાલત છે તે દેશના નાગરિકને જઇને પૂછવું પડે. લોકશાહીમાં જે મુક્તતા અને આઝાદી છે તેવી કોઇ પણ પ્રકારની રાજ્ય વ્યવસ્થામાં નથી. તેના મૂળમાં ભારત એ યુવાનોની સૌથી વધુ વસતી ધરાવતો દેશ છે. આ યુવાનોને યુવાવસ્થામાં જ લોકશાહીના મૂલ્યો શીખે તે માટે ભાવનગરની પાલિતાણાની પાડેરીયા પ્રાથમિક શાળામાં ચૂંટણી પ્રક્રિયા સમજવાં માટે મોક સંસદનું આયોજન કરવામાં આવ્યું હતું. લોકશાહીના મૂલ્યોને દ્રઢ કરવા માટે અને ભારતીય લોકશાહીને વધુ મજબૂત બનાવવાં માટે આ માટેની ચૂંટણીનું આયોજન શાળામાં કરવામાં આવ્યું હતું.બાળકોમાં નેતૃત્વના ગુણો કેળવાય અને તેની સમજ બાલ્યાવસ્થાથી જ મળે તે માટે શાળામાં તેનું આયોજન કરવામાં આવ્યું હતું.આવનાર સમયમાં આ યુવાનો મોટા થઇને લોકશાહીની પ્રક્રિયામાં સક્રિય રીતે સહભાગી બને તથા સફળ અને સબળ નેતૃત્વ લે તે માટે આવી મોક સંસદ તથા મોક ચૂંટણી ઉપયુક્ત બને છે. પાડેરીયા પ્રાથમિક શાળાનું આ કાર્ય સરાહનીય છે ત્યારે તેમાં સહભાગી થનાર વિદ્યાર્થીઓને શાળાના આચાર્યશ્રી શ્રી ટી. બી.ગોહિલે અભિનંદન પાઠવ્યાં હતાં.
શાળામાં બાળસાંસદની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તમામ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈ મતદાનનો બેલેટ પેપર દ્વારા પ્રત્યક્ષ અનુભવ કર્યો હતો. ચૂંટણી પ્રક્રિયાને ઘર આંગણે સમજાવવાનો એક નાનકડો પ્રયાસ પાડેરીયા શાળા દ્વારા કરવામાં આવ્યો હતો. આમ, શાળા કક્ષાએથી જ ભારતીય લોકશાળીના મૂળીયા મજબૂત કરવામાં આવી રહ્યાં છે. તેવાં સમયે ભારત જ આગામી સમયમાં વિશ્વગુરુના પદે બિરાજીને શાશન કરશે તેમાં બેમત નથી…