શેત્રુંજી ડેમમાં ૪ ઇંચ નવા નીર આવ્યા, સપાટી ૨૩.૫ ફૂટ થઈ

9

સ્ત્રાવ વિસ્તારમાં પોણા બે ઇંચ તેમજ અમરેલી પંથકમાં સારા વરસાદથી ધસમસતી આવક : ગોહિલવાડના ૧૭ ડેમના સ્ત્રાવ વિસ્તારમાં ઝાપટાથી લઈ સાડા ચાર ઇંચ સુધીનો વરસાદ
ભાવનગર શહેરની જીવાદોરી પાલીતાણાના શેત્રુંજી ડેમમાં ૪ ઇંચ નવા નીર આવ્યા હતા. ગત સાંજે ૬ વાગ્યે પાણીની ધસમસતી આવક શરૂ થઈ હતી જે આજે સવારે ૧૦ વાગે બંધ થઈ છે. દરમિયાનમાં સપાટી ૨૩.૦૧ ફૂટથી વધીને ૨૩.૦૫ ફૂટ પર પહોંચી છે. ડેમના સ્ત્રાવ વિસ્તારમાં ગઈકાલે પોણા બે ઇંચ વરસાદ પડેલ તેમજ અમરેલી પંથકમાં પણ સારો વરસાદ પડતાં શેત્રુંજી નદી બે કાંઠે વહી હતી અને ડેમમાં નવા નીર આવ્યા હતા. શેત્રુંજી ડેમ ઉપરાંત ભાવનગર અને બોટાદ જિલ્લાના ૧૬ ડેમ વિસ્તારમાં ગુરૂવારે ઝાપટાથી લઈ સાડા ચાર ઇંચ સુધી વરસાદ વરસ્યો હતો. ભાવનગર જિલ્લાના બગડ ડેમમાં સાડા ચાર, હમીરપરામાં બે ઇંચ વરસાદ વરસ્યો હતો. બોટાદના ખાંભડા ડેમમાં સાડા ચાર ઇંચ, ઉતાવળ ડેમમાં સવા ચાર ઇંચ, કાનીયાડ ડેમમાં પોણા બે ઇંચ વરસાદ પડયો હતો. મેઘરાજા ગુરૂવારે પણ ડેમ વિસ્તારમાં વરસ્યા હતા, જેમાં બગડ ડેમમાં ૧૧૮ મીલીમીટર, હમીરપરા ડેમમાં પર મીમી, શેત્રુંજી ડેમમાં ૪પ મીમી, રજાવળ ડેમમાં ૧પ મીમી, ખારો ડેમમાં ૧૯ મીમી, માલણ ડેમમાં ર૦ મીમી, હણોલ ડેમમાં ૧૦ મીમી, પીંગળી ડેમમાં ર૯ મીમી, રોજકી ડેમમાં ર૬ મીમી અને જસપરા ડેમમાં ૮ મીમી વરસાદ પડયો હતો. રપ મીલીમીટરે એક ઇંચ વરસાદ ગણવામાં આવે છે. જિલ્લાના કેટલાક ડેમમાં પાણીની આવક શરૂ થઈ હતી, જેમાં શેત્રુંજી ડેમમાં ર૦૩૦ કયુસેક, માલણ ડેમમાં ૧૭૩ કયુસેક, લાખણકા ડેમમાં ૧૩૮ કયુસેક, બગડ ડેમમાં ૩૯૦૦ કયુસેક પાણીની આવક-જાવક, રોજકી ડેમમાં ૯૧૬ કયુસેક પાણીની આવક શરૂ હતી. બોટાદ જિલ્લાના ૬ ડેમમાં વરસાદ હતો, જેમાં ખાંભડા ડેમમાં ૧૧પ મીમી, ઉતાવળી ડેમમાં ૧૧૦ મીમી, કાનીયાડ ડેમમાં ૪પ મીમી, માલપરા ડેમમાં ૧પ મીમી, લીંબાળી ડેમમાં ૧૦ મીમી અને સુખભાદર ડેમમાં ૧પ મીમી વરસાદ નોંધાયો હતો. ખાંભડા ડેમમાં ૭૮૭ કયુસેક પાણીની આવક શરૂ હતી. ઉતાવળી ડેમમાં ૩૯ર૩ કયુસેક પાણીની આવક હતી પરંતુ ત્યારબાદ આવક ઘટી ગઈ હતી અને સાંજના સમયે પાણીની આવક બંધ થઈ ગઈ હતી.