બોરતળાવમાં ૨૪ કલાકમાં ૧ ફૂટ પાણી આવ્યું

7

ઉપરવાસમાં સારા વરસાદના પગલે ભીકડા કેનાલ બે કાંઠે ૬ ફુટના ફ્લોથી વહેતી થતા નોંધપાત્ર આવક થઈ
ભાવનગર શહેરમાં ગાજયા મેઘ વરસ્યા નહિ પરંતુ બોરતળાવના સ્ત્રાવ વિસ્તારમાં કાલે સારો વરસાદ પડી જતા સીઝનમાં પ્રથમ વાર બોરતળાવમાં આવક થઈ છે, ઉપરવાસના ગામોમાં આજે એકથી બે ઇંચ જેટલો વરસાદ વરસતા ભીકડા કેનાલ બે કાંઠે વહેતી થઈ હતી. ભીકડા કેનાલમાં બપોરે છ ફુટ લેવલે પાણી વહેતું હતું જેને કારણે બોરતળાવમાં સાંજ સુધીમાં જ ૧૦ ઈંચ સપાટીમાં વધારો થયો હતો. જ્યારે રાત ભર ધીમી આવકના પગલે સપાટીમાં કુલ ૧ ફૂટનો વધારો નોંધાયો છે અને હવે સવારે આવક બંધ થઈ છે. બોરતળાવના કેચમેન્ટ એરિયાના ગામો જેવાકે, નાના અને મોટા ખોખરા, ખરકડી, પાલડી, સમઢીયાળા, શામપરા, કણકોટ સહિતના ગામોમાં પણ દોઢથી બે ઇંચ જેટલો વરસાદ વરસી ગયો હતો. એ વરસાદી પાણીથી સીધુ જ ભીકડા હેડવર્ક અને તેમાંથી ભીકડા કેનાલ મારફતે બોરતળાવ પહોંચ્યું હતું. ભીકડા કેનાલ બપોર બાદ છ ફૂટ લેવલે વહેતી થઈ હતી. બોરતળાવ સવારે ૩૨.૯ ફુટની સપાટી હતી. પરંતુ ભીકડા કેનાલ મારફત બોરતળાવમાં સાંજે ૬ વાગ્યા પછી પાણી આવતા ૧૦ ઈંચના વધારા સાથે રાત્રે ૯ કલાકની સ્થિતિએ ૩૩.૪ ફૂટ સપાટી થઈ હતી. અને બોરતળાવમાં સતત આવક શરૂ રહી હતી આથી આજે શુક્રવારે સવારે સપાટી એક ફૂટ વધી હતી જ્યારે ભાવનગર મહાનગરપાલિકા હસ્તકનાં ખોડિયાર તળાવમાં જાળીયા નદી મારફત પાણીની આવક શરૂ થતા સાંજનાં ૭.૩૦ કલાક ની સ્થિતિએ ખોડિયાર તળાવની સપાટીમાં પણ ૭ ઇંચનો વધારો થયો હોવાનું વોટર વર્કસ ઈજનેર દેવમુરારીએ જણાવ્યું હતું.