બુધવારે પવિત્ર બગદાણા ધામમાં ખાતે લાખ્ખો ભાવિકોની હાજરીમાં થશે ગુરૂપૂર્ણિમાં ઉજવણી

8

લાખો ભાવિક ભક્તજનોના આસ્થાના કેન્દ્ર સમા સંત પૂજ્ય બજરંગદાસ બાપાની તપોભૂમિ બગદાણા ખાતે આગામી તા.૧૩ ને બુધવારના રોજ ગુરુપૂર્ણિમા મહોત્સવ ભવ્ય અને દિવ્ય રીતે ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું છે. ગુરુ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાના ગુરુપૂર્ણિમાના આ ધન્ય અવસરે મોટી સંખ્યામાં ભાવિક ભક્તજનો બગદાણા ખાતે ઉપસ્થિત રહેવાના હોય આગોતરા આયોજન માટે છેલ્લા ઘણા દિવસોથી બગદાણાના ગુરુ આશ્રમ મધ્યે પૂર્વ તૈયારીઓ, કામગીરીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. આ મસ મોટા આયોજન અને તેની તૈયારીઓને પહોંચી વળવા બેઠકોનો દોર પણ શરૂ રહ્યો છે… સમગ્ર ટ્રસ્ટીમંડળની દેખરેખ અને માર્ગદર્શન નીચે આ કાર્યક્રમને આખરી ઓપ અપાઈ રહ્યો છે.

સમગ્ર આયોજન અને સુચારું સંચાલન માટે દર્શન વિભાગ, આરતી, મંદિર પરિસર, ભોજન પ્રસાદ,ચા-પાણી,સફાઈ, પાર્કિંગ તેમજ સુરક્ષા સહિતની ડઝનબદ્ધ કમિટીઓ ની રચના કરવામાં આવી છે.રામ, રોટલો અને રાષ્ટ્રભક્તિને વરેલા પૂજ્ય બાપાના હજારો ચુનંદા અને તાલીમ બદ્ધ સ્વયંસેવકો દિવસ-રાત ખડે પગે સેવા આપશે. આ સિવાય અહીં સરકારશ્રીના અલગ અલગ વિભાગો સાથે પણ સંકલન કરી દર્શનાર્થી યાત્રાળુઓને અગવડ ના પડે તેવા આગોતરા આયોજન સાથે કાર્ય સંકલન કરવામાં આવી રહ્યું છે. અષાઢી પૂર્ણિમા એટલે કે તારીખ ૧૩ ને બુધવારના રોજ ગુરુઆશ્રમ (બાપાની મઢી)બગદાણા ખાતે આ પાવન દિવસના કાર્યકર્મોની ઘોષણા કરવામાં આવી છે. જે મુજબ વહેલી સવારના ૫ કલાકે મંગળા આરતી, ધ્વજા ભોજન સવારે ૭ કલાકે,ધ્વજા રોહણ સવારે ૭ઃ૩૦ કલાકે, મહિમા પૂર્ણ ગુરુપૂજન સવારે ૮ઃ૩૦ કલાકથી તેમજ ભોજન પ્રસાદ વિતરણ સવારના ૧૦ કલાકથી અવિરત પણે શરૂ રહેશે. ઉલ્લેખની છે કે બગદાણા ખાતેના બાપા ના ધામમાં પ્રતિવર્ષ ગુરુપૂર્ણિમા તેમજ બાપાની પુણ્યતિથિ મહોત્સવ (પોષ વદ ચોથ) ની ઉજવણી ખૂબ ધામધૂમથી સંપન્ન થાય છે. ગત વર્ષના કોરોના કાળને લીધે આ મહોત્સવોની ઉજવણી શક્ય બની ન હતી ત્યારે ચાલુ વર્ષે ગુરુપૂર્ણિમા મહોત્સવનું ભાવભર આયોજન થઈ રહ્યું છે જેથી બાપાના ભક્તોમાં ખૂબ જ આનંદ અને ઉત્સાહનું વાતાવરણ જોવા મળે છે.આ પ્રસંગમાં પણ મોટી સંખ્યામાં માનવ મેરામણ બગદાણા ધામ ખાતે ઉપસ્થિત રહીને ગુરુપૂર્ણિમા મહોત્સવ ની ઉજવણી ના સાક્ષી બનશે…!!