ભાજપના જ સદસ્ય તેમના વિસ્તારના પ્રશ્નને લઈને જિલ્લા પંચાયતની સાધારણ સભામાં શાકભાજી લઈને ખેડૂતોની વેદના ઠાલવી

19

કોંગ્રેસ અને ભાજપ બંનેના સદસ્યો દ્વારા કેટલાક સવાલો કરવામાં આવ્યા હતા
ભાવનગર જિલ્લા પંચાયતની સામાન્ય સભાની બેઠક આજે જિલ્લા પંચાયત કચેરી ખાતે મળી હતી, જેમાં વિવિધ છ જેટલા કાર્યોસૂચિ ઉપર ચર્ચાઓ કરવામાં આવી હતી, તેમજ પ્રશ્નોત્તરી કાળ દરમિયાન કોંગ્રેસ અને ભાજપ બંનેના સદસ્યો દ્વારા કેટલાક સવાલો કરવામાં આવ્યા હતા જે બાબતે જિલ્લા પંચાયત પ્રમુખ કે અધિકારીઓ જવાબ આપવામાં ટલ્લે ચડ્યા હતા, જો કે ભાજપના જ સદસ્ય તેમના વિસ્તારના પ્રશ્નને લઈને સાધારણ સભામાં શાકભાજી લઈને આવ્યા હતા.ભાવનગર જિલ્લા પંચાયતની સાધારણ સભા આજે જિલ્લા પંચાયત કચેરી ખાતે જિલ્લા પંચાયતના પ્રમુખ ભરતસિંહ ગોહિલની અધ્યક્ષતામાં મળી હતી જેમાં જિલ્લાની વિવિધ બેઠકોના સદસ્યો તેમજ સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા, આ બેઠકમાં છ જેટલા મુદાઓ ઉપર ચર્ચા વિચારણાઓ કરવામાં આવી હતી, તેમજ અધ્યક્ષ સ્થાનેથી બે ઠરાવો રજૂ કરવામાં આવ્યા હતા, પ્રશ્નોત્તરી કાળ દરમિયાન વરતેજ બેઠકના બળદેવ સોલંકી દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નમાં વિસંગતતા ઊભી થાય તેવા જવાબો અપાતા તેમણે તેની સામે સવાલો ઉઠાવ્યા હતા. વેક્સિનેશન બાબતે તેમણે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે એક જ દિવસમાં ૫૫ હજાર જેટલા લોકોને કઈ રીતે વેક્સિનેશન આપી શકાય ? વેકસીનેશની કામગીરી ઓર સવાલ ઉઠાવતા તેમને સભામાં જણાવ્યું હતું કે એક જ મોબાઈલ નંબર થી અલગ અલગ અટક ધરાવતા તેમજ અલગ અલગ ધર્મના લોકોને વેક્સિનેશન અંગેનું રજીસ્ટ્રેશન કઈ રીતે શક્ય બને…? સમગ્ર વેક્સિનેશનમાં કંઈક ખોટું થયું હોવાના આક્ષેપ વડાપ્રધાનના નામ સાથે કરતા હોબાળો થયો હતો.જ્યારે જિલ્લામાં એકમાત્ર આમ આદમી પાર્ટીમાંથી ચૂંટાયેલા લાલુબેન ચૌહાણ માંગેલી માહિતી અનુસાર ભાવનગર જિલ્લામાં પંચાયત હસ્તકની શાળાઓમાં હાલ ૯૦૦ જેટલા ઓરડાની ઘટ જોવા મળી રહી હોવાનું સામે આવ્યું હતું, તેમણે મીડિયા સમક્ષ માહિતી આપતા જણાવ્યું હતું કે તેમના જ વિસ્તારમાં હાલ બાળકો અભ્યાસની જગ્યાએ શાળાની ઓરડીમાં સ્વિમિંગ પૂલમાં નાહવા જતા હોય તેવી પરિસ્થિતિ સર્જાય છે.જ્યારે ભારતીય જનતા પાર્ટી એટલે કે શાસક પક્ષના જ તળાજા વિસ્તારના સદસ્યએ તેમની રજૂઆત મુદ્દે તળાજાના ગોરખી ગામમાં થતા પ્રખ્યાત રીંગણા અને કાકડી લઈ સભામાં આવ્યા હતા. તેમણે અધિકારીઓ અને આ શાકભાજી બતાવી અને કહ્યું હતું કે તેમના વિસ્તારમાં જો દરિયાના ખારાશ ને આગળ વધતી અટકાવવામાં નહીં આવે તો આવનારા સમયમાં તેમના પંથકની આ પ્રખ્યાત શાકભાજી નાશ પામી જશે, તેમના વિસ્તારમાં થયેલા ચેક ડેમો અંગે માગેલી માહિતીમાં પૂરતી માહિતી ન મળતા તેમને અસંતોષ વ્યક્ત કર્યો હતો. તેમજ તેમના વિસ્તારના સરતાનપર બંધારો તાત્કાલિક બનાવવામાં આવે તો દરિયાની ખારાશ આગળ વધતી અટકાવી શકાય તેમ જણાવ્યું હતું. જો કે જિલ્લા પંચાયતની આજની આ સાધારણ સભામાં મહુવાના ધારાસભ્ય અને રાજ્યકક્ષાના મંત્રી આર.સી મકવાણા પણ ઉપસ્થિત રહેતા તમામે તેમને આવકાર્યા હતા જ્યારે કોંગ્રેસના સદસ્યોએ સભામાં રજૂ થયેલા પ્રશ્નો અંગે સરકારમાં ધ્યાન દોરવા મીઠી ટકોર કરી હતી.

Previous articleપેટ્રોલ પંપ પર ટુ વ્હીલર ગાડીમાં આગ લાગતા કર્મચારીની સુઝબોજથી મોટી દુર્ઘટના ટળી
Next articleકનિષ્કા સોની હોલિવુડના પ્રોજેક્ટમાં કરશે કામ