ગુજરાતમાં સીઝનનો ૨૩.૪૯% વરસાદ નોંધાયો

4

અનેક જળાશયોમાં નવા નીર આવ્યા છે, સાર્વત્રિક મેઘમહેર થતાં હવે રાજ્યમાં ચોમાસું બરાબર જામ્યું છે તેમ કહી શકાય
અમદાવાદ,તા.૯
ગુજરાતમાં ચાલુ સપ્તાહે મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. છેલ્લા થોડા દિવસોથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં તો મેઘ મહેર હતી જ પરંતુ અમદાવાદીઓ કાગડોળે ધમધોકાર વરસાદની રાહ જોઈ રહ્યા હતા. છૂટાછવાયા અને હળવા વરસાદ બાદ શુક્રવારે મેઘરાજાએ અમદાવાદ પર પણ મહેર કરી હતી. એમાંય ઉસ્માનપુરામાં રેકોર્ડ ૯ ઈંચ વરસાદ વરસ્યો હતો જ્યારે રખિયાલના ચકુડિયામાં ૬ ઈંચ વરસાદ નોંધાયો હતો. એકદંરે શુક્રવારે ગુજરાતમાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી હતી. શુક્રવારે ૨૦૨ તાલુકામાં અતિભારેથી સામાન્ય વરસાદ થતાં સીઝનનો સરેરાશ ૨૩.૪૯ ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. ૨૦૨માંથી ૧૦૨ તાલુકામાં એક ઈંચ કે તેનાથી વધુ વરસાદ પડ્યો હોવાનું જાણવા મળ્યું છે. છેલ્લા કેટલાક વર્ષોથી વરસાદની પેટર્ન બદલાઈ છે. રાજ્યના પાંચ ઝોનમાંથી ૩૩.૩૬ ટકા વરસાદ સાથે કચ્છ વિસ્તાર સૌથી આગળ છે. દક્ષિણ ગુજરાતમાં વરસાદનું મહત્તમ જોર જોવા મળ્યું હતું. શુક્રવારે સૌથી વધુ વરસાદ પડ્યો હોય તેવા ૧૦ તાલુકામાંથી ૯ તો દક્ષિણ ગુજરાતના છે. વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં સૌથી વધુ ૮ ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે કચ્છના નખત્રાણામાં સવા ચાર ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. સૌરાષ્ટ્રના અનેક તાલુકામાં ભારે વરસાદને લીધે નાની-નાની નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. અનેક જળાશયોમાં નવા નીર આવ્યા છે. સાર્વત્રિક મેઘમહેર થતાં હવે રાજ્યમાં ચોમાસું બરાબર જામ્યું છે તેમ કહી શકાય. રાજ્યમાં અત્યાર સુધીમાં સીઝનનો કુલ સરેરાશ ૨૩.૪૯ ટકા વરસાદ નોંધાયો છે. જેમાંથી વિવિધ વિસ્તારોની વાત કરીએ તો, કચ્છમાં સૌથી વધુ ૩૩.૩૬ ટકા, દક્ષિણ ગુજરાતમાં ૨૫.૬૪ ટકા, સૌરાષ્ટ્રમાં ૨૧.૨૬ ટકા, ઉત્તર ગુજરાતમાં ૧૬.૯૩ ટકા, પૂર્વ-મધ્ય ગુજરાતમાં ૧૩.૬૮ ટકા વરસાદ નોંધાયો છે. પ્રાપ્ત આંકડા અનુસાર, ગુજરાતમાં કુલ ૧૯૯.૬૭ મીમી વરસાદ વરસ્યો છે. જૂન મહિના દરમિયાન ૬૪.૨૨ મીમી વરસાદ નોંધાયો હતો જ્યારે જુલાઈના પહેલા આઠ દિવસમાં જ ૧૩૫ મીમી જેટલો વરસાદ પડી ગયો છે. રાજ્યમાં ૨૦ ઈંચ કરતાં વધુ વરસાદ નોંધાયો હોય તેવા ૧૯ તાલુકા છે જ્યારે બે ઈંચ જેટલો જ વરસાદ થયો હોય તેવા ૧૬ તાલુકા છે. ૨૫૧ તાલુકામાંથી ૨૦૨ તાલુકામાં મેઘરાજાની સવારી પહોંચી ચૂકી છે. રાજ્યમાં આગામી પાંચ દિવસ પણ ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ૯થી૧૩ જુલાઈ સુધી ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની વકી છે. ૈંસ્ડ્ઢ ગુજરાત પર આપવામાં આવેલી માહિતી અનુસાર ૯ જુલાઈએ કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા, જુનાગઢ, સુરત, નવસારી અને વલસાડમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. એટલે કે, આ જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી છે. જેને પગલે દ્ગડ્ઢઇહ્લ અને જીડ્ઢઇહ્લની ટીમોને તૈનાત કરી દેવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.