બુલેટ ટ્રેનમાં પંકચર?? (બખડ જંતર)

2

ગિરધરભાઇ. સાઇકલમાં પંકચર પડે” રાજુ રદી આટલું બોલી અટલ બિહારી વાજપાઇની માફક અટકી ગયો.
“ હમ્” કહીને હું મનમોહનસિંહ થઇ ગયો.
“સ્કૂટરમાં પંકચર પડે” આર અશ્વિનની જેમ રાજુએ બીજી ગુગલી ફેંકી.
“ હમ્” મેં ક્રિકેટની કોપી બુક સ્ટાઇલ મુજબ એકનાથ સોલ્કર જેવું પુશ કર્યું( એકનાથ શિંદે કોણ બોલ્યું? એ તો માસ્ટર બ્લાસ્ટર સચિન તેડુંલકરના તમામ વિક્રમો તોડવાની ક્ષમતા ધરાવે છે. કિપ ઇટ! )
“ કારમાં પંકચર પડે” શોએબ અખ્તર જેવો બાઉન્સર રાજુએ ફેંકયો.
“ હમ્” મેં યુનિવર્સલ બોસ ક્રિસ ગેઇલની જેમ સ્ટેડિયમમાં પડે તેવી સિકસર લગાવી.
“ ટ્રંકમાં પંકચર પપ..” રાજુએ છેત્રીપાલની જેમ સવાલના બોલને કીક મારી.
“હમ્” મેં ગોલકિપરની જેમ બોલ નેટમાં જાય તે પહેલાં રોકી લીધો.
“વિમાનમાં પંકચર પપપ..” રાજુએ યોકોવિચની માફક પાવરફૂલ પ્રશ્રનો સર્વિસ કરી.“ હમ્”મેં નાડાલની જેમ સર્વિસ રિટર્ન કરી.
“ ટ્રેનમાં પ.,,,,,,,,”રાજુ આગળ બોલે તે પહેલાં જેમ ફૂટબોલમાં રેફરી ડિફેન્ડરને અટકાવે તેમ રાજુને અટકાવ્યો.
“ ભાઇ તારો પ્રોબ્લેમ શું છે? સવાર સવારમાં ઘરે ચા મળી નથી અને શું કામ મગજની નસો ખેંચે છે ?? હવે મારા મગજમાં જેમ ચોમાસામાં રસ્તા પર ભૂવા પડે કે કેનાલમાં ગાબડું પડે તેમ મારા મગજમાં પાંચસો પંકચર પડયા છે!!” હું રાજુ પર અકળાયો.વાહનોમાં પંકચર પડે અને તેને ઠીક કરવાવાળો ટયુબમાં હવા ભરી પાણી ભરેલા તગારામાં ટયુબ નાંખી કયાંથી હવા નીકળે છે તેનો ક્યાસ મેળવતો. પછી ટયુબનો વાલ્વ ઢીલો કરતો. ટયુબમાં ભરાયેલી હવા ફૂસ કરીને બહાર નીકળતી. પછી ટયુબમાં જયાં છિદ્ર પડેલ હોય તે જગ્યાએ બોલપેનથી રાઉન્ડ કરતો. પછી ખમણી જેવા અણિયાળા ભાગ કે લાકડાના ટુકડા પર ચોંટાડેલ હોય તેનાથી પંકચરવાળો ભાગ ઘસી નાંખે . પછી પીળા રંગની ટયૂબનું કાળું ઢાંકણ ખોલી લાલ રંગનું સોલ્યુશન ટયુબ પર અને બીજી નકામી ટયૂબમાંથી નાના ગોળાકાર કે ચોરસ ટુકડો કાપીને પંકચર રીપેર કરવા માટે વાપરવાનો હોય તેના પર લગાવે . પછી બંનેને ચોંટાડી દે. પછી લાકડાંથી ફટકારે. ટયુબન વાલ્વ ટાઇટ કરે. ટયુબમાં પંપથી હવા ભરે. ટયુબ પાછી પાણી ભરેલી તગારામાં નાંખી ચેક કરી બીજા પંકચર ન હોય તો ટયુબ ટાયરમાં લગાવે. આને કાચું પંકચર કહે છે. પછી મશીનમાં પાકા પંકચર આવ્યા. હવે ટયુબલેસ ટાયર આવે છે. પંકચરરીપેર કરવા માટે સોલ્યુશનવાળી કાળા ગોળ નાના પટીઓ આવે છે તેને પિકચરવાળા ભાગ પર લગાવી દો એટલે કામ પત્યું. હવે ટાયરમાં હવા ભરી મોટો સૂયો સોલ્યુશનની પાતળી પેસ્ટ સાથે ટાયરમાં ભચ કરીને ખોસી દો એટલે પંકચર આપોઆપ સંધાઈ જાય.દેશની એકતામાં ઉન્માદના પંકચરો પડે છે તેને સાંધવા માટે સૌહાર્દનું સોલ્યુશન મળતું નથી એ દુર્ભાગ્યની બાબત છે!!!!
આપણે નવા ભારતના નિર્માણના પંથે છીએ. રેલવેની સુધારણા, અપગ્રેડેશનના ભાગરૂપે નાનક રહિત ફાટકો, ટ્રાફિકનું ભારણ ઓછું કરવા રેલવે ઓવરબ્રિજ, રેલવેની નફાકારકતા વધારવા રેલવે રૂટ, સ્ટેશનો વેંચવા વગેરે પગલા લઇ રહ્યા છે!
છેલ્લે અમદાવાદ-મુંબઇ વચ્ચે હાઇસ્પીડ રેલવે એટલે કે બુલેટ ટ્રેન શરૂં કરવા આપણે જાપાન સાથે કરાર કર્યા. અલબત, જાપાનમાં બુલેટ ટ્રેનથી અપડેટેડ ટ્રેન ચાલે છે તે વાત જુદી છે. પ્રારંભિક તબક્કે લગભગ એક લાખ કરોડ રૂપિયાનો ખર્ચ છે. જે વધીને બે લાખ કરોડ થઇ શકે છે. આટલા રૂપિયામાં રેલવેનું આધુનિકીકરણ થઇ શકે તેવી બુલેટ ટ્રેનના વિરોધીઓ કહે છે. આપણે હાથીની જેમ ભસતા શ્વાનને અવગણવા એમ રાજુ રદી કહે છે!!!બુલેટ ટ્રેન ૨૦૨૬ સુધીમાં કાર્યરત થઇ જશે!
આમ તો બુલેટ ટ્રેન એ અગ્નિપથ બનતો રહ્યો છે( ખબરદાર કોઈએ અગ્નિવીરની વાત કરી છે!! બે લાખ અરજી મળી છે તે આનંદોત્સવનો વિષય છે!!!) ખડૂતોએ ચીકુની વાડી જેવી જમીનો આપવાનો વિરોધ કર્યો. ચીકુની વાડી તો કચ્છના રણમાં બનશે પણ બુલેટ ટ્રેનનો રુટ કચ્છમાં થોડો લઇ જવાય. બુલેટ ટ્રેન વહીં બનાયેંગે!! આ આપણો નારો છે.હવે એક બાબુએ મામૂલી નાણાકીય ઇઘરઉઘર કરી છે. જયાં ધુમાડો હોય ત્યાં આગ હોવી જરૂરી નથી. શિયાળાની ઠંડીમાં મેં ખોલીએ એટલે ધુમાડો નીકળે છે પણ આગ કયાં હોય છે?? એક લાખની કરોડની પ્રોજેકટ કોસ્ટમાં પાંચસો કરોડ રૂપરડીની ટકાવારી કેટલી??આપણે એને સસ્પેન્ડ કરી દીધા છે!!
ખબરદાર કોઇ બોલ્યું છે કે બુલેટ ટ્રેનમાં પંકચર પડ્યું છે!!!

– ભરત વૈષ્ણવ