સદગુરુ કોણ ? ગુરુપૂર્ણિમાના પાવન દિવસે આપણે સૌ આપણા સદ્દગુરૂને ઓળખીએ

17

અધ્યાત્મ જગતનો સૌથી મહાન દિવસ જો કોઈ હોય તો તે છે ગુરુપૂર્ણિમા નો પાવન અવસર. શ્રી ચિત્રકૂટ ધામ તલગાજરડા ખાતે આજે રામકથાના શ્રોતાઓની ઉપસ્થિતિમાં પૂજ્ય મોરારીબાપુ એ સદગુરુ ની ઓળખ, સદગુરુ તત્વ કોણ હોઈ શકે એ સંદર્ભે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. અધ્યાત્મ જગતમાં, સાધના પક્ષમાં સૌને પોતાનો એક માર્ગદર્શક, એક ગુરુ હોઈ શકે અને જે વ્યક્તિગત નિષ્ઠા ની વાત છે એવું બાપુએ કહ્યું હતું. પરંતુ બાપુએ કહ્યું હતું કે મારા માટે મારો ગુરુ કોણ? કોને હું સદગુરુ કહીશ? બાપુએ કહ્યું હતું કે એમના માટે તેમની વ્યક્તિગત નિષ્ઠા અનુસાર તેમના સદગુરુ જ એમના માટે બ્રહ્મા છે વિષ્ણુ છે અને શંકર પણ છે. એમના સદગુરુ તમામ શાસ્ત્રોનું સ્વરૂપ છે અને શાસ્ત્રોનો સાર પણ છે. બાપુએ કહ્યું હતું કે જ્યારે સાધકની નિષ્ઠા ગુરુમાં પૂર્ણપણે પ્રતિષ્ઠિત થઈ જાય ત્યારે એના માટે એનો બુદ્ધ પુરુષ ધર્મ છે, એનો અર્થ છે, એનો કામ છે અને એનો મોક્ષ પણ છે. તેમણે ઉમેર્યું હતું કે સાધકની નિષ્ઠા પરિપક્વ બને છે ત્યારે ચિત્રકૂટ વૃંદાવન કાશી કે અયોધ્યા જેવાં તીર્થો ગુરૂનાં ચરણોમાં સમાઈ જાય છે. એમણે ઉમેર્યું હતું કે જે શિષ્યની સેવા કરે છે તે સદગુરુ છે. બાપુએ કહ્યું હતું કે જેનું ચિત્ત ચોવીસે કલાક બ્રહ્મમાં રત રહે છે તેવા ગુરુ બ્રહ્મચારી છે. આજના આ પરમ પાવન દિવસે ગુરુ તત્વ વિશે વધુ પ્રકાશ પાડતા બાપુએ જણાવ્યું હતું કે સાચો ગુરુ એ ભૂતકાળ નથી હોતો, ભવિષ્ય પણ નથી હોતો, ગુરુ સદૈવ વર્તમાન હોય છે એનો અંત પણ નથી હોતો. ગુરુ હંમેશા હોય છે, હોય છે અને હોય છે. રમણ મહર્ષિ ને યાદ કરતા બાપુએ કહ્યું હતું કે તેઓ હંમેશા એવો પ્રશ્ન પૂછતા કે હુ એમ આઈ? જ્યારે એક સાધકે એ શોધવું જોઈએ, એ પૂછવું જોઈએ કે હુ ઇઝ માય ગુરુ ? ગુરુત્વત્વ કેવું હોઈ શકે ? આમ શ્રી ચિત્રકુટધામ તલગાજરડા ખાતે પૂજ્ય બાપુએ ગુરુ તત્વ વિશે ખૂબ જ વિસ્તારપૂર્વક પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. વિશ્વના તમામ સાધકોને અને અન્ય સૌ ને ગુરુપૂર્ણિમાના પાવન પર્વની શુભેચ્છાઓ આપી બાપુએ શુભકામનાઓ પાઠવી હતી. આજનો આ સંવાદ શ્રી ચિત્રકૂટ ધામ ની ર્એેંહ્વી ચેનલ પર પણ આપ નિહાળી શકો છો.

Previous articleકાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત
Next articleઢોરવાડાની નર્કાગાર સ્થિતિ, પશુઓ કણસીને મરતા રહ્યા : આખરે ‘આપ’એ મુક્ત કરી દિધા