ઇંગ્લિશ દારૂનો જથ્થો સગે વગે કરે તે પૂર્વે પોલીસે બે શખ્સોને ઉઠાવી લીધા

4

જુના બંદર રોડ, જીએમબીના ગોડાઉનમાં દારૂનો જથ્થો ઉતારેલો, અડધા લાખનો મુદ્દા માલ બરામત
ભાવનગર શહેરના જુના બંદર રોડ ઉપર આવેલ જીએમબીના ગોડાઉનમાં વિદેશી દારૂનો જથ્થો ઉતારી વહેલી સવારે સગેવગે કરવાની પેરવી કરતા કરચલીયાપરાના બે શખ્સને ક્રાઈમ બ્રાંચના સ્ટાફે દબોચી લઈ દારૂનો જથ્થો કબજે લીધો હતો. જ્યારે શખ્સોની પુછપરછ દરમિયાન સોનગઢનો શખ્સ વિદેશી દારૂનો જથ્થો પહોંચતો કરી ગયાનું ખુલવા પામ્યું હતુ. બનાવ અંગે જાણવા મળતી વિગતો અનુસાર લોકલ ક્રાઈમ બ્રાંચનો સ્ટાફ ગત રાત્રીના સુમારે નાઈટ રાઉન્ડ પેટ્રોલીંગમાં હતો તે દરમ્યાન બાતમી રાહે હકીકત મળી હતી કે, શહેરના કરચલીયાપરા વિસ્તારમાં આવેલ ઠાકર દ્રારા પાસે, વાલ્કેટ ગેટ નજીક રહેતા રાહુલ જેન્તીભાઈ મકવાણા અને કણબીવાડ વિસ્તારની ધજાગરાવાળી શેરી, નળીયાવાળી શેરી બાજુમાં રહેતા નિલેશ વિનુભાઈ બારૈયા બન્ને શહેરના જુના બંદર રોડ ઉપર આવેલ વૈશાલી ટોકીઝ પાછળ, દોલાભાઈ શંકરભાઈ ગોહેલના જીએમબીના ગોડાઉનમાં વિદેશી દારૂનો જથ્થો ઉતારી સગેવગે કરવાની પેરવી કરી રહ્યા છે. જે હકીકતી આધારે વહેલી સવારના ૪.૪૫ કલાકના અરસા દરમિયાન રેઈડ કરી તલાશી લેતા ઉક્ત બન્ને શખ્સ મળી આવતા તેની અટકાયત કરી બન્ને શખ્સના કબજા ભોગવટામાં રહેલ કોથળાની તલાશી લેતા તેમાથી વિદેશી દારૂની જુદી જુદી બ્રાંડની ૧૬૮ બોટલ મળી આવતા કબજે લઈ બન્ને શખ્સને વિદેશી દારૂનો જથ્થો ક્યાથી લાવેલાનું અને કોને આપવાનો હોવાની પુછપરછ કરતા સોનગઢ ગામે પ્લોટ વિસ્તારમાં રહેતો મહેશ ધરમશીભાઈ પરમાર નામનો શખ્સ દારૂ પહોંચતો કરી ગયો હોવાની કબુલાત આપતા લોકલ ક્રાઈમ બ્રાંચના વનરાજભાઈ ખુમાણે ફરીયાદી બની બન્ને શખ્સ વિરૂધ્ધ ફરીયાદ આપતા ગંગાજળીયા પોલીસે પ્રોહિબીશન એક્ટની જુદી જુદી કલમ તળે ગુનો દાખલ કરી ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી.