મહાપાલિકામાં જનરલ બોર્ડની બેઠક યોજાઈ

1020

ભાવનગર મહાનગર પાલિકાના જનરલ બોર્ડ બેઠક મેયર નિમુબેન બાંભણીયાના અધ્યક્ષ પદે મળેલ. આ બોર્ડ બેઠકમાં પાંચ ઠરાવ સર્વાનુમતે પાસ થયા હતા, જયારે વિપક્ષ કોંગ્રેસ દ્વારા બોર તળાવ પ્રશ્ને મુકેલ વધારાની દરખાસ્તનો ઠરાવ ચર્ચા વિચારણાના અંતે આ ઠરાવ અધ્યક્ષ પદેથી લેવાયો હતો અને કોંગીની લાંબી લાંબી ચર્ચા વ્યર્થ ગઈ હતી.

બોર્ડ બેઠકમાં પ્રશ્નોતરી કાળ દરમ્યાન પીવાના પાણી પ્રશ્ને સભ્યોએ ઠીક-ઠીક ચર્ચા કરી હતી, કુંભારવાડા વિસ્તારમાં પાણીની હરકત ગંદ પાણીની ચર્ચા થઈ હતી. આ ચર્ચામાં કોંગીના રહિમ કુરેશી, જયદિપસિંહ ગોહિલ, પારૂલબેન ત્રિવેદી, અરવિંદ પરમાર, જીતુ સોલંકી, હિમત મેણીયા, જયાબેન ચાવડા, ભરત બુધેલીયા, ઈકબાલ આરબે ભાગ લીધો હતો. કુંભારવાડામાં નખાતી ડ્રેનેજ લાઈનના કામ અંગે લાઈનો તુટવાની ફરીયાદ રોડ રસ્તાના કામો વિગેરે સવાલોની ચર્ચા. ખાસ કરીને પ્રશ્નોતરીમાં દર બોર્ડ માફક આ બોર્ડમાં પણ ચીલા ચાલુ ચર્ચાનો દોર રહયો હતો.

આજની બેઠકમાં બોરતળાવ વિસ્તારમાં ૩૪ જેટલા દબાણો, પાણી પ્રશ્ને નડતર રૂપ વિગેરે મુદ્દે કોંગી નેતા જયદિપસિંહ ગોહિલે અભ્યાસપુર્ણ રજુઆત કરી હતી, તેમ લો કમિશ્નરની દબાણ હટાવ ઝુબેંશને આવકારી હતી અને બોરતળાવ વિસ્તારમાં દબાણો અને તેના કારણે તળાવ વિસ્તારને રૂકાવટો ઉભી થયાની વિગતે વાત જણાવી હતી. પારૂલબેન ત્રિવેદીએ આવા દબાણો કરનારા માફીયાઓના દબાણો ચાર દિવસમાં ખસેડી નાખવા સિંહ ગર્જના કરી હતી. આ તળાવમાં વરસાદી પુર આવે તે માટે અન્ય સભ્યોએ વાતો કરી હતી. દુકાનો હરાજી અંગેનો પ્રશ્ન પણ ચર્ચામાં લેવાયો હતો, તેમાં અનામત દુકાનોની ચર્ચા થવા પામેલ આવી દુકાનો સરકારના નિયમ પ્રમાણે ૧૦ ટકા અનામત દેવાય નથી આ મુદ્દે હું કોર્ટમાં રજુ કરશે તેવો લલકાર અરવિંદ પરમારે કર્યો હતો. જીતુ સોલંકીએ આવી દુકાનો અનામત લેવલે મળવાની વાત કરી. જયદિપસિંહ ગોહિલે નારી થી પીપળી સુધીનો રસ્તો વહેલી તકે કરવાની માંગ ઉઠાવી. કોંગીના ભરતભાઈ બુધેલીયાએ ઈસ્કોન પાસે પાવર હાઉસ ઉભુ થયાની વાત કરી હતી, જે વાત અંગે સુરેશ ધાંધલ્યાએ તંત્રને જવાબ દેવાનું કહેતા તંત્રે જવાબો કરતા વાત મરી ગઈ હતી. રાજુ રાબડીયાએ સરકારની સુજલામ સુફલામ તળે તળાવની કામગીરીની વાત કરી કોંગી સભ્ય સામે આંગળી ચીંધતી વાત કરતા દેકારો થયો હતો.ભાજપ નેતા યુવરાજસિંહ ગોહિલે ચર્ચામાં ભાગ લેતા કોંગ્રેસ નેતા જયદિપસિંહ ગોહિલ સામે તીર ઉગામતા એવી વાત કરી હતી કે, જયદિપસિંહની વાત ખોટી ખોટી અને ખોટી છે, આમ કહીને જયદિપસિંહ ગોહિલની રજુઆતને ખોટી ઠેરવવા પ્રયાસ કરતા તેની સામે જયદિપસિંહ ગોહિલ ઉગ્ર બનીને હું ખોટો હોવ તો રાજીનામુ આપવા તૈયાર છું તેમ જણાવેલ. પારૂલબેન ત્રિવેદીએ હિંમતથી એમ કિધુ કે અમારા નેતાની વાતને ખોટી કેવી એ નેતાનું અપમાન નથી અમારા બધાનું અપમાન છે.

આજની બેઠકમાં જયદિપસિંહ ગોહિલે બોરતળાવ મુદ્દે પોતાની પાસેની દ્યણી બધી વિગતો બોર્ડ સમક્ષ રજુ કરતા જયદિપસિંહ ગોહિલની રજુઆત બોર્ડમાં છવાય ગઈ હતી. જો કે તેમને આવી વાત માટે આપવું જોઈતુ સમર્થન પ્રાપ્ત થયું નોતુ તેનો લાભ ઉઠાવી ભાજપના નેતા યુવરાજસિંહ સમય જોઈને નેતાને આંટી ગયા હતા અને ત્યારે કોંગ્રેસમાં વિસંગતા ભરી હિલચાલ જોવા મળેલ. મેયરે આપણે બધા બોરતળાવની ચિંતા કરી રહયા છીએ તે વાત સાથે સુર પુરાવીને આપણે બધાએ આ વિસ્તારની મુલકાતે જવાનું છે તે કહીને બધાને ઠંડા પાડયા હતા. અભયસિંહ ચૌહાણે પણ કેટલાંક પ્રશ્નોની વિગતે ચર્ચા કરી હતી, કમિ.ગાંધી વિગેરે હાજર રહયા હતા.

Previous articleડાયમંડ ચોક વિસ્તારમાં આતંક મચાવનાર શખ્સને રૂવાથી ઝડપ્યો
Next articleભાવ.જિલ્લા SSCનું ૬૯.૧૭% પરિણામ જાહેર