રાષ્ટ્રીય આરક્ષીત વન્ય જીવન સિંહનો મૃતદેહ પાલીતાણા તાલુકાના ભંડારિયા ગામ પાસે આવેલ શેત્રુંજી નદીના કાંઠેથી મળી આવતા વન વિભાગએ મૃતદેહને કબ્જો લઈ સિંહના મોતનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.
વર્ષો પૂર્વે કેન્દ્ર સરકારે એશિયાઈ સિંહનો શિકાર પર ચુસ્ત પ્રતિબંધ સાથે સિંહની ઘટતી જતી સંખ્યાને લઈને તેની વૃધ્ધિ થાય તે દિશા તરફ ભગીરથ પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે. આમ છતાં યેનકેન પ્રકારે શિકાર તથા મોતની ઘટનાઓનો સીલસીલો શરૂ જ રહેવા પામ્યો છે અને રાજ્ય સરકારનું વન વિભાગ આ દુર્લભ પ્રજાતિની જાળવણી કરવામાં સદંતર નિષ્ફળ પુરવાર થયું છે ત્યારે ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના ભંડારિયા ગામ પાસેથી શેત્રુંજી નદી પસાર થાય છે. આ નદીના તટ પરથી એક સિંહનો મૃતદેહ રાહદારીઓની નજરે ચડતા તેઓએ ભંડારિયાના ગ્રામજનો, સરપંચ તથા વન વિભાગને જાણ કરવામાં આવતા વન વિભાગે ઘટનાસ્થળે દોડી જઈ સિંહના મૃતદેહનો કબ્જો લઈ પી.એમ. અર્થે મોકલી વધુ તપાસ હાથ ધરી હતી. આ અંગે ફોરેસ્ટ વિભાગે તપાસ દરમ્યાન પ્રથમ દ્રષ્ટિએ મોતનું કારણ એવું ફલીત થયું છે કે સાવરકુંડલા પંથકમાં ર દિવસ પૂર્વે પડેલ ધોધમાર વરસાદ દરમ્યાન નાવલી નદીમાં આવેલ ભારે પુરમાં તણાઈ જવાના કારણે આ સિંહનું મોત થયું હોવાનું અનુમાન લગાવ્યું છે. જો કે સત્તાવાર જાણકારી પી.એમ. રીપોર્ટ આવ્યા બાદ જાણવા મળશે.
















