ઘોઘા-દહેજ રો-રો ફેરી સર્વિસ ત્રણ માસ માટે સ્થગિત

1517

ભાવનગર જિલ્લાના ઘોઘા સમુદ્ર તટથી દક્ષિણ ગુજરાતના દહેજને દરિયાઈ માર્ગે જોડતી ફેરી સર્વિસને તંત્રએ ખરાબ હવામાનનું કારણ આપી ફરી એકવાર ત્રણ માસ માટે બંધ કરી દેવાતા આ સેવા તથા સરકાર પરની વિશ્વસનિયતા પર લોકો સેંકડો સવાલો ઉઠાવી રહ્યાં છે.

કેન્દ્ર સરકાર દ્વારા જે રીતે પ્રચાર-પ્રસાર તથા કરોડો રૂપિયાનો ખર્ચ કરી ભાવનગરના ઘોઘાથી દક્ષિણ ગુજરાતના દહેજને સમુદ્રી માર્ગે જોડતી ફેરી સર્વિસ સેવા શરૂ થયાથી આજદિન સુધી લોકઅપેક્ષા મુજબ તથા લોકોની ધારણામાં ખરી ઉતરી નથી. ભાવનગરમાં આ પ્રકારની સેવા નિરંતર તથા સુદ્રઢ રીતે શરૂ રહેશે કે કેમ તે અંગે પણ પ્રશ્નાર્થ સર્જાઈ રહ્યાં છે. ગત વર્ષે પ્રધાનમંત્રીએ ઉતાવળે લોકાર્પણ કર્યા બાદ ચાર થી વધુ વખત અલગ-અલગ કારણોને લઈને સેવા બંધ કરવામાં આવી હતી. લોકો પણ માની રહ્યાં છે કે આ સેવાનું લાંબુ આયુષ્ય નથી સેવા સમયે જીએમબી તથા સેવા ચલાવવાનો કોન્ટ્રાક્ટ જે કંપનીના શિરે છે. એવી ઈન્ડીગો કંપની દ્વારા આજે એવી સત્તાવાર જાહેરાત કરી છે કે આજથી ત્રણ માસ એટલે કે આગામી સપ્ટેમ્બર માસ સુધી ફેરી-પરિવહન સેવા બંધ રહેશે. આ બંધ અંગે એવું કારણ ટાંકવામાં આવ્યું છે કે ખંભાતની ખાડીમાં હાલ ચોમાસુ કરંટ ભારે માત્રામાં હોય તથા ખરાબ હવામાનના કારણે ફેરી સર્વિસનું વેસલ સમુદ્રમાં ચલાવવું શક્ય ન હોવાના કારણે ચોમાસાના ત્રણ માસ સુધી ફેરી સર્વિસ બંધ રહેશે. આ તકે તંત્રએ જણાવેલ વાત પર વિશ્વાસ કરીએ તો એક તબક્કે આ વાત પણ સત્ય છે. કારણ કે વિશ્વમાં સૌથી અધિક કરંટવાળા સમુદ્રમાં બીજો ક્રમ ખંભાતની ખાડીનો આવે છે. આ પ્રચંડ કરંટ સામે વિશ્વની તમામ ટેકનોલોજી પરાસ્ત થઈ છે. એ વાત સત્ય છે. તો બીજી તરફ થોડા સમય પૂર્વે કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાએ તેમની મુલાકાત દરમ્યાન જણાવ્યું હતું કે, સપ્ટેમ્બર ર૦૧૮થી મુળ ફેરી સર્વિસ સેવા એટલે કે પેસેન્જર પ્લસ કાર્ગો સાથેનું હેવી વેસલ ઘોઘાથી હજીરા વાયા દહેજ ચલાવવામાં આવશે. જો મંત્રીની વાત ફળીભૂત થશે તો ભાવનગરના વિકાસદ્વાર ખરા અર્થમાં ખુલશે બાકી તો પ્રજા જાણે જ છે..!!

Previous articleરેડક્રોસ દ્વારા રક્તદાન કેમ્પ
Next articleસૌરાષ્ટ્રમાં કાળચક્ર : ૨ દુર્ઘટનામાં ૮નાં મોત