ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદ જારી

2911

ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં આજે પણ વરસાદી માહોલ અકબંધ રહ્યો હતો. દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ છુટો છવાયો વરસાદ પડ્યો હતો. સૌરાષ્ટ્રમાં પણ વરસાદ થયો છે. બીજી બાજુ સૌરાષ્ટ્ર ઉપર દરિયાઈ સપાટી નજીક અપર એયર સાઈક્લોનિક સરક્યુલેશનની સ્થિતિ પ્રવર્તી રહી છે. અમદાવાદ માટેની આગાહીમાં પણ જણાવાયું છે કે હળવો વરસાદ પડ શકે છે. હવામાન વિભાગ તરફથી ભારે વરસાદની કોઈ ચેતવણી તંત્ર દ્વારા જારી કરાઈ નથી પરંતુ ગુજરાતના કેટલાક ભાગોમાં હળવા વરસાદી ઝાપટાનો દોર જારી રહી શકે છે. આવી સ્થિતિમાં તાપમાનમાં ઘટાડો થવાના સંકેત પણ દેખાઈ રહ્યા છે. આજે અમદાવાદમાં મહત્તમ તાપમાન ૩૭.૬ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન ૨૬.૪ ડિગ્રી રહ્યું હતું. પાટનગર ગાંધીનગરમાં મહત્તમ તાપમાન ૩૫.૬ ડિગ્રી અને મહત્તમ તાપમાન ૨૬.૧ ડિગ્રી રહ્યું હતું. અમદાવાદમાં આવતીકાલે મહત્તમ તાપમાનમાં કોઈ ફેરફારની શક્યતા નહિવત દેખાઈ રહી છે. હવામાન ખાતાની આગાહી મુજબ, આજે ગુજરાતમાં સૌરાષ્ટ્રના પંથક વિસ્તારો અને ઉત્તર ગુજરાત સહિતના કેટલાક ક્ષેત્રોમાં સારો એવો વરસાદ નોંધાયો હતો. અત્રે ઉલ્લેખનિય છે કે ગઈકાલે શુક્રવારના દિવસે બનાસકાંઠા-સાબરકાંઠામાં આજે મેઘરાજા મનમૂકીને વરસ્યા હતા, જયાં ઇડરમાં માત્ર બે કલાકમાં ચાર ઇંચથી વધુ વરસાદ ખાબકતાં સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી.  ભારે વરસાદના કારણે જિલ્લાના નદી-નાળા છલકાઇ ગયા હતા. તો, મહીસાગર જિલ્લામાં પણ ભારે વરસાદ નોંધાતા શામળાજી સહિતના પંથકોમાં વરસાદી પાણી ફરી વળ્યા હતા. રાજકોટના ગોંડલમાં ત્રણ ઇંચ સુધીનો ભારે વરસાદ નોંધાતા સર્વત્ર પાણી જ પાણી ભરાઇ ગયા હતા. સૌરાષ્ટ્રમાં રાજકોટ, ધોરાજી,ગોંડલ, ગોમટા, લીલાખા સહિતના પંથકોમાં એકથી ત્રણ ઇંચ સુધીનો ભારે વરસાદ નોંધાયો હતો. સાબરકાંઠા જિલ્લામાં ઇડરમાં સૌથી વધુ વરસાદ નોંધાયો હતો, જયાં માત્ર બે કલાકમાં જ ચાર ઇંચથી વધુ ભારે વરસાદ ખાબકતાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. નીચાણવાળા વિસ્તારોમાં સોસાયટીઓ અને દુકાનોમાં વરસાદી પાણી ફરી વળ્યા હતા. મહીસાગર જિલ્લામાં પણ ભારે અને ધોધમાર વરસાદ નોંધાતાં લોકોએ વરસાદની મોજ માણી હતી. અમદાવાદ શહેરમાં હજુ સુધી વરસાદી માહોલ જામ્યો નથી. શહેરના લોકો વરસાદની ઉત્સુકતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે.

Previous articleજુલાઈના બીજા સપ્તાહમાં રાહુલ ગાંધી ગુજરાત આવે તેવી શક્યતા
Next articleકોંગ્રેસમાં ભડકો : દાહોદ જી.પં.ના કોંગ્રેસના નવ સભ્યો ભાજપમાં જોડાયા