આવાસ યોજનામાં નામ બડે દર્શન ખોટે

2295

શહેરના અલગ-અલગ વિસ્તારોમાં ગરીબ લાભાર્થીઓને ફાળવવામાં આવેલ મુખ્યમંત્રી આવાસ યોજનામાં સરકારે સુચવેલ પાયાકિય સવલતો તથા વર્તમાન સ્થિતિ અંગે જમીન-આસમાનનો તફાવત હોય જેને લઈને લાભાર્થીઓને ભારે પરેશાનીઓ વેઠવી પડી રહી છે.

અત્યારની કાળઝાળ મોંઘવારીના જમાનામાં ગરીબ તથા મધ્યમ વર્ગીય પરિવારોને ઘરનું ઘર વસાવવું એટલે એક દિવા સ્વપ્ન સમાન સ્થિતિ કહી શકાય. માણસ રાત-દિવસ અથાગ મહેનત કરે ત્યારે જીંદગીના ઉતરાર્ધમાં કદાચ આ સપનુ સાકાર થાય આવા લોકો માટે રાજ્ય સરકારે થોડા વર્ષો પૂર્વે મુખ્યમંત્રી આવાસ યોજના અમલમાં મુકી દીધી હતી. જેમાં ગરીબ તથા મધ્યમ વર્ગીય પરિવાર ઓછા દરે ઘરનું ઘર વસાવી શકે જે અન્વયે ભાવનગર શહેરના વિવિધ વિસતારોમાં પ થી ૬ માળના ફ્લેટનું નિર્માણ કરવામાં આવ્યું હતું અને જે વ્યક્તિઓએ આવી યોજનાના લાભાર્થી થવા માટે ફોર્મ ભર્યા હતા. તેઓને ક્રમશઃ ફ્લેટની ફાળવણી કરવામાં આવી રહી છે. આ ફ્લેટમાં તમામ પ્રકારની પાયાકિય સુવિધાઓ પુરી પાડવામાં આવશે તેવી સ્પષ્ટ બાહેંધરી સરકારે આપી હતી પરંતુ જે લોકો આ આવાસ યોજનાના લાભાર્થી બન્યા છે. તેઓની આશા ઠગારી નિવડી છે. યોજનાના ફોર્મમાં દર્શાવેલ કોઈપણ પ્રકારની ઉચીત સુવિધાઓ ઉપલબ્ધ નથી. માત્ર આટલું જ નહીં પરંતુ પાયાની સુવિધા મેળવવા સરકારી કચેરીઓના ચક્કર કાપવા પડી રહ્યાં છે. આમ છતાં જવાબદાર તંત્ર સગવડ આપવાના બદલે ગલ્લા-તલ્લા કરી રહ્યું છે. જેને લઈને આવાસ યોજનાના લાભાર્થીઓમાં ભારે રોષ પ્રવર્તી રહ્‌ઢયો છે. સમગ્ર બાબત અંગે લાભાર્થીઓના જણાવ્યા અનુસાર ટી.પી. સ્કીન નં.ર-બી, ફુલસર ફાઈનલ પ્લોટ નં.૩૬, ૧પ૦૬ ઈડબલ્યુએસ મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળના ફ્લેટમાં છેલ્લા ૧ વર્ષ કરતા વધુ સમયથી સેંકડો લાભાર્થીઓ વસવાટ કરે છે. આ લોકોના જણાવ્યા અનુસાર પ્રથમ આ બહુમાળી ઈમારતોનું બાંધકામ તદ્દન હલકી ગુણવત્તાના મટીરીયલ્સ વડે કરવામાં આવ્યું છે.

પરિણામે રૂમ, ટોઈલેટ, બાથરૂમ, ડ્રોઈંગ રૂમમાં પાણી ટપકે છે. એક ચોમાસુ પણ નથી વિત્યું ત્યાં અનેક ફ્લેટમાં ભારે ભેજ લાગવા સાથે લુણો લાગ્યો છે. આવી કાયમી સમસ્યાને લઈને આ ફ્લેટની દેખરેખની જેના શીરે જવાબદારી છે તે વ્યક્તિને લાભાર્થીઓ દ્વારા વારંવાર પ્રશ્ન ઉકેલ તથા સમસ્યાઓ અંગે જાણ કરતા તે ઉડાઉ જવાબો આપી પોતાની જવાબદારીમાંથી છટકી રહ્યો છે. એક ફ્લેટ ધારકના વોશરૂમમાં ચોવીસ કલાક લાંબા સમયથી પાણી ટપકે છે. જેણે તંત્રને અનેક વખત રૂબરૂ તથા પત્ર પાઠવી રજૂઆતો કરી પરંતુ ઉકેલ આવ્યો નથી.

એ જ રીતે પીવાના પાણીની અતિ ગંભીર સમસ્યા કાયમી રહે છે. સવારે માત્ર ૧૦ થી ૧પ મીનીટ સુધી પાણી આવે ત્યારબાદ પાણી નસીબ થતું નથી. ફ્લેટના બેઝમેન્ટમાં સાફસફાઈનો સદંતર અભાવ હોય અતિશય ગંદકી તથા કચરાના ઢગલાને લઈને નીચેથી પસાર થવું પણ મુશ્કેલ બન્યું હતું. તો બીજી તરફ સુરક્ષા વ્યવસ્થા અંગે સીસીટીવી કેમેરા કે વોચમેન પણ ન હોવાના કારણે સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર પ્રશ્નાર્થ સર્જાઈ રહ્યાં છે.

પ્રમુખ પદ મેળવવા હોડ લાગી

આવાસ યોજના હેઠળના ફ્લેટમાં સમગ્ર વહિવટી કાર્ય માટે ચોક્કસ કમિટીનું લોકશાહી ઢબે ગહન કરવામાં આવતું હોય છે. આ ફ્લેટમાં પણ આ થીયરી મુજબ પ્રમુખ, ઉપપ્રમુખ તથા સભ્યો માટે ચૂંટણી યોજવામાં આવી હતી. આ બાબતમાં પ્રમુખ પદ મેળવવા માટે અંદરો અંદર ભારે હોડ જામી છે. પ્રમુખ પદ માટે એટલા માટે હોડ જામી છે. કારણ કે આ આવાસ યોજનામાં માતબર રકમનું આર્થિક ભંડોળ પડ્યું હોય જેને લઈને પદ મેળવવા લોકો અધિરા બન્યા હોવાનું જાણવા મળ્યું છે.

જે શાસકો વેપારી તેની

પ્રજા દુઃખી : વિપક્ષી નેતા

આવાસ યોજના માટેના ફ્લેટનું બાંધકામ જે સમયે કોન્ટ્રાક્ટર દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું તે વેળા જ વિપક્ષોના ધ્યાને ગંભીર બાબતો જોવા મળી હતી. જેમાં નિયત નિયમોનો ઉલાળીયો કરવામાં આવ્યો હતો. આથી શાસક પક્ષને ફરિયાદ કરવામાં આવી હતી પરંતુ તેમના દ્વારા મામુલી પેનલ્ટી ફટકારી સમગ્ર મામલો નિપટાવી લેવામાં આવ્યો હતો. જે કોન્ટ્રાક્ટર દ્વારા બાંધકામ કરવામાં આવ્યું હતું તે મુળ ભાજપના જ મળતીયાઓ છે. ભાજપના હોદ્દેદારોના છુપા આશિર્વાદ હોય છે. આ બાબતે ભાવનગર મહાપાલિકાના વિરોધ પક્ષ લાભાર્થીઓની સાથે જ છે અને તેમની સમસ્યા સાથે મળીને ઉકેલીશું.

Previous articleજુન માસ પૂર્ણ છતા વરસાદના કોઈ સગડ નથી
Next articleસેકટર – ૧૨ ઉમિયા માના મંદિરમાં કાનૂની શિબિર