રથયાત્રાને મંત્રી માંડવીયા પ્રસ્થાન કરાવશે

1283

ભગવાન જગન્નાથજીની ૩૩મી રથયાત્રાનું પ્રસ્થાન કેબીનેટ મંત્રી મનસુખભાઈ માંડવિયા તથા સંતગણ દ્વારા કરાવવામાં આવશે.

પ્રતિવર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ વિર વિક્રમ સંવત ર૦૭૪ને અષાઢ સુદ બીજ તા.૧૪-૭-ર૦૧૮ને શનિવારના રોજ ભાવનગર શહેરના સુભાષનગર સ્થિત ભગવાન જગન્નાથજીના મંદિર ખાતેથી રથયાત્રા મહોત્સવ સમિતિ ટ્રસ્ટ ખાતેથી રથયાત્રા મહોત્સવ સમિતિ ટ્રસ્ટ દ્વારા ૩૩મી રથયાત્રા યોજાનાર હોય આ અંગે રથયાત્રા કમિટી દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હરૂભાઈ ગોંડલિયાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, દર વર્ષની પરંપરા અનુસાર આ વર્ષે પણ મુળ પ્રથા મુજબ રથયાત્રા યોજાશે. જેમાં પ્રાતઃ ૪ કલાકથી પૂજા સહિતની કામગીરી શરૂ થશે તથા સવારે ૮ કલાકે છેડાપોરા વિધિ તથા પહિન્દ વિધિ ભાવનગરના મહારાજા વિજયરાજસિંહ ગોહિલ તથા યુવરાજ જયવિરરાજસિંહના હસ્તે યોજાશે. ત્યારબાદ સંતગણ કેબીનેટ મંત્રી મનસુખભાઈ માંડવિયા, ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઈ વાઘાણી, રાજ્યના મંત્રી વિભાવરીબેન દવે, સાંસદ ભારતીબેન શિયાળ, પૂર્વ સાંસદ રાજેન્દ્રસિંહ રાણા, મેયર મનભા સહિતનાઓ દ્વારા રથયાત્રાને પ્રસ્થાન કરાવવામાં આવશે. આ રથયાત્રા રાબેતા મુજબના રૂટ પર ફરી રાત્રે ૧૦ કલાકે નીજ મંદિરમાં પરત ફરશે. જ્યાં ધર્મસભા યોજાશે. આ રથયાત્રામાં ૩ હાથી, ઘોડાગાડી, ૧૦૦થી વધુ ટ્રક તેમજ અન્ય વાહનો સાથે કલાત્મક ફ્લોટ લોક આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. ભગવાનનો રથ કહાર ભોઈ સમાજ દ્વારા દોરડાની મદદથી ખેંચવામાં આવશે. વડવાના અખાડા તથા ગણેશ ક્રિડા મંડળના અખાડાઓ દ્વારા વિવિધ દાવપેચ રજૂ કરવામાં આવશે. સીસીટીવી કેમેરા ઉપરાંત ડ્રોન કેમેરાથી રથયાત્રાની સુરક્ષા વ્યવસ્થા આવરી લેવામાં આવશે. રથયાત્રામાં ચણાના પ્રસાદનું વિતરણ કરવામાં આવશે. હાલ રથયાત્રાની તૈયારીઓને આખરીઓપ આપવામાં આવી રહ્યો છે.

Previous articleગુંદી ફાટક નજીક એસટીની ગુલાટ, ૧ બાળકીનું મોત : છને ઈજા
Next articleઅંતે કનુભાઈ કળસરીયા કોંગ્રેસમાં જોડાયા : રાહુલ ગાંધીએ ખેસ પહેરાવ્યો