ખેતરોમાં ઉઝરતી મોલાતને વરાપની જરૂર

784

ભાવનગર જિલ્લામાં છેલ્લા બે સપ્તાહ કરતા વધુ સમયથી સતત રહેલ વરસાદી વાતાવરણને પગલે ખેતરોમાં ઉગેલ મોલાતો, તથા અન્ય વાવેતરને પાણી લાગી જવાથી પાક નિષ્ફળ જવાનો ખતરો તોળાઈ રહ્યો છે.

ભાવનગર શહેર અને જીલ્લામાં બે અઠવાડીયા કરતા વધુ સમયથી મદદ અંશે અવકાશ વાદળ છાયું હોવા ઉપરાંત થતા ઓછા પ્રમાણમાં વરસાદ પણ થઈ રહ્યો છે. ભાવનગર શહેરમાં સિઝનનો કુલ વરસાદ પ૦ ટકાના આંકને સ્પર્શી રહ્યો છે. ત્યારે ચાર સપ્તાહ કરતા વધુ સમય પુર્વે ખેડૂતો દ્વારા વાવેતર પુર્ણ કરવામાં આવ્યું હતું. વાવણી બાદ એકંદરે વરસાદ સારો વરસતા મોલાતની વૃધ્ધી પણ ઝડપભેર થઈ રહી છે. પરંતુ મોલાતને વરસાદ સાથો  સાથ  સુર્યપ્રકાશ (વરાપ)ની પણ મોટી જરૂરીયાત રહેતી હોય છે. પરંતુ બે સપ્તાહથી સર્જાયેલ વરસાદી વાતાવરણ ન વિખરાતા જુવાર, બાજરી, કઠોળ તથા શાકભાજીના ઉઝરતા મોલને વરસાદી પાણી લાગવા ઉપરાંત વાવેતર નિષ્ફળ જાય તેવી સ્થિતિનું સર્જન થયું છે. કૃષિ વિશેષજ્ઞોના જણાવ્યા અનુસાર આજ સ્થીતિ જો વધુ એક સપ્તાહ સુધી લંબાશે તો અનેક ગામડાઓમાં વાવેતર નિષ્ફળ થશે. અને ખેડુતોને નવેસરથી વાવણી કરવાની ફરજ પડશે. આ વરસાદી વાતાવરણના બે પ્રકાર છે. મગફળી, કપાસ, એરંડા સહિતના રોકડીયા પાકો માટે આ વરસાદ ફાયદા કારક છે. પરંતુ ધાસચારો, શાકભાજી, તલ, અનાજ, સહિતના પાકો માટે આફત સમાન છે. તો બીજી તરફ ધીમી ધારે વરસી રહેલા વરસાદના કારણે જમીનમાં જળ સંગ્રહની ક્ષમતા વધી રહી છે. ભુગર્ભ જળસ્તર આ વરસાદના કારણે વધી રહ્યા છે. આ ઉપરાંત રાજયના હવામાન વિભાગ દ્વારા આવનારા સપ્તાહ દરમ્યાન પણ ભાવનગર શહેર જિલ્લામાં હળવા ભારે વરસાદી ઝાપટથી લઈને ભારે વરસાદ થવાની આગોતરી આગાહી પણ કરવામાં આવી છે. પરંતુ હવે જગતનો તાત વરસાદ નહિ વરાપ ઝંખી રહ્યો છે.

એક સપ્તાહના વરાપથી સોળ આની વર્ષ થશે

ચોમાસાના પ્રારંભે ઓણ સાલ વર્ષ કેવુ રહેશે તેનો વરતારો કરવો ખેડૂતો માટે મુશ્કેલ હતો પરંતુ જુલાઈ માસના પ્રારંભ બાદ ચિત્ર બદલાયું આજે ભાવનગર જિલ્લાના ઉમરાળા, ગારિયાધાર જેવા તાલુકાને બાદ કરતા અન્ય તાલુકા ગામડાઓમાં ચિક્કાર વરસાદ થવા પામ્યો છે. ખેડૂતોની ધારણાથી અધિક વરસાદ થયો છે જેને લનઈ કૃષિ ઉત્પાદન પણ મબલક પ્રમાણમાં થશે. હાલના સમયે જો કે એક સપ્તાહની વરાપ રહે તો ખેડૂતોને અગણીત ફાયદો થશે અને વર્ષ સોળ આની ઉતરશે.

– દિનેશભાઈ બી. સોલંકી – અગ્રણી ખેડૂત