લોકોને ઝડપી ન્યાય માટે સરકાર કટીબધ્ધ : મુખ્યમંત્રી

1654

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સામાન્ય માનવી જે શ્રધ્ધા અને આસ્થાથી મંદિરમાં જાય છે તેવી શ્રધ્ધા અને આસ્થા ન્યાયમંદિરમાં ન્યાય માંગવાં જાય ત્યારે થાય તેવી સુંદર વ્યવસ્થાના નિર્માણની નેમ વ્યક્ત કરી છે.
ભાવનગર ડિસ્ટ્રીક્ટ કોર્ટનાં અતિઆધુનિક સંકુલ માટે જમીનની ફાળવણી કરવા બદલ ભાવનગર બાર એસોસીએશન દ્વારા મુખ્યમંત્રીનું યશવંતરાય નાટયગૃહ ખાતે જાહેર સન્માન કરવામાં આવ્યું હતું. સરકારી ઓફિસોની જે જુની છાપ છે તેને બદલી કલેક્ટર કચેરીઓ, મામલતદાર કચેરીઓ, હોસ્પિટલો અને હવે કોર્ટનાં ભવનો અત્યાધુનિક સુવિધાવાળા બનાવ્યા છે તેની વિગતો તેમણે આપી હતી. ભાવનગર કોર્ટનાં નવા સંકુલની જગ્યા માટે રાજ્ય સરકારે ઝડપથી જમીન ફાળવી આપી છે જેથી ઝડપથી કોર્ટ સંકુલનું નિર્માણ થાય અને સામાન્ય માનવીને ઘર આંગણેજ ન્યાય મળે તેવી વ્યવસ્થાની નેમ વ્યક્ત કરી તેમણે કહ્યું કે, અનિર્ણાયકતા વિકાસને રુંધે છે અમારી સરકાર સંવેદનશીલતાથી નિર્ણય કરી કોઇને પણ સરકારી કામ માટે ધક્કા ન ખાવા પડે તેવા વાતાવરણમાં સર્જન માટે કૃતનિશ્ચયી છે. તેમણે જણાવ્યું કે, નવી બનનાર કોર્ટ કોન્ફરન્સ રૂમ, લાઇબ્રેરી, સભાખંડ, વકીલો અને ન્યાયાધીશોને બેસવાની પુરતી વ્યવસ્થાવાળી બનાવવામાં આવી રહી છે. આવનારા પડકારો- પ્રશ્નોનો અગાઉથી જ વિચાર કરી અતિઆધુનિક પ્રકારના કોર્ટ બિલ્ડીંગો રાજ્યમાં બનાવવામાં આવી રહ્યા છે. લોકોને હજુ કાયદામાં વિશ્વાસ છે અને આ વિશ્વાસ કાયમી ધોરણે જળવાઇ રહે તે આજની આવશ્યકતા છે તેમ જણાવી તેમણે છેવાડાની માનવીને ઝડપી ન્યાય મળે, સાચા ન્યાયની પ્રતિતિ થાય, કોર્ટમાં કેસોનું ભારણ ઘટે તે માટે કાર્યરત થવા ન્યાય જગતને અપીલ કરી હતી. રાજ્ય સરકારે દારૂબંઘી, ગૌ હત્યા, હુક્કાબાર માટેના કડક કાયદા બનાવ્યા છે અને હજુ આગામી સમયમાં સ્ત્રીઓની ચેઇન લુટનારા લુટારુઓ માટે કડક કાયદો લાવવાની નૂક્તેચીની મુખ્યમંત્રીશ્રીએ કરી હતી. કાયદા રાજ્યમંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું કે, ભાવનગરની કોર્ટની એક જમાનામાં ગુજરાતના હાઇકોર્ટ તરીકેની નામના ધરાવતી હતી. આ કોર્ટની જગ્યાએ નવી કોર્ટ બને તે માટે લાબાં સમયથી માંગણી હતી પરંતુ રાજય સરકારના ‘ગવર્મેન્ટ ઓન ફાસ્ટ ટ્રેક’ના દ્રષ્ટિકોણથી ઝડપથી કોર્ટની જમીનની માંગણી સંતોષાઇ તે માટે પોતે પણ હર્ષ અનુભવે છે તેમ વધુમાં ઉમેર્યુ હતું. તેમણે ઉમેર્યુ કે, અગાઉ કાયદા વિભાગનું બજેટ હતું. તેમા માતબર વધારો કરી ચાલુ વર્ષના બજેટમાં રૂ. ૧૮૦૦ કરોડની જોગવાઇ વિભાગ માટે કરી છે. નવી બનનાર ભાવનગરની કોર્ટ રૂ. ૧૨૫ કરોડના ખર્ચે નવનિર્મિત કરવામાં આવશે તેની વિગતો તેમણે આપી હતી. ભાવનગરની કોર્ટ અત્યાધુનિક બનાવવામાં આવશે તેઓ વિશ્વાસ વ્યક્ત કરતાં તેમણે ઉમેર્યુ હતું કે, લોકો પોતાની આસ્થા અને શ્રધ્ધા સાથે કોર્ટમાં ન્યાયની અપેક્ષા સાથે આવે છે. ત્યારે નાગરિકોને રસ્તો ઝડપી અને ઘરઆંગણે ન્યાય મળે તે માટે રાજ્ય સરકાર કટિબધ્ધ છે. ધારાસભ્ય જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું કે, રાજ્ય સરકાર સંવેદનશીલતાથી કાર્ય કરી પ્રજાને કનડતી સમસ્યાને ઉકેલવા કટિબધ્ધ છે. પ્રજાના કાર્ય માટે કટિબધ્ધ છે. અમારી સરકારમાં પ્રજાના કાર્ય માટે કોઇ ધક્કા ખાવા પડતા નથી અને ખુબ જ સરળતાથી અને સહજતાથી પ્રશ્નો ઉકેલાઇ જાય તેવી સુગમતા રાજ્ય સરકારે ઉભી કરી છે તેની રૂપરેખા તેમણે આપી હતી. ભાવનગર બાર એસોસીએશનના પ્રમુખ ચેતનભાઇ આસ્તિકે જણાવ્યું કે, જે તે વખતે ભાવનગરની વસતી જે-તે તે વખતે ૬૦ હજારની હતી તેને ધ્યાને લઇ ૧૨૮ વર્ષ પહેલા કોર્ટ બનાવવામાં આવી હતી પરંતુ બદલાતી પરિસ્થિતિ અને સમયના તકાજાને ધ્યાનમાં લઇ નવી કોર્ટ માટેની જમીન રાજ્ય સરકારે ફાળવી તે માટે તેમણે રાજ્ય સરકારનો આભાર માન્યો હતો.
આ અભિવાદન સમારોહમાં કેન્દ્રીય માર્ગ અને પરિવહન રાજ્ય મંત્રી મનસુખભાઇ માંડવીયા, શિક્ષણ રાજ્યમંત્રી વિભાવરીબેન દવે, સાંસદ ડો. ભારતીબેન શિયાળ, ભાવનગરના મેયર મનભા મોરી, પ્રિન્સીપાલ ડિસ્ટ્રીક્ટ જજ એસ.જે. બક્ષી, ચેરીટી કમિશ્નર વાય.એમ. શુક્લ, ગુજરાત હાઉસીંગ બોર્ડના ચેરમેન મહેન્દ્રભાઇ સરવૈયા, કલેક્ટર હર્ષદભાઇ પટેલ, ન્યાયિક અધિકારીઓ, વકીલો, બાર એસોસીએશનના સભ્યો તથા કાયદા જગત સાથે સંકળાયેલ લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Previous articleશ્રાવણ માસના પ્રથમ દિવસે પાલીતાણાના શિવાલયોમાં જળાભિષેક કાર્યક્રમ યોજાયો
Next articleસ્કુલનાં બાળકોને રોડ સેફ્‌ટીનાં નિયમો અંગે સમજણ અપાઇ