વેદના અને સંવેદનાના સંવાદથી અનેક યુવા વર્ગ સંસ્થાની પ્રવૃતતિઓમાં જોડાય છે

1711

એક ગામ હતું. આ ગામમાં દયાળુ, કર્મનિષ્ઠ એક નગરશેઠ રહેતા હતા. આ નગરશેઠનો પરિવાર સંવેદનશીલ, દયાળુ અને બીજાના કામમાં હંમેશા આવવાની તક મેળવી લઈ પોતાના જીવનમાં સુખની અનુભૂતિ ખરા અર્થમાં પામવા યત્નશીલ રહેતો હતો. નાનો અને સુખી પરિવાર ગામના લોકો માટે આશીર્વાદરૂપ બન્યો હતો. સારા-નરસા પ્રસંગોએ નાની-મોટી આર્થિક મદદ માટે ગામના લોકો હંમેશા નગરશેઠના દ્વાર ખખડાવતા, આવનાર પ્રત્યેક વ્યક્તિને નગરશેઠ કે તેના પરિવાર દ્વારા જરૂર નાની-મોટી સહાય મળી રહેતી. આ નગરશેઠને બે પુત્ર હતા. તેનો નાનો પુત્ર એક સામાજિક પ્રવૃત્તિ કરતી સંસ્થામાં ફરજ બજાવતો હતો. નાના પુત્રની પત્ની પણ એક ગર્ભશ્રીમંત પરિવારમાંથી પરણીને આવી હતી. આ દંપતીને એક દીકરો અને એક દીકરી હતાં. તે શાળામાં ભણતાં હતાં. તેઓ શાળાનું હોમવર્ક દાદાજીની મદદથી સમયસર પૂરું કરતાં. દાદાજી સંસ્કારસિંચનના ભાગરૂપે કેટલીક વાતો હંમેશા કરતા રહેતા. વાર્તાઓ પણ કહેતા. એક દિવસની વાત છે. નાના પુત્રની પત્ની રસ્તા પર પસાર થઈ રહી હતી. તે પોતાના બન્ને બાળકોને શાળા બસમાંથી ઊતરતાં પહેલાં સંભાળીને ઘરે લઈ આવવા અગાઉથી પહોંચી જવા ભારે ઉતાવળમાં હતી. અચાનક રસ્તા પર તેને ઝીણો અવાજ સંભળાય છે. તાજું જન્મેલું બાળક રડતું હોય, કણસતું હોય તેવો અવાજ તેના કાને પડે છે. કચરાપેટીમાં તપાસ કરતાં ખરેખર તાજું જન્મેલું બાળક મળી આવે છે. આ બાળકને તે ઉઠાવી લે છે, તેને સાફ કરે છે અને પોતાની ગોદમાં લઈ લે છે. થોડા સમય પછી બાળકને ઊંચકીને તે ચાલવાનું શરૂ કરે છે. સ્કૂલ બસમાંથી ઊતરેલા પોતાના બન્ને બાળકોને સાથે લઇ મળી આવેલા બાળક સાથે તેઓ ચારે જણ પોતાના ઘરે પહોંચે છે. બાલ્કનીમાં બેઠેલા નગરશેઠ સ્કૂલેથી આવતા બાળકો અને પોતાની પુત્રવધૂને જોઈ સામે આવે છે. પુત્રવધૂ પાસે નાનકડું બાળક જોઈને આશ્ચર્ય સાથે પૂછે છેઃ ‘આ બાળક તારી પાસે ક્યાંથી?’ પુત્રવધૂ ઉત્તર આપે છેઃ ‘તેને કોઈ નરાધમ કચરાપેટીમાં ફેંકી ગયું હતું. બાળકનો રડવાનો, કણસવાનો અવાજ મારા કાને પડ્યો. મેં તપાસ કરી અને આ કુળદીપક જેવું બાળક મળી આવ્યું. હવે હું તેને મારું પોતાનું બાળક સમજુ છું. હવે તે અનાથ નથી. તે મારા વાત્સલ્ય નીચે મોટું થશે અને સૂરજ-ચંદ્રની જેમ પોતાના ક્ષેત્રમાં પ્રકાશિત બનશે એટલે કે પ્રગતિ પામશે. હું આ બાળકને ખૂબ ભણાવીશ. જ્યારે આ બાળક સિદ્ધિના શિખરો સર કરશે ત્યારે કચરાપેટીમાં ફેંકી જનાર તેની જનેતાને ખબર પડશે કે તેણે આ રીતે ઈશ્વરના પ્રસાદનો અનાદર ન કર્યો હોત તો આ બાળક તેનું પોતાનું ગૌરવ બનત. પોતાના પરિવારનું તારણહાર બનત.’ નગરશેઠ આ સંવાદ સાંભળી સ્તબ્ધ થઇ જાય છે. આજે તેની આંખોમાં હર્ષના અશ્રુ ટપકી પડે છે. તે વિચારોના વંટોળ વચ્ચે ખૂબ ઝડપથી પોતાનું સંતુલન સાધે છે. આજે શેઠની ખુશીનો પાર નથી, કારણ કે પોતાના દ્વારા અપાયેલા સંસ્કારનું પરિણામ પોતાના જ પરિવાર દ્વારા મળ્યું હતું! પુત્રવધૂએ પોતાની દીકરી કરતાં પરિવારની પરંપરાને વધારે આગળ લઈ જઈ સાચી માનવતાના દર્શન કરાવતું કાર્ય આજે કર્યું હતું. નગરશેઠ પાસે તેનો પ્રતિભાવ આપવા શબ્દો મળતા ન હતા. તે એટલું જ બોલી શક્યા : ‘દીકરી તેં આજે બે કુળ દીપાવ્યા છે. – એક તારા પિતાનું કુળ અને બીજું આપણું કુળ. તારી તમામ આશા, આકાંક્ષા ભગવાન પૂર્ણ કરે તેવી હું પ્રાર્થના કરું છું.’
સમય પાણીના પ્રવાહની જેમ વહેવા લાગ્યો. મળી આવેલા બાળકનું નામ તેની આશ્રિત માતાએ કર્ણ પાડ્યું હતું. કર્ણ પ્રાથમિક, માધ્યમિક અને કૉલેજ સુધીના શિક્ષણમાં હંમેશા પ્રથમ નંબરે રહેતો. તે શાળા અને કૉલેજ શિક્ષણના કાર્યકાળ દરમિયાન લોકસેવાની પ્રવૃત્તિમાં હંમેશાં મોખરે રહેતો. કૉલેજની એક શિબિર દરમિયાન તેને અનાથ બાળકોની શાળાની મુલાકાતે લઈ જવામાં આવ્યો. આ શાળાના વર્ગખંડો, છાત્રાલય, ભોજનાલય, પ્રયોગશાળા, કૉમ્પ્યૂટરલેબ, શાળાનું ઉત્પાદન કેન્દ્ર વગેરે વિભાગોની મુલાકાત લીધા પછી શાળાના સંચાલિકાએ મુલાકાતી શિબિરાર્થીઓને સંબોધતા જણાવ્યું કે : ‘પ્રત્યેક બાળક દેશનો આવતીકાલનો નાગરિક છે. તેના શિક્ષણ અને પુનઃસ્થાપન માટે સરકાર અને સમાજ સહિયારો પ્રયાસ કરે તો જ પ્રત્યેક બાળકને ઉત્તમ શિક્ષણ, વ્યાવસાયિક તાલીમ અને રોજગારીની તક મળી શકે. અમારી સંસ્થા આ દિશામાં પા-પા-પગલી કરી રહી છે. એક વિદ્વાન તાલીમ પામેલ કર્મનિષ્ઠ સંચાલકની સંસ્થાને થોડા સમયમાં જરૂર પડશે. ઘણા વર્ષોથી હું આ સંસ્થાનું સંચાલન કરી રહી છું, પરંતુ હવે મારી ઉંમર પાકી ગઈ છે. અનેક શારીરિક સમસ્યાઓનો સામનો કરી રહી છું. તેથી જો સમયસર સેવાભાવી સંચાલક નહીં મળે તો આવી વિકાસ પામેલી સંસ્થા નામશેષ થશે. તેના ભવિષ્યની ચિંતા મને દિન-પ્રતિ-દિન સતાવી રહી છે.’ સંસ્થા સંચાલિકાના સંવેદનશીલ વક્તવ્યની અસર શિબિરાર્થી કર્ણ પર થાય છે. તે વિચારોમાં ખોવાય છે. હું જ આ કામ શા માટે ન કરી શકું? મારે જ આ જવાબદારી અદા કરવી જોઈએ. મારા માતા-પિતાની મંજૂરી લઈ હું સંસ્થા સંચાલિકા બહેનને મારો નિર્ણય જણાવી, તેમને જરૂર સાંત્વના આપીશ. તે પોતાના માતા-પિતાને બધી જ વાત કરે છે. વાત સાંભળતા જ માતા રોમાંચ અનુભવે છે. એક અનાથ બાળક બીજા અનાથોનો પિતા બનવા શી રીતે સામર્થ્ય મેળવી લેતો હશે? આ કૃપા તો ઈશ્વરની જ કહેવાય ને! મનોમંથન કરી તે પોતાના બાળક કર્ણને તેમ કરવાની સંમતિ આપે છે. કર્ણ માતા-પિતાની સંમતિ મળતાં જ સંસ્થા સંચાલિકા પાસે પહોંચી જાય છે. અનાથાશ્રમના સંચાલિકા પોતાનો સંપૂર્ણ કાર્યભાર કર્ણના શિરે મૂકે છે. કર્ણ સંસ્થાનો એવો તો કાર્યભાર ચલાવે છે કે-આ અનાથાશ્રમનું નામ દુનિયાભરમાં ગુંજવા લાગે છે. કર્ણની કરુણાની એવી તો જાદુઈ અસર થાય છે કે-સંસ્થાની કોઈપણ જરૂરિયાત, માંગણી કર્યા વિના મિનિટોમાં જ પૂર્ણ થતી. વિશ્વભરમાં આ રીતે સંસ્થાએ અનાથ બાળકોની સેવાના ક્ષેત્રમાં નામના મેળવી નોબેલ પુરસ્કાર પ્રાપ્ત કર્યો! આ બધાની પાછળ વેદનામાંથી નિપજેલ સંવેદના છે! વેદના અને સંવેદના વચ્ચે સેતુ જોડાશે ત્યારે જ સાચી માનવતાનો માર્ગ પ્રસ્થાપિત થશે.
ભાવનગરની શ્રી કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળા સેવાના ક્ષેત્રે જ્યારે નવો ચીલો ચાતરી રહી છે ત્યારે વેદના અને સંવેદનાનાં સંવાદથી અનેક યુવાવર્ગ સંસ્થાની પ્રવૃત્તિઓમાં દિન-પ્રતિ-દિન જોડાઈ રહ્યો છે. ઓગસ્ટ માસના પ્રથમ રવિવારે વિશ્વભરના યુવાનો ફ્રેન્ડશિપ-ડે ઉજવતા હોય છે. ૫ ઓગસ્ટ, ૨૦૧૮ ના રોજ મુંબઈના ‘અનમોલ ગ્રૂપ’ દ્વારા આવા જ ફ્રેન્ડશિપ-ડેની ઉજવણી ભાવનગરની શ્રી કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળાના પ્રજ્ઞાચક્ષુ બાળકો સાથે કરીને એક નવો દાખલો બેસાડ્યો છે. લાખો અને કરોડોના માલિક કહી શકાય એવા પરિવારના લોકો છેક મુંબઈથી ભાવનગર આવીને સવારથી સાંજ સુધી અનોખી રીતે આ દિવસની ઉજવણી શાળાના બાળકો સાથે કરે તે જેવી તેવી બાબત નથી. ખરું પૂછો તો આ તો છે- ’વેદના અને સંવેદનાનો સંવાદ.’ જ્યારે આવો સંવાદ આમસમાજમાં વધુ ને વધુ – અનમોલ ગ્રૂપની જેમ ચાલતા ગ્રૂપ અને જૂથ ઉજવતા થશે ત્યારે જ ભારતીય સંસ્કૃતિની સાચી પરંપરાનું નિર્માણ થશે. આ દિશામાં ભાવનગર વાઘાવાડી રોડ પર આવેલો સેમસંગ શોરૂમ અને દ્ગૈં્‌જીછદ્ગ પ્રાઇવેટ લિમિટેડ કંપનીએ ૧૫-મી ઓગષ્ટનાં રોજ ૭૨-મા સ્વતંત્રતા દિવસની અનોખી રીતે પ્રજ્ઞાચક્ષુ બાળકો સાથે ઉજવણી કરી ભાવેણાની શાન વધારી છે. જે દેશની આન-બાન અને શાનમાં વૃદ્ધિ કરે છે. આમ, વેદના અને સંવેદના દ્વારા ઉત્તમ સમાજનું શી રીતે નિર્માણ થઇ શકે છે? તેની પ્રેરણા આપણને ઉપરોક્ત ઉદાહરણમાંથી મળે છે. વિકલાંગતા વિધેયક-૨૦૧૬ની સંસદ દ્વારા કાનૂની જોગવાયોને બહાલી મળ્યા પછી પણ તેની માળખાકીય વ્યવસ્થાનાં અભાવે અનેક બાધક સીમાઓના કારણે વિકલાંગોને યોગ્ય લાભ મળતો નથી. જ્યારે અનમોલ ગ્રૂપ, સેમસંગ અને દ્ગૈં્‌જીછદ્ગ પ્રાઇવેટ લિમિટેડ કંપનીની પ્રેરણા અભિભૂત કરશે ત્યારે જ વિકલાંગોને સંવેદનાની સાચી અનુભૂતિ થશે.