પ્રગતિશીલ ખેડૂતો માટે મકાઈની મલાઈદાર ખેતી

2558

ભાવનગર શહેર સમીપ વાડી-ખેતરો ધરાવતા ખેડૂતો દ્વારા બારમાસી મકાઈની ખેતી દ્વારા અન્ય ખેડૂતોને પ્રેરણારૂપ બની રહ્યાં છે. છેલ્લા થોડા વર્ષોથી બજારમાં બારે માસ અમેરિકન મકાઈ (સ્વીટ કોર્ન)ની જબરી માંગ રહે છે. સ્વાદમાં ખૂબ જ મીઠી મકાઈ સર્વપ્રિય હોય છે. સામાન્યતઃ બારે માસ ખેડૂતો દ્વારા તેનું ઉત્પાદન કરવામાં આવે છે પરંતુ ચોમાસાના અષાઢ માસથી આસો માસ દરમ્યાન ભાવનગર શહેર આસપાસ તથા જિલ્લામાંથી મોટા પ્રમાણમાં વહેચાણ અર્થે ઠાલવવામાં આવે છે. ભાવનગરમાં પાકતી મકાઈની બહોળી માંગ અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા સહિત પાડોશી રાજ્યમાં પણ રહેતી હોય અત્રેથી મોટા પ્રમાણમાં મોકલવામાં આવે છે.

ભાવનગરના કુદરતી સ્થળો પર સ્વીટ કોર્નનું વેચાણ મોટા પ્રમાણમાં થાય છે ત્યારે આ મકાઈના વાવેતરથી લઈને ઉત્પાદન સુધીની રસપ્રદ વાતો જાણીએ. શહેરના ચિત્રા-સિદસર રોડ પર બારૈયાની વાડી તરીકે ઓળખાતા વિસ્તારમાં વાડી ધરાવતા અને છેલ્લા દસ વર્ષથી દેશી તથા અમેરિકન મકાઈનું સફળ ઉત્પાદન કરતા પ્રગતિશીલ ખેડૂત શાંતિભાઈ બારૈયાના જણાવ્યા અનુસાર દેશી મકાઈનું વાવેતર કર્યા બાદ ત્રણ માસ પૂર્ણ થયે ઉત્પાદન શરૂ થતું હોય છે તો સુધારેલી આવૃત્તિ અને લોકોમાં પ્રિય અમેરિકન મકાઈ વાવેતર બાદ માત્ર અઢી માસના સમયગાળામાં ડોડા તૈયાર થાય છે. ૧ વિઘા દીઠ ર કિલો જેટલું બિયારણ વાવવામાં આવે છે. જેમાં સિઝન શરૂ થયે ૧પ થી ૩૦ દિવસ સુધી ઉતારો લઈ શકાય છે. જંતુનાશક દવા, ખાતર તથા અન્ય ખર્ચ મુજબ એક વિઘાની મકાઈમાં રૂા.પ હજારથી ૭ હજાર જેટલો ખર્ચ થાય છે. ચોમાસાની સિઝનમાં સારો વરસાદ થયે પિયતની જરૂરીયાત ઓછી રહે છે પરંતુ વરાપ સમયે સપ્તાહમાં ત્રણ થી ચાર વાર પિયત ક્રમશઃ આપવું પડે છે. દેશી મકાઈનો ઉપયોગ અનાજ સાથે કરવામાં આવે છે. શ્રમજીવીઓ દેશી મકાઈના રોટલાઓ ખોરાક તરીકે ઉપયોગ કરે છે. ઉપરાંત ધાણી-પોપકોર્ન માટે બહોળો ઉપયોગ કરવામાં આવે છે પરંતુ સ્વાદ અને પસંદગીની દ્રષ્ટિએ લોકો અમેરિકન મકાઈને પ્રાધાન્યતા આપે છે. મકાઈની અલગ-અલગ ૭ થી વધુ જાતો હોય છે પરંતુ ભાવનગર શહેર-જિલ્લામાં અમેરિકન તથા દેશી બિયારણનો ઉપયોગ કરવામાં આવે છે. સારી માવજત અને યોગ્ય આબોહવાને લઈને અમેરિકન મકાઈનો છોડ સારી ગુણવત્તા ધરાવતા ત્રણેક જેટલા ડોડા પ્રતિછોડ પર લાગે છે. અમેરિકન મકાઈ માત્ર લોકોમાં જ લોકપ્રિયનથી ડોડા ઉતાર્યા પછી બચતા છોડ પશુઓના ચારા તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. પશુઓ અમેરિકન મકાઈના છોડ વધુ આરોગે છે. જેને લઈને દુધાળા પશુઓમાં દુધની માત્રા પણ વધે છે. આરોગ્યની દ્રષ્ટિએ મકાઈનું સેવન શ્રેષ્ઠ માનવામાં આવે છે. મકાઈમાં કાર્બોહિત પદાર્થો તથા કુદરતી શર્કરાનું શ્રેષ્ઠ પ્રમાણ હોય છે તથા સોડીયમ ફોસ્ફરસ, આર્યન જેવા તત્વોનો ભંડાર હોય છે. આથી ઉચીત માત્રામાં મકાઈ આરોગવાથી શરીર પુષ્ટ બને છે. આમ લોકોમાં ભારે વખણાયેલી અમેરિકન મકાનઈ હવે સીમાડાઓ પણ ઓળંગી રહી છે.

વિઘા દીઠ રૂા.૧પ હજારથી વધુનું વળતર મળી શકે છે

આજકાલ મકાઈના બિયારણોની વિશાળ સુધારેલી શ્રેણી છે. જે ઓછી મહેનત ઓછા પાણીએથી પણ ખૂબ સારી રીતે પકાવી શકાય છે. મકાઈનું વાવેતર કરતા પૂર્વે દેશી ખાતરનો છુટથી ઉપયોગ કરવો જોઈએ. દેશી ખાતરના એક વખત સારા ઉપયોગ થકી લગાતાર બે વર્ષ સુધી મકાઈનો શ્રેષ્ઠ પાક લઈ શકાય છે. અમેરિકન મકાઈને કોઈપણ જમીન માફક આવે છે. આથી જો ખેડૂતો ખંતપૂર્વક મહેનત કરે તો પ્રતિ વિઘે રૂા.૧પ હજારથી વધુ રકમની કમાણી કરી શકે છે. આ ખેતી ઓછા સમય અને ઓછા બજેટમાં તથા રોકડીયા પાકની ગણતરીમાં આવતી ખેતી છે.

– શાંતિભાઈ બારૈયા,

અગ્રણી ખેડૂત,

ચિત્રા-વાડી, ભાવનગર