બરવાળા પાસે કાર અને મોટરસાયકલ વચ્ચે અકસ્માત : બેને ગંભીર ઈજાઓ

1627

બરવાળા પાસે કાર અને મોટરસાયકલ વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાતા પતિ-પત્નીને લોહીયાળ ગંભીર ઈજાઓ થતા બરવાળા ઈમરજન્સી ૧૦૮ના ઈએમટી મુકેશભાઈ સાંથળીયા તેમજ પાયલોટ દેવરાજભાઈ ચૌહાણ દ્વારા ઈજાગ્રસ્તોને બરવાળા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા.

આ બનાવ અંગે મળતી વિગત અનુસાર બરવાળા-બોટાદ હાઈવે ઉપર બરવાળા પાસે બાપા સીતારામની મઢી પાસે તા.ર૬-૮-૧૮ના રોજ સવારના ૬-૦૦ વાગ્યાના અરસામાં બ્રન્ઝા કાર નં.જીજેર૧ બીસી ૩૯૧૩ અને મોટરસાયકલ નં.જીજે ૪ બીએફ ૪૬૪૮ વચ્ચે ધડાકાભેર રીતે અકસ્માત સર્જાતા મોટરસાયકલમાં સવાર પતિ-પત્ની બાબુભાઈ વાલજીભાઈ પ્રજાપતિ ઉ.વ.૪૩, હર્ષાબેન બાબુભાઈ પ્રજાપતિ ઉ.વ.૪૦ રહે.બરવાળા, તા.બરવાળાને લોહીયાળ ગંભીર ઈજાઓ પહોંચતા બરવાળા ઈમરજન્સી ૧૦૮ દ્વારા ઈજાગ્રસ્તોને બરવાળા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા. પ્રાથમિક સારવાર મળી ગયા બાદ બન્ને ઈજાગ્રસ્તોને ભાવનગરની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ઈજાગ્રસ્ત હર્ષાબેન પ્રજાપતિની તબિયત નાજુક હોવાથી સારવાર અર્થે અમદાવાદની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ બનતા જ કારનો ચાલક કાર મુકીને ફરાર થઈ ગયો હતો. આ બનાવ અંગે અત્યાર સુધી હજુ કોઈ પોલીસ ફરિયાદ નોંધવામાં આવેલ નથી.

આ અંગે અત્રે ઉલ્લેખનિય વિગત અનુસાર બરવાળા પ્રજાપતિ સમાજના પતિ-પત્ની વહેલી સવારે બરવાળાથી બોટાદ તરફ પોતાના ભાઈને રક્ષાબંધન નિમિત્તે રાખડી બાંધવા જઈ રહ્યાં હતા તે અરસામાં બાપા સીતારામની મઢીથી આગળ પહોંચતા બ્રેન્ઝા કારના ચાલકે પાછળથી ધડાકાભેર ટક્કર મારતા પતિ-પત્ની બન્નેને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.