સ્ટેન્ડીંગ કમિટીમાં જનહિતના પ્રશ્નો અંગે સભ્યો આક્રમક

1249

ભાવનગર મહાપાલિકા સ્ટે. કમિટીની બેઠક ચેરમેનના અધ્યક્ષ પદે મળેલ બેઠકમાં કમિ. ગાંધી, નાયબ કમિ. ગોવાણી, ડો.કમિ. રાણા, સીટી એન્જીનિયર ચંદારાણા વિગેરે ઉપસ્થિત રહેલ. એજન્ડા પરના મોટાભાગના તુમારો પાસ કરી દેવાયા હતા. મળેલી બેઠકમાં ૩૯ જેટલા તુમારો રજૂ થયેલ. આ તુમારોમાં વિવિધ પ્રશ્નો અંગે ઠીક ઠીક ચર્ચા થવા પામેલ. આ પ્રશ્નોમાં સભ્યો દ્વારા રખડતા ઢોરોનો ત્રાસ નિવારવા ડિમોલેશ, ઘરવેરા રિકવરી, પાણીના પરબો અને ગાર્ડનના મુદ્દાની પૂર્વ ચેરમેન અભયસિંહ ચૌહાણ, રાજુભાઈ પંડ્યા, ધીરૂભાઈ ધામેલીયા, અનિલભાઈ ત્રિવેદી અને કિર્તીબેન દાણીધારીયા, કલ્પેશ વોરાએ તંત્ર સામે આક્રમક ધારદાર રજૂઆતો કરી હતી.

સભ્યોની આક્રોશભરી રજૂઆત વચ્ચે ચેરમેને જણાવ્યું હતું કે, કામ થાય તે મહત્વનું છે. ચર્ચાનો કોઈ અર્થ નથી. ચેરમેને કેટલાક બોલકા સભ્યોને નજરમાં રાખી આવી ટકોર કરતાની સાથે જ બાંધકામ કમિટીના પૂર્વ ચેરમેન રાજુભાઈ પંડયાએ ચેરમેનની વાતનો છેદ ઉડાડતા એમ જણાવ્યું હતું કે, ઢોરોનો લોકોને ત્રાસ વધતો જાય છે. બે વ્યક્તિના જીવો ગયા છે. પગલાઓ લેવા સરકારની રાહ ન જોવાય આપણે જ નિર્ણય લેવાનો છે. જો ૭ર કલાકમાં ઢોરોનો ત્રાસ દુર નહીં કરાય તો કમિટીમાંથી મારૂ રાજીનામુ આપીશ. આમ ભાજપના બુધ્ધિજીવી સભ્યની રજૂઆત સાંભળીને ચેરમેન અને તંત્ર ચોકી ઉઠ્યું હતું. રાજુભાઈએ ઢોરોના ત્રાસનો આ મુદ્દો કમિટીમાં ગંભીરતા લેતા તેમણે જણાવ્યું કે, અત્યાર સુધીમાં શું ૯૦ ઢોરો જ પકડ્યા છે. ઢોરો અને સાથે સાથે ગધેડાનો પણ ત્રાસ વધતો રહ્યો છે. કામનું કોઈ રીઝલ્ટ આવતું નથી. લોકો અને અખબારો આપણા તંત્રની કામગીરીને નિર્ભર તંત્રની સાથે સરખાવે છે તે બાબત શરમજનક છે.

પંડ્યાની આક્રોશભરી રજૂઆતમાં સુર પુરાવતા યુવા નેતા અનિલ ત્રિવેદીએ એવી વાત કરી કે સભ્ય શિતલબેન પરમારના પતિને ખુટીયાએ પાડી દીધા. તેની સારવારના કાગળો પત્રકારો મારી પાસે માંગે છે. વાતને એક વર્ષ થયું શું અમારે આ બધી પંચાયતમાં પડવું. આ પ્રશ્ન તંત્રનો છે. ધારાશાસ્ત્રી નગરસેવીકા કિર્તીબેન દાણીધારીયાએ ઢોરના પ્રશ્ને બળતામાં ઘી હોમતા એવો સવાલ કર્યો હતો કે પ્રાણી નાનુ હોય કે મોટુ તેનો ખર્ચ ભોજન અંગેની બાબતમાં વહિવટી ખર્ચ એટલે શું તેવો તંત્ર સામે પ્રશ્ન ઉભો કર્યો હતો અને ઢોર વિભાગના ડો.હિરપરાએ સભ્યને ઢોર પાછળ થતા ખર્ચનો હિસાબ ગણાવી દીધો હતો. સેવા સદનમાં ઓછુ બોલતા સભ્યની છાપ ધરાવતા અલ્પેશ વોરાએ વચ્ચે રોડ સત્તાની વાત ઉભી કરી રોડ રસ્તાના કેટલાક કામો નબળા થયાની વાત જણાવી હતી. રોડરસ્તાની વાતમાં સ્પષ્ટ વક્તા એવા ધીરૂભાઈ ધામેલીયાએ રોડ રસ્તા વચ્ચે પાણી ભરાય છે. આ સ્થળે આરસીનો રોડ બનાવો અને આ માટે બીજી વખત ટેન્ડર કરો. પૂર્વ ચેરમેન અભયસિંહ ચૌહાણે એવો મુદ્દો ઉઠાવ્યો કે રોડ રસ્તાના કામે કેટલા કોન્ટ્રાક્ટરોને બ્લેક લીસ્ટમાં મુક્યા. જે રોડનું કામ કર્યુ હોય તે એજન્સીનું નામ, કામ ક્યાં વર્ષમાં કર્યુ અને એજન્સીની એગ્રીમેન્ટની બાબત જણાવો જેથી અમને અને લોકોને ખ્યાલ આવે કે આ કામ જેતે સાલમાં થયું છે.

ચેરમેન યુવરાજસિંહે જવાબ દીધો કે આ બાબત આવતી કમિટીમાં રજૂ કરાશે. પંડ્યાએ સ્કુલોમાં બાળકો પાસે સફાઈ કામ કરાવાય છે તે મુદ્દો ઉઠાવી કીધુ કે બાળકો પાસે સફાઈ ન કરાવો તંત્રે બજેટ વેળા સ્વચ્છતા મુદ્દે કાંઈ કર્યુ નથી. ઢોર, પાણી, પરબ ગાર્ડનના અગાઉ તંત્ર પાસે રજૂઆત કરાય છે. પંદર દિવસમાં શું કામ થયું તેનો મને જવાબ આપો તેવી અનિલ ત્રિવેદીએ વાત કહેતા ચેરમેને કીધુ કે રજૂઆત થયાને પંદર દિનથી થયા તેમ કહી સભ્યની વાત ફગાવી હતી. હોટલ રેસ્ટોરન્ટનો એઠવાડો દુર કરવાની મે તંત્ર પાસે લાંબા સમયથી માંગ ઉઠાવી. આ બાબતમાં કાંઈ કામ થયું નથી તેમ કહીને રાજુભાઈ પંડ્યાએ ન્યુસન્સ વધતું જાય છે, પગલા ભરો.

અભયસિંહ ચૌહાણે કર્મચારીઓને એલાઉન્સ દેવાની બાબતે એવી વિગત જણાવી કે લંબચમ એટલે શું કેટલા લોકોને આ રીતે એલાઉન્સ અપાય છે તેની વિગતવાર અહેવાલ આપો લંબસમ કાઢી નાખ્યું ફરી આ વાત ક્યાંથી આવી. લાખો રૂપિયા ડીપીઆર અને આર્ટીટેકો પાછળ ખર્ચાય છે. ભાવનગરની પ્રજા પાસે તંત્રનો આવો સંદેશો જાય છે તે માટે વિચારવા અનિલ ત્રિવેદીએ તંત્રને ટકોર કરી. અનિલ ત્રિવેદીએ એવો પ્રશ્ન ઉઠાવ્યો. ગામનું તોડીએ છીએ આપણી જમીન ખાલી કરાવોને. બાકી વેરાના આસામીઓને ત્યાં સીલો મારો છો પરંતુ સીલો માર્યા પછી શું તંત્ર તે પછી કોઈ તપાસ કરે છે કે કેમ એક ગોડાઉન પર સીલ માર્યુ. તેમાં જે સામાન હતો તે ઉપડી ગયો ફક્ત સીલ ટીંગાય છે. સીલ મારીને સંતોષ ન લેવાનો હોય પુરી કામગીરી કરો તેવી તંત્રને અનિલ ત્રિવેદીએ ટકોર કરી. જેસીબી મારી ડીમોલેશન કરી દીધુ પછી ત્યાં જે ખરાબો એકત્ર થાય તેના નિકાલ માટે કાંઈ થાતું નથી પરિણામે હવે વાહનો રસ્તા પરની જગ્યાઓએ પાર્કિંગ થઈ રહ્યાં છે. આ પ્રશ્ન પણ તંત્રે વિચારવો રહ્યો. અભયસિંહ ચૌહાણે વેરા પેટે કેટલી રકમ બાકી છે તેવો પ્રશ્ન ઉઠાવતા તંત્ર જણાવ્યું કે, ૧૬૬ કરોડ જેવી રકમ બાકી ખાતે નિકળે છે. આજની કમિટી બેઠકમાં સભ્યોએ એક પછી એક પ્રશ્નો ઉઠાવતા ચેરમેન માટે બેઠક અઘરી અને જવા પામેલ. જો કે તંત્રના જવાબોમાં ચેરમેને મનેકમને સંતોષ માન્યો હોય તેવી છાપ ઉપસી હતી.

Previous articleસરકારના બાયોમેટ્રીક ફીંગર પ્રિન્ટના પરિપત્રને રાજુલા તા.પં. દ્વારા આવકાર
Next articleપૌરાણિક પરંપરા પ્રમાણે પર્વની ઉજવણી