અરૂણાચલ પ્રદેશ : વિદેશી પ્રવાસીને પ્રોત્સાહન અપાશે

896

ટુંક સમયમાં જ અરૂણાચલપ્રદેશના દુરગામી વિસ્તારોમાં વિદેશી પ્રવાસીઓ ફરતા જોઇ શકાશે. કેન્દ્ર સરકારે પ્રવાસને પ્રોત્સાહન આપવા માટે સુરક્ષિત ક્ષેત્રોમાં મંજુરી માટેના પ્રવેશ નિયમોને બદલવા પર ગંભીરતાપૂર્વક વિચારણા કરી રહી છે. હાલમાં માત્ર સુરક્ષિત વિસ્તારોમાં જ ફરવાની મંજુરી આપવામાં આવી છે. સુત્રોના કહેવા મુજબ નોર્થ ઇસ્ટમાં અરૂણાચલ પ્રદેશ પ્રથમ રાજ્ય છે જેને આ છુટછાટનો લાભ મળનાર છે. આની સાથે સાથે સરકાર સિક્કિમ અને જમ્મુ કાશ્મીરના લડાખમાં પણ આવી જ છુટછાટ આપવાની યોજના પર કામ કરી રહી છે. પ્રવાસી ક્ષેત્રમાં મંત્રીમંડળના સ્તર પર થયેલી કોઓર્ડિનેશન બેઠકમાં કહેવામાં આવ્યુ છે કે હવે અરૂણાચલ પ્રદેશના સુરક્ષિત અને પ્રતિબંધિત ક્ષેત્રોમાં ફરવા માટે પાંચ વર્ષની મંજુરી આપવામાં આવનાર છે. પહેલા આ માત્ર બે વર્ષની મંજુરી હતી. કેન્દ્રિય મંત્રાલય અરૂણાચલના સૌથી ખુબસુરત જગ્યા પૈકી એક તવાંગ ખીણ અને જીરો એન્ડ બોમડિલામાં પ્રવાસીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થવાની આશા ધરાવે છે. જાણકાર લોકોનુ કહેવુ છે કે જો અરૂણાચલપ્રદેશમાં પ્રવાસીઓને આ છુટછાટ આપવામાં આવે છે તો ટુંક સમયમાં જ બીજા સરહદી રાજ્યોમાં આવી જ શરૂઆત થઇ જશે.