નિષ્કલંકના તટે માનવ મહેરામણ

1259

ભાવનગર જિલ્લાના કોળીયાક ગામે સમુદ્રમાં આવેલ નિષ્કલંક મહાદેવ ખાતે પરંપરાગત રીતે ભાદરવી અમાસની ઉજવણી કરવામાં આવી હતી. આ મેળામાં લાખ્ખોની જનમેદની ઉમટી હતી.

ભાવનગર શહેરથી ૩પ કિલોમીટર દુર કોળીયાક ગામના સમુદ્રમાં અર્વાચીન એવા પાંડવકાળમાં પાંડવો દ્વારા સ્થાપવામાં આવેલ નિષ્કલંક મહાદેવના સાનિધ્યમાં સેંકડો વર્ષોથી શ્રાવણ માસના અંતિમ દિવસ એટલે કે ભાદરવી અમાસના રોજ ભવ્ય ઉતસવ સાથે લોકમેળો યોજાય છે. આ મેળામાં દેશ વિદેશથી લાખ્ખોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ આવે છે અને સમુદ્રી સ્નાન નિષ્કલંક મહાદેવના દર્શન પૂજન થકી પાવન બને છે. એક રાત અને એક દિવસ યોજાનારા મહા ઉત્સવ અંતર્ગત આ વર્ષે પણ તા.૮-૯-ર૦૧૮ને શ્રાવણ વદ ચૌદશ શનિવારના રોજ સમી સાંજથી જ શહેર-જિલ્લાના તમામ માર્ગો પરથી કોળીયાક તરફ જવા માટે અભૂતપૂર્વ માનવ મહેરામણનો પ્રવાહ વહેતો થયો હતો. જે રાતભર અને વહેલી સવાર સુધી વણથંભી વણઝાર જેમ શરૂ રહ્યો હતો. નિષ્કલંકના દરિયા કાંઠે રાત્રે માર્ગો પર ઠેકઠેકાણે શ્રધ્ધાળુઓ માટે ઠંડાપાણી, ચા-નાસ્તા, ઉતારા સહિતની વ્યવસ્થાઓ કરવામાં આવી હતી તથા ધર્મસ્થળો પર લોકડાયરાઓ સહિતના સાંસ્કૃતિક કાર્યક્રમોનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.

વહેલી સવારે સાગર કાંઠે વિરાટ જનમેદની સમુદ્રમાં સ્નાન તથા દર્શન માટે તત્પર બન્યા હતા પરંતુ દર વર્ષની પરંપરા મુજબ ઘોઘાબંદરેથી મધ્ય રાત્રિએ હોડીમાં રવાના થયેલ ભાવનગર સ્ટેટ પરિવારની ધજા નિષ્કલંકના ઓટા પર સ્થાપના કરવામાં આવી હતી તથા પાણી ઉતર્યા બાદ પોલીસ તંત્ર દ્વારા દર્શન-સ્નાન માટે મંજુરી આપતા લોક સમુહએ ઓટા તરફ દોટ મુકી હતી. બે દિવસ દરમ્યાન દોઢ લાખથી વધુ શ્રધ્ધાળુઓએ સમુદ્રી સ્નાન તથા મહાદેવના દર્શન પૂજનનો લ્હાવો લઈ ધન્ય બન્યા હતા.